બાયડ : સાઠંબા નજીક માતા-પુત્રની લાશનો ભેદ ઉકેલાયો, હત્યારાઓ રાજકોટથી ઝડપાયા

પ્રેમીએ મિત્રની મદદથી ફાંસો આપી માતા-પુત્રને ઉતાર્યા હતા મોતને ઘાટ

બાયડ તાલુકાના સાઠંબા નજીક આવેલ હઠીપુરા ગામની સીમમાંથી મંગળવાર બપોરના સુમારે હત્યા કરાયેલી હાલતમાં મહિલા તથા તેના સગીર વયના પુત્રની મળી આવેલ લાશનો LCB પોલીસે ભેદ ઉકેલી બે આરોપીઓને દબોચી લીધા. પ્રેમ સંબંધમાં ખૂની ખેલ ખેલાયો હોનાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે બંન્ને હત્યારાઓને જેલ હવાલે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

વિગત મુજબ, હઠીપુરા ગામની સીમમાં નાની ખારી તળાવની પાળ પાસે મંગળવાર બપોરના સુમારે મહિલા તથા સગીર વયના બાળકનો મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં મૃતક મહિલાનું નામ જમનાબેન રેશ્માભાઇ ગામીત (ઉ.વ 50) તેમજ સગીર બાળક આલોક રેશ્માભાઇ ગામીત (ઉ.વ 12) હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક માતા અને બાળક બંન્ને તાપી જીલ્લાના સોનગઢ તાલુકાના મોટી ખેરવાણ ગામના રહેવાશી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

ત્યારે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સીધી દોરવણી હેઠળ LCB પીઆઇ સીપીવાઘેલા અને તેમની ટીમે ડબલ મર્ડર ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી લીધા છે. બાતમીને આધારે LCB પોલીસે આરોપી સુરેશભાઇ મેર તથા તેના મિત્ર ગાંન્ડુ જાદવને રાજકોટ ખાતેથી ઝડપી લીધા હતા.

તપાસ મુજબ, મૃતક મહિલા જમનાબેનને જુનાગઢના મેવાસા ખાતે રહેતા સુરેશ રાઘવભાઇ મેર સાથે આડા સંબંધ ધરાવતા હતા. પ્રેમમાં અંધ મહિલા પતિને તરછોડી સગીર બાળક સાથે ઘર છોડી પ્રેમી સુરેશ મેર સાથે રહેવા જુનાગઢ ચાલી ગઇ હતી. એટલું જ મહિલાએ ઘર છોડતા પહેલા ત્રણ લાખ રૂપિયા પણ સાથે લઇ ગઇ હતી.

ત્યાર બાદ સુરેશભાઇ મેરે તેના મિત્ર ગાંન્ડુભાઇ નાનુભાઇ જાદવ સાથે મળી જમનાબેનનું કાસળ કાઢી નાખવા પ્લાન ઘડી કાઢ્યો હતો. જે મુજબ સુરેશ મિત્ર ગાંન્ડુ સાથે મહિલા અને તેના પુત્રને જુનાગઢથી લઇ બાયડ તાલુકાના સાઠંબા નજીક આવેલ હઠીપુરા ગામની સીમમાં નાની ખારી તળાવની પાળ પાસે લઇ ગયો હતો. જ્યાં સુરેશ અને મિત્ર ગાંન્ડુએ દોરડા વડે જમનાબેનને ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. એટલું જ નહીં મહિલાના સગીર પુત્રની પણ ક્રૂર હત્યા કરી નાખી હતી. હત્યા બાદ સુરેશ મેર અને ગાંન્ડુ જાદવે મહિલા પાસેથી રોકડ તેમજ દાગીના લૂંટી ફરાર થઇ ગયા હતા.

મોડાસા LCBએ ગણતરીની જ કલાકોમાં ભેદ ઉકેલી હત્યારા સુરેશભાઇ મેર અને ગાંન્ડુ જાદવને રાજકોટ ખાતેથી ઝડપી લઇ તેમની પાસેથી 3.20 લાખ રૂપિયા રોકડા અને 60 હજાર રૂપિયાના દાગીના તેમજ મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી