કોરોનાએ રંગ બદલ્યો, નવા સ્ટ્રેઈનમાં જોવા મળ્યા અલગ લક્ષણો

જો આ સાત લક્ષણો હોય તો કોરોના ટેસ્ટ જરૂર કરાવજો

ગુજરાતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. જેમાં સુરતમાં કોરોનાના નવા લક્ષણોએ ચર્ચા જગાવી છે. ગત વર્ષે કોરોના થવાના જે લક્ષણો હતો, તેનાથી એકદમ વિપરિત કોરોનાના નવા લક્ષણો હાલ સુરતમાં જોવા મળી રહ્યાં છે. સુરત મહાનગરપાલિકા દ્વારા આ અંગે એલર્ટ આપવામાં આવ્યું છે. સુરતમાં કોરોનાનો નવો સ્ટ્રેઈન જોવા મળ્યો છે, જેના લક્ષણો પણ સાવ અલગ છે. 

સામાન્ય કોરોનામાં તાવ સહિતના લક્ષણો જણાતા હતા, પરંતુ નવા સ્ટ્રેનમાં આ લક્ષણો દેખાતા નથી.ખાસ કરીને હાથની આંગળીઓ અને પગનાં ટેરવાં ફિક્કાં પડી જવાં, ખંજવાળ આવવી સહિતનાં લક્ષણો નવા જોવા મળી રહ્યાં છે. નવા લક્ષણો દેખાતા સુરત મહાનગરપાલિકાએ સુરતીઓને સાવધાન કર્યાં છે. જેમાં પાલિકાએ તંત્રને અપીલ કરી છે કે, આ લક્ષણો દેખાય તો ખાસ ટેસ્ટ કરાવજો. આ વિશે સુરત મહાનગરપાલિકાએ પોતાના ટ્વિટર પેજ પર પણ કહ્યું છે કે, નવા સ્ટ્રેઈનનાં સાત લક્ષણો જાણો અને આમાંના કોઈ પણ લક્ષણો જણાતા નજીકનાં હેલ્થ સેન્ટરમાં જઈ કોવિડ ટેસ્ટિંગ કરાવો. સુરત મહાગરપાલિકાનું મિશન છે. 

ક્યા સાત લક્ષણો છે આ ?

આ નવા સ્ટ્રેઈનમાં કોરોનાના અગાઉ જોવા મળેલાં લક્ષણો કરતાં અલગ નવાં લક્ષણ જોવા મળ્યા છે. કોવિડના નવા સ્ટ્રેઈનમાં અલગ પ્રકારના લક્ષણ સામે આવ્યા છે. જેમાં માથાનો દુખાવો, ચામડીના રોગ, ઝાડા થવા, આંખ આવવી, શરીરમાં કળતર અને દુખાવો, ગળામાં દુખાવો, હાથની આંગળીઓ અને પગનાં ટેરવા ફિક્ક પડી જવા જેવા લક્ષણ ધરાવતા લોકોમાં કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે. સુરતમાં એવા લોકો પણ પોઝિટિવ છે જેમાં કોવિડના કોઈ લક્ષણ પણ જોવા મળતા નથી એ લોકો માટે ચેતવણી છે.

સુરતમાં અઠવાડિયામાં કેટલા નોંધાયા કેસ

સુરતમાં સતત ત્રીજા દિવસે 400થી વધારે કેસ નોંધાયા હતા. છેલ્લા ત્રણ દિવસમાં જ સુરતમાં કોરોનાના 1300થી વધારે નવા કેસ નોંધાયા છે. મંગળવાર, 23 માર્ચે 476, સોમવાર, 22 માર્ચે 429, રવિવાર, 21 માર્ચે 405, શનિવાર, 20 માર્ચે 381, શુક્રવાર,  19 માર્ચે 349, ગુરુવાર, 18 માર્ચે 324, બુધવાર, 17 માર્ચે 315 કેસ નોંધાયા હતા.

સુરત કોર્પોરેશને શું કરી નવી પહેલ

સુરતમાં કોરોના સંક્રમણ ઘટાડવા મનપાએ નવી પહેલ કરી છે. જે મુજબ ઉધના ઝોનમાં આવેલી રામેશ્વરમ ગ્રીન સોસાયટી-એપાર્ટમેન્ટમાં નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જે મુજબ પોઝિટિવ કેસ આવ્યા બાદ સોસાયટીના અન્ય કોઈ સભ્યને ચેપ ન લાગે તે માટે સોસાયટીમાંથી કોઇ વ્યક્તિ બહાર નીકળે તો પ્રમુખ-સેક્રેટરીને 500 રૂપિયાનો દંડ કરવામાં આવે છે.

 59 ,  1