રાજધાની દિલ્હીની હવા વધુ ઝેરી બની…

કામ વગર લોકોનો બહાર ન નીકળવા તાકીદ

દિલ્હીમાં વાયુ પ્રદૂષણ અતિ જોખમી સ્તરે પહોંચી ગયું છે. પીએમ-૧૦નું સ્તર સામાન્ય રીતે ૧૦૦ હોય તો એ સલામત ગણાય છે, તેના બદલે પ્રતિ ક્યૂબિક મીટર ૫૭૭ માઈક્રોગ્રામ સુધી પહોંચ્યું છે. લોકોને કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના કહેવા પ્રમાણે દિલ્હી-એનસીઆરમાં પીએમ ૨.૫ નામથી જાણીતા કણોનું સરેરાશ પ્રમાણે ૩૦૦ને પાર થઈ ગયું હતું. સાંજ સુધીમાં એમાં ધરખમ વધારો થતાં ૩૮૧નો આંકડો પાર થયો હતો. આ સ્તર ખૂબ જ જોખમી ગણાય છે. બીજા શબ્દોમાં કહીએ તો પાટનગરના લોકો શ્વાસમાં ઝેરી વાયુ ભરી રહ્યા છે.

ગ્રાન્ડેડ રીસ્પોન્સ એક્શન પ્લાનની કમિટિએ સલાહ આપી હતી કે પ્રદૂષણ નિયંત્રણમાં લાવવા માટે સરકારી એજન્સીઓ અને ખાનગી કંપનીઓ વાહન વ્યવહાર તાકીદની અસરથી ૩૦ ટકા સુધી ઘટાડે તે યોગ્ય રહેશે. જો એવું નહીં થાય તો વાયુ પ્રદૂષણ હજુ પણ વધી જશે.

અહેવાલો પ્રમાણે દિલ્હી આસપાસ ૪૦૦૦ ખેતરોમાં પરાલી બાળવામાં આવી હતી. એના કારણે દિલ્હીનું આકાશ પ્રદૂષિત થયું હતું. આ ખેતરોમાંથી નીકળતા ધુમાડાના કારણે એક જ દિવસમાં ૩૫ ટકા સુધી પ્રદૂષણ વધ્યું હતું.

દિલ્હીમાં લોકોએ આંખમાં બળતરાની ફરિયાદ કરી હતી. સૂર્ય નારાયણ ધુમ્મસ-વાયુ પ્રદૂષણના કારણે નારંગી દેખાયા હતા. સ્મોગના કારણે લોકોનું બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું. પાટનગરમાં ઘણાં સ્થળોએ એટલું ગાઢ ધુમ્મસ હતું કે વિઝિબિલિટી ૨૦૦ મીટર સુધી ઓછી થઈ ગઈ હતી.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી