ટીમ ઈન્ડિયા આફ્રિકામાં પ્રથમ ટેસ્ટ સીરિઝ જીતવા મેદાનમાં ઉતરશે

જાણો, ટેસ્ટમાં કોની થશે એન્ટ્રી અને કોણ થશે ‘OUT’

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે રવિવારથી ત્રણ ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ સેન્ચુરિયનમાં ભારતીય સમય પ્રમાણે બપોરે 1.30 વાગ્યે પ્રારંભ થશે. જોકે, સેન્ચુરિયન સુપરસ્પોર્ટ પાર્ક સ્ટેડિયમમાં રમાનારી આ ટેસ્ટ મેચનાં વરસાદનું વિઘ્ન નડવાની શક્યતા છે. સાઉથ આફ્રિકાની ભૂમિ પર સૌપ્રથમ વખત ટીમ ઈન્ડિયા ટેસ્ટ સીરિઝ જીતવાના ઈરાદાથી મેદાનમાં ઉતરશે.

રોહિત ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. રોહિત શર્માની ગેરહાજરીમાં કે.એલ. રાહુલ અને મયંક અગ્રવાલની જોડી ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. રોહિતની ગેરહાજરીમાં ટીમને સારી શરૂઆત કરાવવાની જવાબદારી મયંક અને રાહુલના ખભા પર રહેશે. છેલ્લા થોડાક સમયથી કે.એલ. રાહુલ અને મયંક અગ્રવાલે તેમના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે. સેન્ચુરિયન પાર્કમાં પણ ટીમ ઈન્ડિયાને આ જોડી પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે. ત્રીજા દિવસથી પિચ બોલરોને મદદ કરશે. તેના કારણે બંને ટીમની આકરી કસોટી થશે. આ કારણે ભારત કેવી ટીમ પસંદ કરશે તેના પર સૌની નજર છે. ખાસ કરીને બેટિંગમાં ભારત કોને તક આપે છે તે જોવાનું રહે છે.

કે.એલ. રાહુલ અને મયંક અગ્રવાલની ઓપનિંગ જોડી બાદ ચેતેશ્વર પૂજારા નંબર-3 પર રમશે. ટેસ્ટ મેચોમાં પુજારા ભારતીય ટીમના સૌથી અનુભવી ખેલાડીઓમાંથી એક છે. રોહિતની ગેરહાજરીને કારણે પૂજારા પર પ્રથમ મેચમાં સારું પ્રદર્શન કરવાનું દબાણ રહેશે.

મિડલ ઓર્ડરમાં ચોથા નંબરે કેપ્ટન વિરાટ કોહલી રમશે એ નક્કી છે. વિરાટ પછી પાંચમા નંબર માટે ત્રણ વિકલ્પ છે. શ્રેયસ અય્યર અને અજિંક્ય રહાણે તથા હનુમા વિહારી ટીમમાં નંબર-5 માટેના વિકલ્પ છે. શ્રેયસ અય્યરે ન્યૂઝીલેન્ડ સામે તાજેતરમાં યોજાયેલી શ્રેણીમાં શાનદાર ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની પહેલી જ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. અજિંક્ય રહાણેનું ફોર્મ આ વર્ષે ખાસ રહ્યું નથી. દક્ષિણ આફ્રિકામાં રહાણેનું પ્રદર્શન શાનદાર છે. તેથી રહાણેને વધુ એક તક મળી શકે છે. હનુમા વિહારી પણ ટીમ સાથે એક વિકલ્પ છે. હનુમા દક્ષિણ આફ્રિકા A અને ભારત A વચ્ચેની શ્રેણીમાં રમ્યો હતો.

ટીમની સંભવિત પ્લેઇંગ-11
વિરાટ કોહલી (કેપ્ટન), કે.એલ.રાહુલ (વાઈસ કેપ્ટન), મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, શ્રેયસ અય્યર, રિષભ પંત, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી