પાલિતાણામાં વ્યાજખોરોના આતંક, યુવકને જીવતો સળગાવવાનો કર્યો પ્રયાસ

યુવાનનું શરીર 90 ટકાથી વધુ દાઝી જવાથી હાલત ગંભીર

ભાવનગર જિલ્લાના પાલિતાણામાં વ્યાજખોરોના આતંકનો ભયાનાક ચહેરો સામે આવ્યો છે. પૈસાની લેવડદેવડમાં પેટ્રોલ છાંટી યુવાનને જીવતો સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ યુવક ગંભીર હાલતમાં સરટી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. તો બીજી તરફ આ મામલે પલીસે તપાસ હાથ ધરી છે.

છુટક મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો મહેબૂબ શાહે પાલિતાણામા જ રહેતા અને ગેરકાયદે ઊંચા વ્યાજે નાણાં ધિરધારનો ધંધો કરતાં માથાભારે શખ્સો પાસેથી ઊંચા વ્યાજે નાણાં લીધાં હતાં. જો કે મંદીના કારણે આર્થિક સ્થિતિ વધુ કથળી બનતા મહેબૂબ સમયસર વ્યાજ તથા મૂળ રકમ ચુકવી ન શકતાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી.

ગત રોજ પૈસાની ઉઘરાણી કરતા માથાભારે શખ્સોએ માનવતાની તમામ હદો વટાવી યુવાનને હિસાબ ચૂકતે કરવાના બહાને પાલિતાણામા ભાવનગર રોડપર બોલાવ્યો હતો. ત્યાં વ્યાજખોરોએ યુવક સાથે મારામારી કરી પેટ્રોલ જેવું જવલનશીલ પ્રવાહી રેડી કાંડી ચાપી દેતાં યુવાન ભડભડ સળગી ઉઠ્યો હતો અને શખ્સો નાસી છુટ્યા હતાં.

તો બીજી તરફ રાહદારીઓ યુવકની વ્હારે આવી આગ બુઝાવવાનો પ્રયાય કર્યો હતો. સારવાર માટે પાલિતાણા માનસિંહજી હોસ્પિટલમાં ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર સર.ટી હોસ્પિટલના બન્સૅ વોડૅ માં ખસેડવામાં આવ્યો હતો આ યુવાનનું શરીર 90 ટકાથી વધુ દાઝી ગયું હોય સારવાર કરતાં તબીબોએ યુવાનની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ આ મામલે પોલીસે વ્યાજખોરો સામે તજવીજ હાથ ધરી છે.

 61 ,  1