ચીની એન્જિનિયરને ઈમરાન ખાન પર નથી ભરોસો, હાથમાં AK-47 લઈ કરે છે કામ

આતંકી હુમલાથી ચીની નાગરિકો એ હદે ડરી ગયા સુરક્ષા માટે જાતે હથિયારો ઉઠાવી લીધા

પાકિસ્તાનમાં થયેલા આતંકી હુમલાથી ચીની નાગરિકો એ હદે ડરી ગયા છે કે હવે તેમણે પોતાની સુરક્ષા માટે જાતે હથિયારો ઉઠાવી લીધા છે. સોશિયલ મીડિયા પર અનેક તસવીરો વાયરલ થઈ રહી છે. જેમાં ચાઈના પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) પ્રોજેક્ટ્સ પર પાકિસ્તાનમાં કામ કરી રહેલા ચાઈનીઝ એન્જિનિયર એકે-47 લઈને જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમી વિસ્તારમાં એક બસમાં વિસ્ફોટ થયો હતો જેમાં 9 ચીની એન્જિનિયરોના મોત થયા હતા.

પાકિસ્તાનમાં પોતાના નાગરિકોના મોતથી ચીન એ હદે ધૂંધવાયું છે કે તેણે તપાસ માટે પોતાની એક ટીમ મોકલી છે. આ બાજુ પોતાના આકાઓને ખુશ કરવા માટે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને પણ તમામ ચીની નાગરિકોની સુરક્ષાનો ભરોસો વ્યક્ત કર્યો છે. પરંતુ ચીન-પાક આર્થિક કોરિડોર(CPEC)ના કામકાજમાં લાગેલા ચાઈનીઝ વર્કર્સનો ડર દૂર થયો નથી. તેમણે પોતાની સુરક્ષા માટે ટૂલકિટ છોડીને એકે-47 જેવા હથિયાર ઉઠાવી લીધા છે.

પાકિસ્તાનમાં કામ કરી રહેલા ચીની નાગરિકોને લાગે છે કે ઈમરાન ખાન સરકાર તેમને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે અને આગળ પણ તેમને જીવનું જોખમ થઈ શકે છે. આથી હવે તેમણે પોતે જ હથિયારો ઉઠાવી લીધા છે. નોંધવા જેવી વાત એ છે કે આખરે તેમની પાસે આવા ઘાતક હથિયારો આવ્યા ક્યાંથી? શું ચીને પોતે જ પોતાના નાગરિકોને આ હથિયારો આપ્યા છે કે પછી તે તાલિબાન સાથે વધતી નીકટતાના પુરાવા છે? જો આ સવાલનો જવાબ હા હોય તો પણ પાકિસ્તાન કશું કરી શકે નહીં. કારણ કે ચીની નાગરિકોની મનમાનીના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે.

ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગનો ડ્રીમ પ્રોજેક્ટ છે CPEC જે ચીનના પશ્ચિમ વિસ્તારને પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં ગ્વાદર પોર્ટ સાથે જોડે છે. તેનો હેતુ ચીની ઉત્પાદનોને પશ્ચિમ એશિયામાં એક વ્યાપક બજાર ઉપલબ્ધ કરાવવાનો છે. જો કે પ્રોજેક્ટની વ્યવહાર્યતા અને નાણાકીય પ્રભાવ અંગે અનેક સવાલ ઉઠતા રહ્યા છે. કહેવાય છે કે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી પોતાના નાગરિકોની સુરક્ષા માટે પાકિસ્તાન સરકારને આર્થિક મદદ પણ ઉપલબ્ધ કરાવે છે.

 20 ,  1