રાજસ્થાન : જાલોરમાં વીજકરંટની ઝપેટમાં આવી બસ, 6 મુસાફરો જીવતા ભડથું

હાઇટેન્શન લાઇનની ઝપટમાં આવતા બસમાં લાગી આગ

રાજસ્થાનના જાલોરમાં ગત રાત્રે બસમાં આગ લાગવાની કંપાવનારી દુર્ઘટનામાં 6 મુસાફરોનાં મોત થયા છે. મુસાફરોથી ભરેલી બસ વીજળીના વાયરની ઝપટમાં આવી ગઇ, જેના કારણે જોતજોતામાં જ બસમાં આગ લાગી ગઈ. બસમાં મુસાફરી કરી રહેલા લોકો કંઈ સમજે તે પહેલા તેઓ આગની ઝપટમાં આવી ગયા હતા. દુર્ઘટનામા; જ્યાં 6 મુસાફરોનાં મોત થયા છે, બીજી તરફ અન્ય 16 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટના જાલોરના મહેશપુરા વિસ્તારમાં બની છે. ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી. ત્યારબાદ ઘાયલોને જોધપુરની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

રાજસ્થાનના જાલોર જિલ્લાના મહેશપુર ગામમાં મુસાફરોથી ભરેલી બે બસો ડાયવર્ટ થઈ હતી. ત્યાં જતા રસ્તામાં ઇલેક્ટ્રિક વાયર ઝૂલતા જોઇને ડ્રાઈવરે બસ બંધ કરી દીધી. બસનો કંડક્ટર બસની છત પર પહોંચ્યો હતો અને લાકડાના દંડાની મદદથી ઇલેક્ટ્રિક વાયર ખસેડીને બસને નિકાળવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો, તે દરમ્યાન આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.

બસમાં સવાર મુસાફરોએ જણાવ્યું કે તેઓ નાકોડા પછી માંડોલીમાં દર્શન કરવા ગયા હતા. શનિવારે મોડી સાંજે તમામ જાલોર શહેર પહોંચી ગયા હતા. અહીં ભોજન કર્યા પછી તેમને બ્યાવર જવાનું હતું. ગૂગલ મેપથી બ્યાવરનો માર્ગ જોઈને બસ આગળ વધી રહી હતી. ભૂલથી બસ મહેશપુરા ગામમાં પહોંચી. બસ ગામની સાંકડી ગલીમાં પહોંચી ગઈ અને ત્યાં 11 કેવીની લાઈન ખૂબ નીચે હતી. બસનો કંડકટર તાર જોવા માટે ઉપર ચઢ્યો. કંડક્ટર 11 કેવીની લાઈન હટાવવા લાગ્યો અને કરંટ આખી બસમાં ફેલાઈ ગયો, જેનાથી આગ લાગી. બેમાંથી એક બસ આગમાં સળગી ગઇ.

બસથી વિજળીનો તાર ટચ થતા જ એક તરફ બસમાં કરંટ ફેલાઈ ગયો ત્યાં બીજી બાજુ બસમાં આગ પણ લાગી ગઈ. સ્થાનિક નાગરિકોની ઘટનાની સૂચના વિજ વિભાગને આપી સૌથી પહેલા વિજળી કાપવામાં આવી પછી લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કોશિશ કરવામાં આવી. ગામના લોકોએ ઘટનાની સૂચના પોલીસને આપી. ત્યાર પછી પોલીસ અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

વિજળીના કરંટના કારણે બસમાં આગ લાગી ગઈ. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો . રેસ્ક્યુ ઓપરેશનમાં બસમાં ફસાયેલા ઘણા યાત્રીયોને સુરક્ષિત કાઢી લેવામાં આવ્યા. ઘાયલ યાત્રીઓને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.

 81 ,  1