જમ્મૂ-કાશ્મીરમાં આંતકી હુમલો, 5 બિનકાશ્મીરી મજૂરોની ગોળી મારી હત્યા કરી…

જમ્મૂ કાશ્મીરના કુલગામમાં મંગળવારે આતંકીઓએ બીજા રાજ્યોમાંથી કામ કરવા માટે આવેલા 5 મજૂરોની ગોળી મારી હત્યા કરી છે. હુમલામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. કાશ્મીર પોલીસના જણાવ્યા પ્રમાણે, બધા જ મજૂરો પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના રહેવાસી હતા.

આ પહેલા પુલાવામામાં આતંકીઓએ સીઆરપીએફના જવાનોની એક ટુકડી પર હુમલો કર્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે, હુમલો દ્રબગામ વિસ્તારમાં આવેલી એક સ્કૂલની આસપાસ થયો હતો. જેમાં છાત્રો માટે પરીક્ષા કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવી હતી. કેટલાક આતંકી જવાનો પર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. જો કે, આ હુમલામાં કોઇ ઇજાગ્રસ્ત થયું નહોતું. આતંકીઓની શોધખોળ કરવા માટે વિસ્તારને ઘેરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

યૂરોપિયન સાંસદોની મુલાકાતને લઇને આતંકી ગતિવિધિઓ વધી

આતંકીઓના આ હુમલા યૂરોપિયન સંઘના સાંસદોની કાશ્મીર મુલાકાતની વચ્ચે થયા હતા. 23 સાંસદોની ટીમ રાજ્યની પરિસ્થિતિને જાણવા આવ્યા હતા. આ પહેલા સોમવારે રાત્રે અનંતનાગના બિજબેહારામાં આતંકીઓએ કાશ્મીરના ઉધમપુરના રહેવાસી એક ટ્રક ડ્રાઇવરને ગોળી મારી હત્યા કરી હતી. કલમ 370 હટાવ્યા પછી છેલ્લા 15 દિવસમાં અત્યાર સુધીમાં 4 ડ્રાઇવરની હત્યા કરવામાં આવી છે. સોમવારે આતંકીઓએ સોપોરના બસ સ્ટેન્ડમાં ગ્રેનેડ્સ ફેંક્યા હતા. જેમાં 20થી વધારે લોકો જખ્મી થયા હતા.

 18 ,  1