ગાંધીનગરમાં દેશનું પ્રથમ ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ શરૂ થશે

ગિફ્ટ સિટીમાં પહેલી ઓક્ટોબરથી PM મોદીના હસ્તે પ્રારંભ થશે

ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસિઝ સેન્ટર ઓથોરિટીના સ્થાપના દિન 1લી ઓક્ટોબરથી ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ શરૂ થઇ રહ્યું છે. આ એક્સચેન્જને ભારતમાં સોનાની આયાત માટેનો મોટો એન્ટ્રી ગેટ માનવામાં આવી રહ્યો છે.

એવું માનવામાં આવે છે કે હવે જ્યારે ભારતમાં સોનાની આયાત કરવામાં આવશે તેમાં આ એક્સચેન્જની મદદ હશે. દેશમાં સોનાનો ઉપયોગ સૌથી વધુ છે તેથી આ એક્સચેન્જને મોટું પગલું કહેવામાં આવે છે. આ એક્સચેન્જ સોનાનો ભાવ નક્કી કરશે જે આંતરરાષ્ટ્રીય ધારાધોરણ પ્રમાણેના હશે.

આ એક્સચેન્જ ખુલ્યા બાદ સોનાની ખરી કિંમત નક્કી કરી શકાશે, કારણ કે અત્યારે સોનાની અલગ અલગ પદ્ધતિથી આયાત કરવામાં આવી રહી છે. દુબઇથી ભારતમાં ગોલ્ડ ટ્રેડીંગનો એક મોટો હિસ્સો શિફ્ટ થવાની આશા છે. દુનિયામાં સોનાના ભાવ કેવા ચાલી રહ્યાં છે તેની પર આ એક્સચેન્જની નજર હશે.

આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જમાં 5 ગ્રામથી એક કિલોગ્રામ સુધીના સોનાનું ટ્રેડિંગ થઇ શકશે. આ એક્સચેન્જ પછી ગોલ્ડ સ્પોટ એક્સચેન્જ પણ આવવાનું છે જેને સેબી રેગ્યુલેટ કરશે. ગોલ્ડ સ્પોટ એક્સચેન્જ મારફતે તેનું ટ્રેડીંગ થશે. નોંધનીય છેકે ભારતીય ઘરોમાં 22,000 ટન સોનું નિષ્ક્રિય પડયું છે. વિશેષજ્ઞો કહે છે કે, ભારત વર્ષે 800થી 900 ટન સોનાનો વપરાશ કરે છે. ત્યારે આ એક્સચેન્જનું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે.

કેન્દ્રીય નાણામંત્રીએ જાહેરાત કરી હતી

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ સ્થાપનાની જાહેરાત કરી હતી. આ એક્સચેન્જ સ્થાપવા અને સંચાલન કરવા માટે કેન્દ્રએ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન હોલ્ડીંગ(આઇઆઇબીએચ) નામની એક હોલ્ડીંગ કંપનીની સ્થાપના કરી છે. તેના માટે નેશનલ સ્ટોક એક્સચેન્જ, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ, ઇન્ડિયા આઇએનએક્સ, આઇએફએસસી, નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિઝ વચ્ચે MOU સાઇન કરાયા છે.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી