પુલવામામાં ફાયરિંગ કરીને ભાગવા જતા આતંકીને સેનાએ કર્યો ઠાર

પાકિસ્તાની અબુ ઝરારા બાદ વધુ એક આતંકીને ઠાર કરાયો

સેના પર થયેલ આતંકી હુમલા બાદ હવે સેનાએ આતંકવાદીઓને વીણી વીણીને ખાતમો બોલાવવાનું શરૂ કરી દીધુ છે. જેમાં પાકિસ્તાની અબુ ઝરારા બાદ વધુ એક આતંકીને ઠાર મારવામાં સફળતા મળી છે. જિલ્લાના રાજપોરા વિસ્તારના ઉસગમ પથરીમાં આતંકવાદીઓની ઘેરાબંધી કરી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. છુપાયેલા આતંકીઓએ ફાયરિંગ કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

સૈનિકોએ જવાબી કાર્યવાહીમાં તેમનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. સુરક્ષા દળો તરફથી આત્મસમર્પણ માટે વારંવાર અપીલ કરવામાં આવી હતી. પરંતુ આતંકવાદીઓ સહમત ન થયા અને વચ્ચે-વચ્ચે ગોળીબાર કરતા રહ્યા. આ દરમિયાન એક આતંકી ઠાર કરવામાં આવ્યો હતો. હાલ ઓપરેશન ચાલુ છે. સુરક્ષા દળો દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.

અગાઉ, લશ્કર-એ-તૈયબાના એક પાકિસ્તાની આતંકવાદી, જે રાજોરી અને પૂંચમાં આતંકવાદી ઘટનાઓ માટેની વિશેષ તાલીમ લઈને આવ્યા હતા, તેને મંગળવારે બહરામગાલા વિસ્તારમાં સુરક્ષા દળોએ ઠાર માર્યો હતો. તેનો એક સાથી જંગલમાં ભાગી ગયો હતો. અને હવે સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. આ આતંકીનું નામ અબુ ઝરારા હતું જે પાકિસ્તાનથી આવ્યો હતો. તેની પાસેથી ચાર મેગેઝીન, એક ગ્રેનેડ અને થોડા પાઉચ સાથે ભારતીય ચલણી નોટ મળી આવ્યા હતા. ઇન્ટેલિજન્સ પાસેથી માહિતી મળતા સેના અને પોલીસે મળીને એક ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં બહેરામગલા વિસ્તારમાં હથિયારધારી આતંકીઓ હોવાની માહિતી મળ્યા બાદ સામસામે ફાયરિંગ થયું હતું.

જણાવી દઈએ કે, શ્રીનગરમાં બે દિવસ પહેલા રાત્રે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો, જેમાં ત્રણ પોલીસકર્મીઓ શહીદ થયા હતા અને 11 પોલીસકર્મી ઘાયલ થયા હતા.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી