અંકલેશ્વર : આચાર્યની લટકતી હાલતમાં મળી લાશ, અગાઉ વિદ્યાર્થિનીએ લગાવ્યો હતો છેડતીનો આરોપ

શારીરિક અડપલાંની ફરિયાદ બાદ આચાર્યની ઝાડ ઉપર લટકતી લાશ મળી

અંકલેશ્વર રુરલ પોલીસ સ્ટેશનમાં સરકારી શાળાના આચાર્યે વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાં કર્યા હોવાની પોલીસ ફરિયાદ બાદ આચાર્યની ચાવજ રોડ નજીક ઝાડ ઉપર લટકતી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘટના સંદર્ભે પોલીસ લાશનું પોસ્ટ મોટર્મ  કરાવી મામલો હત્યા છે કે આત્મહત્યા તેની તપાસ શરુ કરી છે.

અંકલેશ્વરની સજોદ સાર્વજનિક હાઈસ્કૂલના 49 વર્ષીય આચાર્ય વિરેન ઘડિયાળી ઉપર 5 દિવસ પેહલા જ ધો.10 ની છાત્રાને સ્કૂલે બોલાવી કારમાં બેસાડી શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ઘટના બાદ આચાર્ય લાપતા બન્યા હતા જેની ગુરૂવારે મોડી રાતે ભરૂચ-ચાવજ વચ્ચે આવેલા પગુથનણ ગામ નજીક  વૃક્ષ ઉપર ગળેફાંસો ખાધેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવી છે.

વિગત મુજબ, આચાર્ય વીરેન ઘડિયાળીએ ધો. 10 માં અભ્યાસ કરતી 15 વર્ષીય વિદ્યાર્થિનીને વેકેશનમાં ગણિતના ડાયરા આપવાના બહાને પોતાની કારમાં બેસાડી શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદ તાલુકા પોલીસ મથકે 5 દિવસ પેહલા નોંધાઈ હતી.

આ બનાવ અંગે તાલુકા પોલીસ મથક ખાતે ધો.10ની વિદ્યાર્થિનીએ શનિવારે રાત્રે ફરિયાદ નોંધાવ્યાં બાદ આચાર્ય વિરેન ઘડિયાળી અને તેમના પરિવારનું જીવવું દુષ્કર બન્યું હતું. આ દરમિયાન ભરૂચ-ચાવજ રોડ ઉપરથી આચાર્યની વૃક્ષ ઉપર લટકતી હાલતમાં લાશ મળી આવી હતી. જેને લઈ શિક્ષણ જગત હતપ્રત બન્યું છે.

આ સમગ્ર મામલે સી ડિવિઝન પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હતી. ઘટના સ્થળેથી પોલીસને એક ડાયરી પણ મળી છે. જેમાં આચાર્યે પોતાના ઉપર ખોટી ફરિયાદ અને આક્ષેપો કરાયા હોવાની તેમજ પ્રતિષ્ઠાને લાંછન લગાવ્યાં હોવાનો ઉલ્લેખ કર્યો હોવાનું મનાય રહ્યું છે. જોકે, ડાયરીમાં તેઓના મોત પાછળનું રહસ્ય છુપાયું છે.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી