સંજેલીની ભાણપુરા નજીક જંગલમાંથી મળી આવેલ યુવતીની લાશનો ભેદ ઉકેલાયો

સાઉથની RX100 ફિલ્મ જોઈને પ્રેમીએ કરી પ્રેમિકાની હત્યા

સંજેલી તાલુકાના ભાણપુર જંગલ વિસ્તારમાંથી અઠવાડિયા પહેલા જિન્સ ટીશર્ટ પહેરેલી આશરે 19 વર્ષીય અજાણી યુવતીની સળગાવી દીધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ મામલે પોલીસે સનકી આશિકની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ પ્રેમી ચોંકાવનારી કબૂલાત કરી હતી. સાઉથની RX100 ફિલ્મ જોઈને આ હત્યાની સાજિશ રચી હોવાનું જાણવા મળ્યું હતું.

સંજેલી તાલુકાના ભાણપુર વડલાવાળા જંગલમાં અજાણી યુવતીની બળેલી હોવાથી લાશ પડી હોવાની જાણ થતાં જ સંજેલી સહિત જિલ્લામાં હાહાકાર મચ્યો હતો. જેના બાદ સંજેલી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જેના બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસનું પગેરુ તેના પ્રેમી સુધી પહોંચ્યુ હતું. મૃતદેહ પાસે હત્યામાં વપરાયેલું ચપ્પુ, બાઈક અને જેકેટ તથા ચપ્પલ મળી આવ્યા હતા. જેના પરથી આરોપી યુવતીનો પ્રેમી જ હોવાનું ખૂલ્યુ હતું. 

તપાસમાં સામે આવ્યું કે, પ્રેમિકા કૃતિકા બરંડાએ પ્રેમી મેહુલ પરમાર સાથે બ્રેકઅપ કરવા માંગતી હતી. પરંતુ પ્રેમી મેહુલને તે નામંજૂર હતું. જેથી તેણે કૃતિકાની હત્યાનો કારસો ઘડ્યો હતો. તેણે સાઉથની RX100 ફિલ્મ જોઈ હતી, અને તે જોઈને કૃતિકાની હત્યા કરી હતી. તેણે પહેલા તો દાહોદ સાત બંગલા પાસે કૃતિકાને મોતને ઘાટ ઉતારી હતી. તેના બાદ પ્રેમિકાને જેકેટ પહેરાવી તેને એક્ટિવા પર સંજેલીના જંગલમાં લઈ ગયો હતો. જ્યાં તેણે મૃતદેહને સળગાવી દીધો હતો. 

સંજેલી પીએસઆઈ જી બી રાઠવા અને DySP સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહનો કબ્જો મેળવી તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસ કૃતિકાના પરિવાર સુધી પહોંચી હતી. મેહુલે કૃતિકાનો મોબાઈલ તળાઈ ડેમમાં ફેંકી દીધો હતો, જે પોલીસને મળી આવ્યો હતો. જેથી પોલીસે મેહુલની ધરપકડ કરી હતી. 30 મીના રોજ આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશ્યલ કસ્ટડીમાં ધકેલી દેવાયો હતો. 

ઉલ્લેખનીય છે કે, RX100 સાઉથની ફેમસ ફિલ્મ છે. જેમાં પ્રેમમાં પાગલ થયેલા આશિકની વાત છે. પ્રેમિકાથી અલગ થયા બાદ પ્રેમી કેવી રીતે ગુસ્સે થાય છે તે ફિલ્મમાં બતાવાયું છે. 

 52 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી