સોનેરી સલાહ આપવા બદલ મેડમ ચંદ્રમુખીજી ખૂબ ખૂબ ધન્યાવદ….!!

રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્યની યુપીની મહિલાઓને સલાહ- દિન ઢલતે હી બહાર ન નિકલો…

મેડમજી, યુપી પોલીસ અને યુપી સરકારને બરાબર ઓળખતા લાગે છે…!?

દિલ્હી-હૈદ્રાબાદ-હાથરસ-બદાયુ….સિલસિલા…સિલસિલા…

મહિલાઓ ઘરની બહાર નિકળે તો રેપ થાય ને…? ઘરમાં જ રહો…

યુપીના બદાયુમાં એક 50 વર્ષિય આંગણવાડી સહાયિકા મહિલા મંદિરમાં પૂજાપાઠ માટે જાય છે. મંદિરનો પૂજારી અને તેના સાથીઓ તેના પર ગેંગરેપ કરે છે. તેના શરીરમાં લોખંડનો સળિયો નાંખીને રિબાવે છે, યાતના આપે છે,તેની કમર તોડી નાંખે છે, તેના પગના હાડકા તોડી નાંખે છે અને તેને નિર્વસ્ત્ર હાલતમાં ફેંકી દેવામાં આવે છે. અંતે તે મહિલા પિડાઇ પિડાઇને દમ તોડે છે.

યુપીમાં જ હાથરસમાં એક દલિત યુવતી પર ગેંગરેપ થાય છે. તેની કરોડરજ્જુ તોડી નાંખવામાં આવે છે. તેની જીભ કાપી નાંખવામાં આવે છે અને તે પણ રિબાઇ રિબાઇને હોસ્પિટલ દમ તોડે છે. અડધી રાત્રે તેના અગ્નિ સંસ્કાર કોણે કઇ રીતે કર્યા અને થયા તે વળી એક અલગ બાબત છે.

નવે.2019માં હૈદ્રાબાદમાં એક મહિલા વેટરનરી ડોક્ટર મોડી રાત્રે ડ્યુટી બજાવી પાછી ફરે છે. ટોલનાકે મૂકેલી સ્કૂટીને નરાધમોએ પહેલાથી જ હવા કાઢી નાંખી હોય છે. મદદ કરવાના બહાને તેને ભોળવીને નજીકના અવાવરૂ જગ્યાએ લઇ જઇને ગેંગરેપ અને પૂરાવાનો નાશ કરવા તેને સળગાવી નાંખે છે. તેને ફ્લાયઓવર બ્રિજની નીચે ફેંકી દેવામાં આવે છે. આરોપીઓનું એન્કાઉન્ટર અને પોલીસ પર પુષ્પવર્ષા…

2012માં દિલ્હીમાં મેડિકલની છાત્રા પર તેના સાથી મિત્રની હાજરીમાં ચાલુ બસમાં ગેંગરેપ થાય છે. તેના શરીરમાં સળિયો નાંખીને યાતનાઓ આપવામાં આવે છે અને બન્નેને નિર્વસ્ત્ર કરીને ડિસે.ની કડકડતી ઠંડીમાં મોડી રાત્રે બસમાંથી ફેંકી દેવામાં આવે છે. નિર્ભયા કેસ તરીકે ભારતમાં જાણીતા આ બનાવમાં છાત્રા છેવટે દમ તોડે છે. તેને સારવાર માટે એ વખતની સરકારે સિંગાપોર મોકલી હતી. તેના પર ગેમગરેપ કરનારા નરાધમોને 8 વર્ષ બાદ ભારે કાનૂની જંગના અંતે 2020માં ફાંસી અપાઇ ત્યારે નિર્ભયા અસલ નામ જ્યોતિસિંગની માતા આશાદેવી કહે છે કે-હાશ…હવે મારી દિકરીની આત્માને શાંતિ મળશે….!!

આવા કેટલાક જઘન્ય અપરાધો છે કે જે સાંભળીને કોઇને પણ એમ થાય કે આવો ગુનો કરનારાઓને તો ત્યાં જ મારી નાંખવા જોઇએ. બદાયુની ઘટના હમણાં જ બની છે. અને હાથરસના કેસની જેમ પહેલા તો પોલીસ ફરિયાદ લેવાની ના પાડે છે અને પછી ફરિયાદ નોંધીને તપાસ શરૂ થાય છે. ભોગ બનનાર ક્યા ધર્મની છે તે મહત્વનું નથી. પણ એક મહિલા પર અત્યાચાર થયો અને તેને મારી નાંખવામાં આવી. તપાસમાં કારણ કોઇ અન્ય પણ હોઇ શકે. મુખ્ય આરોપી પૂજારી ફરાર છે.

બદાયુની ઘટના બાદ રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ચંદ્રમુખીદેવીએ પિડિત મહિલાના પરિવારની મુલાકાત લઇને નિવેદન આપ્યું-કોઇ મહિલાએ સાંજ પછી બહાર નિકળવુ ના જોઇએ. આ (પિડિત) મહિલા પણ સાંજે બહાર ના નિકળી હોત તો કે પરિવારના કોઇને સાથે રાખીને મંદિરમાં ગઇ હોત તો તેની સાથે આવુ ના થયું હોત….!! ચંદ્રમુખી દેવી બિહાર વિધાનસભાના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. તેમણે પોલીસની પણ ટીકા કરી. પણ મહિલાઓએ સાંજ પછી બહાર નિકળવુ ના જોઇએ અને નિકળશે તો આવુ…આવુ થઇ શકે એમ એક મહિલા નેતા કહે છે. તેઓ રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય છે. કોઇ ગામડાની મોટી ઉંમરની મહિલા આવુ કહે તો સમજી શકાય. પણ જેમની જવાબદારી મહિલા પર થતાં ગુનાઓ, અત્યાચારોને રોકવાની છે એ જ એમ કહે કે મહિલાઓ સાંજ પછી બહાર ના નિકળે….?!

વીથ રિસ્પેક્ટ, મેડમ ચંદ્રમુખીજી, તમે આવુ કહીને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇનું અને જેમણે તમારી આયોગમાં નિમણૂંક કરી તેનું અપમાન કર્યું છે. શું તમે ભારતને યુપીને મધ્યયુગમાં લઇ જવા માંગો છે કે જ્યારે આવી ખરાબ સ્થિતિ હતી…!

ભારતમાં દિકરીઓ માટે મોદીજી કેટકેટલુ કામ કરી રહ્યાં છે અને આયોગના મહિલા સભ્ય નરાધમોને છાવરવા મહિલાઓને બિવડાવે છે કે સાંજ પછી ઘરની બહાર ના નિકળો…!! નહીતર તમારી સલામંતી નથી…!

બની શકે કે મહિલા આયોગના આ સભ્ય અને રાજકારણી નેતા યુપીના કલ્ચરને, યુપીની પોલીસને, યુપીના સામાજિક માહૌલને, યુપીની સરકારની કામગીરીને, યુપીના પુરૂષવર્ગને અને તેમની મહિલાઓ પ્રત્યેની માનસિક્તાને કદાજ બરાબર ઓળખતા હશે અને ઓળખી ગયા હશે કે જેથી તેમણે એક મહિલાના નાતે અન્ય મહિલાઓને પરોક્ષ રીતે ચેતવણી આપી હોય કે યુપીમાં રહેતા હોવ તો સાંજ પછી ઘરની બહાર ના નિકળશો….!! નિકળો તો સાથે પરિવારમાંથી કોઇને લઇને નિકળો…

મેડ઼મજી…યુપીની મહિલાઓને આવી ચેતવણી આપવા બદલ યુપીના મહિલા સંગઠનોએ તમારી વાતને મહિલાઓના હિતમાં અને યુપી સરકારના વિરોધમાં લઇને તમારો આભાર માનવો જોઇએ. તમારા કથનને કોઇ ભલે એ રીતે જોતા હોય કે તમારે આવુ બોલવુ ના જોઇએ. પણ મેડમજી, તમે કદાજ અગાઉની આવી ઘટનાઓમાંથી તારણ કાઢીને અને સરકાર કે પોલીસ નહીં બચાવે એમ માનીને મહિલાઓને સાંજ પછી બહાર ન નિકળવા અને નિકળો તો સાથે પરિવારમાંથી કોઇને સાથે રાખીને નિકળવાની વણમાંગી સલાહ આપીને કોઇને બચાવવાનું કામ કર્યું કહેવાય. સરકાર અને પ્રજાની સુરક્ષા માટે રચાયેલ પોલીસ તંત્ર અંગે તમારૂ અવલોકન તમે શ્રેષ્ઠ રીતે કર્યું કહેવાય….

ચંદ્રમુખી દેવી તેમના આ સકારાત્મક-રચનાત્મક નિવેદન પછી સભ્યપદે કેટલો સમય રહેશે એ તો સમય કહેશે પણ નેશનલ ક્રાઇમ બ્યૂરોના આંકડા શું કહે છે.. પર નજર નાંખીએ…

2019ના વર્ષમાં મહિલાઓ સંબંધિત 4 લાખ ગુનાઓ નોંધાયા હતા.

2018માં 3.78 લાખ ગુનાઓ નોંધાયા હતા.

2019માં રેપના 32, 033 ગુનાઓ નોંધાયા હતા.

એક રીતે જોતાં રોજના સરેરાશ 88 કેસ રેપના નોંધાયા હતા.

રેપના ગુનામાં આરોપીઓને સજા થઇ હોય તેની ટકાવારી 30 ટકા છે….

 76 ,  1