T-20 વર્લ્ડ કપ હવે ભારતને બદલે UAEમાં રમાશે : BCCI

 યુએઈની વાત કરવામાં આવે તો દુબઈ, શારજાહ અને અબુધાબીમાં મેચ રમાશે

ટી-20 વર્લ્ડકપનું આયોજન હવે ભારતની જગ્યાએ યુએઈમાં થશે. આજે આ અંગેની સત્તાવાર જાહેરાત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા કરી દેવામાં આવી છે. કોરોનાને પગલે દેશમાં ટી-20 વર્લ્ડકપના આયોજનને લઈને શંકાઓ હતી. દરમિયાન બીસીસીઆઈએ આઈસીસીને આ અંગે સત્તાવાર રીતે જાણકારી આપી દીધી છે. ટૂર્નામેન્ટનું આયોજન ઓક્ટોબર-નવેમ્બરમાં થઈ શકે છે. ટી-20 વર્લ્ડકપ પહેલાં આઈપીએલના બાકી રહેલા 31 મુકાબલા પણ યુએઈમાં થવાના છે. બોર્ડના સચિવ જય શાહે ટૂર્નામેન્ટને યુએઈ ખસેડી હોવા અંગેની જાણકારી આપી હતી.

જય શાહે કહ્યું કે અમે આઈસીસીને આજે સત્તાવાર રીતે ટી-20 વર્લ્ડકપને યુએઈમાં શિફ્ટ કરવા અંગે જાણકારી આપી દીધી છે. ટૂર્નામેન્ટની તારીખ અંગેનો નિર્ણય આઈસીસી કરશે. જાણકારી અનુસાર કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે ટૂર્નામેન્ટનું આયોજન ભારતમાં થવું મુશ્કેલ હતું.

17 ઓક્ટોબરથી વર્લ્ડકપના મુકાબલા શરૂ થઈ શકે છે. 16 ટીમોની આ ટૂર્નામેન્ટનો ફાઈનલ મુકાબલો 14 નવેમ્બરે રમાશે. ટૂર્નામેન્ટના મુકાબલા યુએઈ ઉપરાંત ઓમાનમાં પણ રમાઈ શકે છે. આઈપીએલના મુકાબલા હોવાને કારણે યુએઈમાં આયોજનને લઈને વધુ દબાણ ન પડે તે માટે ક્વોલિફાયર્સ મેચ ઓમાનમાં રમાઈ શકે છે. યુએઈની વાત કરવામાં આવે તો દુબઈ, શારજાહ અને અબુધાબીમાં મેચ રમાશે. આ પહેલાં 2016ના ટી-20 વર્લ્ડકપનું આયોજન ભારતમાં થયું હતું ત્યારે વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયન બની હતી.

 21 ,  1