ઉમરગામના બિલ્ડરને પોલીસે હેમખેમ છોડાવ્યા, સોનાર ગેંગે અપહરણ કરી માંગ્યા હતા 30 કરોડ

 એક કુખ્યાત સહિત સાત જેટલા અપહરણકારોની ધરપકડ

ઉમરગામના બિલ્ડર જીતુ પટેલનું અપહરણ કરીને 30 કરોડ રુપિયાની ખંડણી માગવાના કેસમાં પોલીસે બિલ્ડરને અપહરણકારોના કબજામાંથી હેમખેમ છોડાવી લીધા છે. જીતુ પટેલને સાત દિવસ સુધી ગોંધી રાખવામાં આવ્યા હતા. ગુજરાત ATS અને વલસાડ પોલીસે મુંબઈમાંથી તેમનો છૂટકારો કરાવ્યો છે. આ મામલે સાત જેટલા અપહરણકારોની ધરપકડ કરવામાં આવી છે. બિલ્ડરના અપહરણમાં સોનાર ગેંગનો હાથ હોવાનું સામે આવી રહ્યું છે.

 જીતુ પટેલને સાતેક દિવસ પહેલા અપહરણકારો ઉઠાવી ગયા હતા. બિલ્ડરના અપહરણના સીસીટીવી ફુટેજ પણ પોલીસને હાથ લાગ્યા હતા, જેમાં તેમને ઉઠાવીને મહારાષ્ટ્ર તરફ લઈ જવાયા હોવાનું ખૂલ્યું હતું.

ઉમરગામના નામી બિલ્ડર જીતુ પટેલને ઉઠાવીને અપહરણકારોએ 30 કરોડ રુપિયાની માતબર રકમની ખંડણી માગી હતી. પોલીસને આ અંગે જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓના સુપરવિઝનમાં અલગ-અલગ ટીમો બનાવીને જીતુ પટેલને છોડાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરુપે મુંબઈમાં પણ ઓપરેશન હાથ ધરાયું હતું, અને જીતુ પટેલને ત્યાંથી હેમખેમ છોડાવી લેવાયા હતા.

બિલ્ડર જીતુ પટેલનું ગત 22મી તારીખે રાત્રે તેમના ઘર નજીકથી અપહરણ થયું હતું. બે હાઈસ્પીડ કારમાં આવેલા હથિયારબંધ અપહરણકારોએ બંદૂકના નાળચે બિલ્ડરનું ફિલ્મી ઢબે અપહરણ કર્યું હતું. જે બાદમાં વલસાડ જિલ્લા પોલીસની પ્રાથમિક તપાસમાં બિલ્ડરનું અપહરણ કરીને આરોપીએ ફરાર થઈ ગયા હતા તે કારના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. આ સિવાય વલસાડ પોલીસ અપહરણકારો સુધી પહોંચે તેવો એક પણ પૂરાવો હાથમાં ન હતો. બે દિવસ સુધી અપહરણકારોએ બિલ્ડર જીતુ પટેલના પરિવારનો સંપર્ક કર્યો ન હતો. આ ઘટનાના બે દિવસ બાદ 24 તારીખે બિલ્ડર જીતુ પટેલના જ સીમ કાર્ડનો ઉપયોગ કરીને તેમના પત્નીના મોબાઈલ પર ફોન કરી રૂપિયા 30 કરોડની ખંડણી માંગવામાં આવી હતી.

જે બાદમાં અપહરણકારો સુધી પહોંચવા વલસાડ જિલ્લા પોલીસ અને એટીએસની ટીમે પડોશી રાજ્ય મહારાષ્ટ્ર સહિત દેશના અન્ય રાજ્યોમાં પણ ધામા નાખી અપહરણકારોનું પગેરું શોધવા તપાસ હાથ ધરી હતી. આખરે વલસાડ પોલીસને પ્રાથમિક સફળતા મળી અને મહારાષ્ટ્રના એક રેલવે સ્ટેશનથી બે શકમંદની અટકાયત કરી હતી. તેમની આગવી ઢબે પૂછપરછ કરતાં તેમની પાસેથી પોલીસને અપહરણકારોએ જે મોબાઈલનો ઉપયોગ કરીને બિલ્ડર જીતુ પટેલના પરિવારનો સંપર્ક કરી રૂપિયા 30 કરોડની ખંડણી માંગી રહ્યા હતા તે સીમકાર્ડ મળી આવ્યું હતું. જે બાદમાં અપહરણકારો સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી.

અપહરણની આ ઘટનામાં ગુનેગારોની ગેંગ કોઈ સામાન્ય ન હતી પરંતુ સમગ્ર દેશમાં અપહરણના ગુનાઓની દુનિયાના બેતાજ બાદશાહ એવી કુખ્યાત ચંદન સોનાર ગેંગે સંડોવાયેલી હતી. વલસાડ પોલીસ અને ગુજરાત એટીએસની ટીમોએ અપહરણકારો સુધી પહોંચવા એક હજારથી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. સાથે જ આરોપીઓ સુધી પહોંચવા વલસાડ પોલીસ અને એટીએસની ટીમોએ મહારાષ્ટ્રના રત્નાગીરીના જંગલ વિસ્તારમાં પહોંચી હતી અને ફિલ્મી ઢબે આરોપીઓનો સામનો કરી અપહરણકારોની ચુંગાલમાંથી બિલ્ડર જીતુ પટેલનો એક પણ રૂપિયા ચૂકવ્યા વિના છૂટકારો કરાવ્યો હતો. 

 75 ,  2