September 20, 2021
September 20, 2021

9/11 હૂમલાના રહસ્ય ખૂલશે : તમામ દસ્તાવેજો જાહેર કરવા બાઇડનનો આદેશ

ગુપ્તચર તંત્રની નિષ્ફળતા પણ ખુલ્લી થવાનો સંકેત

કાબુલ એરપોર્ટથી પોતાના સૈનિકોને લઈને ઉપડેલા અમેરિકાના છેલ્લા પ્લેનની સાથે લગભગ 20 વર્ષથી ચાલી રહેલી મહાજંગનો અંત આવ્યો છે. તાલિબાન અને અમેરિકા વચ્ચેની આ લડાઈમાં અમેરિકાને સૌથી શરમજનક હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. ત્યારે આ વચ્ચે અમેરીકા પર 9/11ના થયેલા ત્રાસવાદી હુમલાના તમામ ગુપ્ત દસ્તાવેજો પણ હવે જાહેર કરવામાં આવશે. જેનાથી આ હુમલા પાછળની વધુ માહિતી પણ દુનિયાને જાણવા મળશે.

અમેરિકા પર 9-11ના હુમલા પછી લાદેન અને અલકાયદાની સામે બદલો લેવા અમેરિકાએ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો. જો કે આ જંગ દરમિયાન લાદેન ક્યારેય તેના હાથમાં આવ્યો ન હતો. છેવટે દસ વર્ષ પછી એટલે કે બે મે 2011ના રોજ તેને પાકિસ્તાનના એબોટાબાદમાં શોધી કાઢીને સીક્રેટ મિલિટરી ઓપરેશનમાં ખતમ કરવામાં આવ્યો હતો. 

અમેરીકી પ્રમુખ જો બાઇડેને વિદેશ અને ન્યાય વિભાગને આ તમામ કલાસીફાઇડ જાહેર કરાયેલા દસ્તાવેજો ખુલ્લા કરવા માટે સૂચના આપી છે. તા.11 સપ્ટેમ્બર 2001ના રોજ ઓસામા બીન લાદેનના અલકાયદા સંગઠન દ્વારા ન્યૂયોર્કના ટવીન ટાવર સહિત અમેરીકાના પાંચ સ્થળોએ અપહરણ કરેલા વિમાનો અથડાવીને જબરદસ્ત ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ઓછામાં ઓછા 2000થી વધુ અમેરીકી નાગરિકો માર્યા ગયા હતા.

બાઇડેન તંત્રના જણાવ્યા મુજબ આગામી છ માસમાં આ ડોકયુમેન્ટ જાહેર થશે તેવી શકયતા છે. અમેરીકામાં 9/11ના હૂમલા પૂર્વે અનેક પ્રકારે ગુપ્તચર બાતમીઓમાં જણાવાયુ હતું કે દેશમાં ત્રાસવાદી હુમલો થઇ શકે છે. પરંતુ 19 જેટલા હુમલાખોરો અમેરીકામાં જ હોવા છતાં અને વિવિધ વિમાની મથકો પરથી મુસાફર વિમાન હાઇજેક કરીને વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટવીન ટાવર અને પેન્ટાગોન તથા અન્ય સ્થળોએ અથડાવાની યોજના કરી હોવા છતાં અમેરીકી ગુપ્તચર તંત્ર હાથ ઘસતુ રહી ગયુ હતું.

આ તમામ હુમલાખોરો અલગ-અલગ દેશોમાંથી અમેરીકામાં પહોંચ્યા હતા અને વિમાની પાયલોટની તાલીમ પણ લીધી હતી. તથા લાંબા સમયથી તે યોજના બનાવી રહ્યા હતા તેમ છતાં પણ તેની માહિતી ગુપ્તચર કે અન્ય કોઇ રીતે મળી ન હતી.

 40 ,  1