વડોદરામાં વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજારનાર શિક્ષકને આજીવન કેદ

પરીક્ષામાં પાસ કરવાની લાલચ આપી શિક્ષકે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું

પોસ્કોના કાયદા હેઠળ સજા ફટકારતી કોર્ટ

વડોદરા શહેરના અટલાદરાના જય ટયૂશન કલાસની ધો.12 સાયન્સની સગીર વયની વિદ્યાર્થિનીને પેપર લીક કરાવીને પરીક્ષામાં પાસ કરવાની લાલચ આપીને દુષ્કર્મ ગુજારવાનો આરોપ ધરાવતાં ટીચર વિનુ કતારીયાને અદાલતે બળાત્કાર અને પોકસોના ગુનામાં દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

શહેરના અટલાદરા વિસ્તારમાં જય કલાસીસમાં આ વિદ્યાર્થિની ટ્યુશનમાં જતી હતી. ત્યારે તેને ભણાવતા શિક્ષક વિનુ કટારીયાએ જ તેના પર નજર બગાડી હતી. તેણે વિદ્યાર્થિની પરીક્ષામાં પાસ કરાવી દેવાની લાલચ આપી શહેરની અલગ અલગ હોટલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું.

આરોપી શિક્ષક છેલ્લા એક વર્ષથી વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. એક વર્ષથી દુષ્કર્મ અને બ્લેકમેલનો ભોગ બનનારી વિદ્યાર્થિનીથી સહન ન થતા તેણે પરિવારજનોને જાણ કરી હતી. ત્યારબાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા પોલીસે આરોપી શિક્ષકને દબોચી લઇ જેલ હવાલે કર્યો હતો. જે અંગેનો કેસ અદાલતમાં ચાલી જતાં અદાલતે આરોપીને આજીવન કેદની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

શિક્ષણ વિભાગ દ્વારા વિનુ કાતરિયાની (રહે – સહજાનંદ ડુપ્લેક્સ ,ચાણક્ય નગરી પાછળ, કલાલી રોડ ,વડોદરા -મૂળ/રહે. ગીર સોમનાથ) વર્ષ 2009માં ગોરવા રોડની અગ્રણી એલેમ્બિક સ્કૂલમાં બાયોલોજી ટીચર તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. બે વર્ષ અગાઉ તેની સામે માંજલપુર પોલીસ મથકે વિદ્યાર્થીનીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને શિક્ષક પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

વિનુ કાતરિયા વિદ્યાર્થીનીને પ્રેમસંબંધો બાંધવા માટે અવારનવાર દબાણ કરતો હતો અને પરીક્ષાનાં પેપરો આપી પાસ કરાવવાની લાલચ આપતો હતો. પોતે બોર્ડનો મેમ્બર હોવાનું જણાવતો હતો. વિનુ કાતરિયાએ વિદ્યાર્થિનીના બીભત્સ વીડિયો અને ફોટા પાડી લીધા અને વાઇરલ કરવાની ધમકી આપી તેની સાથે દુષ્કર્મ આચરતો હતો.

ચુકાદો આપતા સમયે અદાલતે નોંધ્યું હતું કે, આરોપી શિક્ષક હોય અને  પત્ની તથા બે સંતાનોનો પિતા હોવા છતાં પોતાની પત્ની અને નાની દિકરીના ભવિષ્યની ચિંતા કર્યા વિના વાસનામાં અંધ બની માત્ર પોતાની હવસ સંતોષવાના ભાગરૂપે સગીર વિદ્યાર્થિનીને શિક્ષણ આપવાના બદલે પોતાના શિક્ષક તરીકેના હોદ્દાનો દુરપયોગ કરી લાંબા સમય સુધી શારીરિક શોષણ અને બળાત્કાર કરી હેવાનિયતભર્યું કૃત્ય આચર્યું છે તે જોતા આરોપીઓનું કૃત્ય અત્યંત ગંભીર પ્રકારનું કૃત્ય છે આવા ગુનામાં આરોપીને યોગ્ય સજા કરવામાં ના આવે તો તેનાથી સમાજમાં ખોટો સંદેશો જશે.

 23 ,  1