તક્ષશિલા અગ્નિકાંડ મામલો, આરોપીઓ સામે સુનાવણી 5 જુલાઈથી શરૂ થશે

ભીષણ આગમાં 22 જેટલા માસૂમના કરૂણ મોત નિપજયા હતા

સરથાણા પાસે થયેલા તક્ષશિલા અગ્નિકાંડમાં અંદાજે 22 માસૂમના કરૂણ મોત નિપજ્યા હતા. આ ઘટનામાં આરોપીઓ સામે અદાલતે ચાર્જ ફ્રેમ કર્યો હતો. જો કે આરોપીઓએ ગુનો કબૂલ નથી તેવું કહેતા ઇન્સાફી કાર્યવાહી માટે 5 જુલાઈની મુદ્દત રાખવામાં આવી હોવાનું બચાવ પક્ષના એડવોકેટ કલ્પેશ દેસાઈ, વિરલ ચલિયા વાળા અને રાજેશ ઠાકરરિયાએ જણાવ્યું છે.

આ ગુનામાં મનપાના કર્મચારી અતુલ ગોરસ વાળાને ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપી હોવાને કારણે તેની સામે ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો નથી. કેસની વિગત એવી છે કે લોકસભા 2019ની ચૂંટણીની મતગણતરીના બીજા દિવસે સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડના એક ટ્યુશન ક્લાસમાં આગ ભભૂકી ઉઠી હતી અને આ ભીષણ આગમાં 22 જેટલા માસૂમના કરૂણ મોત નિપજયા હતા.

પોલીસે આઈપીસી કલમ 304 મુજબનો ગુનો નોંધીને તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચે સુપરત કરવામાં આવી હતી. ડીસીબીએ મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેર પીડી મુન્શી, ડેપ્યુટી ફાયર ઓફિસર જયેશ સોલંકી સહિત અનેક આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.

બે આરોપીઓ સામે 1500 થી વધુ પાનાની ચાર્જશીટ રજૂ કર્યા બાદ અદાલતે આરોપી સામે તહોમત નામુ ફટકાર્યું હતું. હવે વધુ સુનાવણી પાંચમી જુલાઈના રોજ હાથ ધરાશે.

માસુમોએ આર્કેડ પરથી કૂદીને જીવ ગુમાવ્યો હતો

સુરત જ નહીં, સમગ્ર દેશને હચમચાવી દેનારી આ ગાઝારી ઘટનામાં આરોપ હતો કે, ફાયર વિભાગના અધિકારીઓ સમયસર ઘટના સ્થળે પહોંચ્યા ન હતા. એટલુ જ નહીં ગેરકાયદેસર બાંધકામ હોવાના કારણે જ્યારે આગ લાગી હતી, ત્યારે માર્કેટમાં આવેલા આર્ટ ગેલેરી અને અન્ય દુકાનોમાંથી લોકો નીકળી શક્યા ન હતા. આર્ટ ગેલેરીમાં ફસાયેલા તમામ બાળકો પોતાની રીતે જીવ બચાવવા માટે દોડતા રહ્યા હતા અને કેટલાક આગની જ્વાળાઓમાં હંમેશા માટે હોમાઈ ગયા હતાં, તો કેટલાક માસુમોએ આર્કેડ પરથી કૂદીને જીવ ગુમાવ્યો હતો.

વાલીઓ દ્વારા આજદિન સુધી લડત ચલાવવામાં આવી રહી છે

આ સમગ્ર ઘટના બાદ કોમ્પ્લેક્સના બિલ્ડર, સુરત મનપાના અધિકારીઓ, ફાયર વિભાગના અધિકારીઓ સામે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કેસ દાખલ કરીને કાયદાકીય પગલા ભરવામાં આવ્યા હતા. તેમ છતાં વાલીઓને લાગે છે કે, અત્યાર સુધી ઉચ્ચ અધિકારીઓ સુધી આ તપાસ પહોંચી નથી, જેની લડત વાલીઓ દ્વારા આજદિન સુધી ચલાવવામાં આવી રહી છે, ત્યારે બીજી બાજુ સુરત મનપાના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું છે કે, આ ઘટના બાદ ફાયર વિભાગનું આખું સ્ટ્રક્ચર જ બદલી દેવામાં આવ્યુ છે. ફાયર સ્ટેશનની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. ગેરકાયદેસર બાંધકામને લઈ મહાનગરપાલિકા સખ્તાઈ બતાવી રહી છે. એટલું જ નહીં જવાબદાર અધિકારીઓ સામે કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યા છે.

 48 ,  1