આજ થી જન્મ લેનારી બાળકીઓને મળશે વ્હાલી દિકરી યોજનાનો લાભ

ગુજરાત સરકારે ‘વ્હાલી દિકરી’ યોજનામાં દંપતીને બે બાળકો પછી સંતતિ નિયમનનું ઓપરેશન ફરજિયાત કરવાની વિવાદાસ્પદ જોગવાઈ કરી છે. યોજનાના અમલ માટે બુધવારે સાંજે ઠરાવ સાથે પ્રસિધ્ધ અરજીપત્રકમાં ૨જી ઓગસ્ટ અર્થાત ગુરૂવારની મધરાતે ૧૨ વાગ્યા પછી ગરીબ પરીવારોમાં જન્મ લેનારી દિકરીઓને ૧૮માં વર્ષે રૂપિયા એક લાખની સહાય આપવાનું જાહેર કર્યું છે.

બે દાયકાથી બેટી બચાવો- વધાવો- ભણાવો જેવા જનજાગરણ કાર્યક્રમોના નામે કરોડોના ખર્ચે ગુજરાત સરકારે પબ્લિસિટી કર્યા પછી મહિલા જન્મદર વધારવા લક્ષ્યાંક અનુસાર પરીણામ મળ્યુ નથી. આથી, વાર્ષિક રૂપિયા બે લાખ સુધીની આવક ધરાવતા ગરીબ પરીવારોમાં દિકરી જન્મદરને વધારવા સરકારે ‘વ્હાલી દિકરી’ અમલમાં મુકવી પડી છે.

આ યોજના હેઠળ ૨જી ઓગસ્ટ ૨૦૧૯ના રોજ કે ત્યાર પછી જન્મ લેનાર દિકરીને પહેલા ધોરણમાં એડમિશન વખતે રૂ.૪૦૦૦ અને નવા ધોરણમાં પ્રવેશ વેળાએ રૂ.૬૦૦૦ની સહાય આપશે. જ્યારે દિકરી ૧૮ વર્ષની થશે ત્યારે ઉચ્ચ શિક્ષણ કે લગ્ન સહાય રૂપે રૂ.૧,૦૦,૦૦૦ની સહાય મળશે.

યોજનાના અમલ માટે આંગણવાડી, સીપીડીઓ કચેરી, ગ્રામ પંચાયત અને મહિલા બાળ અધિકારીઓની કચેરીઓમાંથી ફોર્મ વિતરણ પણ શરૂ થઈ ગયુ છે. જેમાં જણાવેલી શરતો મુજબ માતાની ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધુ હશે તો જ લાભ મળશે. ૧૮ વર્ષની ઉંમર પહેલા દિકરીના મૃત્યુના કિસ્સામાં દંપતીને કોઈ સહાય આપવામાં આવશે નહી.

 48 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી