લાંચની બાબતમાં એ મહિલા અધિકારીની હિંમતને ખરેખર દાદ આપવી પડે….હોં !

ભ્રષ્ટાચારને રોકવા મુખ્યમંત્રીએ બોલાવેલી બેઠકમાં જ મહિલા અધિકારી ફોન પર લાંચ લેવાની વાત કરી રહી હતી….! લો બોલો…

લાંચના તમામ કિસ્સામાં રાજસ્થાનની એ મહિલા અધિકારીનો કેસ પરાષ્ટા સમાન કહી શકાય…?

એસીબીએ પછી તેને રંગે હાથે ઝડપી અને સરકારની આબરૂના થયા ધજાગરા….

ભ્રષ્ટાચારના કેસમાં જેલના સળિયાની પાછળ છે લાલુ યાદવ..

મંત્રી સ્મૃતિ ઇરાની સામે આંતરરાષ્ટ્રીય મહિલા શૂટરે 25 લાખની લેવડદેવડનો કર્યો દાવો..

50-100 માટે સામાન્ય પોલીસ છિંડે ચઢી જાય છે અને મોટા અધિકારીઓના કોઇ વિડિયો બનતા નથી..!!

(નેટ ડાકિયા-ખાસ અહેવાલ)

લોભ-લાલચ, કંઇક વધારે કમાવી લેવાની મનોવૃતિ, રાતોરાત લાખોપતિ બનવાની ઘેલછા, સરકારી પગારમાં ક્યાં પૂરૂ થાય છે કંઇક ઉપરની કમાણી હોવી જોઇએ, પેલા વિભાગવાળા લેતા હોય તો આપણે કેમ નહીં, કાયદાથી બચવા માટે ચા-પાણી પેટે અપાતી રકમ, ફાઇલ જ્લ્દી મંજૂર કરાવવા અપાતી પ્રસાદી….આ બધા કારણો છે લાંચ-રૂશવતના.

રોડ પર સામાન્ય વાહનચાલક કે ટ્રક ડ્રાઇવર પાસેથી 100-200ની લાંચ લેનાર છાપે ચઢી જાય છે અને મોટા અધિકારીઓ ઓફિસમાં બેસીને લાખો રૂપિયાની લાંચ લેનારાઓના નામ પણ બહાર આવતા નથી. કેટલાક અધિકારીઓ રોકડમાં લાંચ લેવાને બદલે સોનું લે છે…! લાંચ આપવાની જેમ અલગ અલગ પધ્ધતિ હોય છે એમ લાંચિયાઓને પકડવા માટે પણ એસીબી દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સજ્જડ પુરાવા મેળવવાના પ્રયાસો કરાય છે જેથી લાંચ લેનાર અદાલતમાં છુટી ના જાય…!!

લાંચ લેનારા અધિકારીઓમાં રાજસ્થાનની એક મહિલા અધિકારીનો કિસ્સો રસપ્રદ અને લાંચની બાબતના કિસ્સામાં કદાજ પરાકાષ્ટા સમાન કહી શકાય. કારણ…? રાજસ્થાનમાં લાંચિયા અધિકારીઓની હિંમત એટલી બધી હિંમત ખુલી ગઇ છે કે મુખ્યમંત્રી અશોક ગેહલોતે ભ્રષ્ટાચારને રોકવા બોલાવેલી બેઠકમાં જ એક મહિલા અધિકારી ફોન પર લાંચ માટેની વાત કરી રહ્યાં હતા…..!  બેઠક પૂરી થયા બાદ તેની ધરપકડ કરવામાં આવી, પણ આ બનાવે કોંગ્રેસ સરકારની આબરૂના લીરેલીરા કરી નાંખ્યા…!!

રાજસ્થાનના દોસા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે માટે ખેડૂતોની જમીન સંપાદનનુ કામ ચાલી રહ્યુ છે. આ જિલ્લાના બે અધિકારીઓ પિંકી મીણા અને પુષ્કર મિત્તલ આ કામગીરી સંભાળી રહ્યા છે. જમીન સંપાદનના વિવાદમાં જે કંપની પર કેસ ચાલી રહ્યો છે તેની સુનાવણીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો લાગવા માંડ્યા હતા. સુનાવણી કરી રહેલા અધિકારી મનીષ અગ્રવાલ માટે નીરજ નામનો દલાલ 30 લાખની લાંચ માંગી રહ્યો હતો. જેને એસીબીએ પકડયો.

બીજી તરફ પિંકી મીણા જ્યારે સીએમ અશોક ગેહલોતે બોલાવેલી મિટિંગમાં હાજર હતી ત્યારે લાંચ આપવા માટે કંપનીનો ફોન આવ્યો હતો….! બેઠકમાં હાજર મહિલાની હિંમત તો જુઓ કે તેમણે લાંચ આપવાની ઓફર કરનારને એમ કહ્યુ હતુ કે  10 લાખ રુપિયા મિટિંગ પુરી થયા બાદ લઈશ….! . એસીબીની ટીમ સીએમ દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠક  પુરી થાય ત્યાં સુધી રાહ જોઇને બેસી રહી હતી અને બેઠક પુરી થયા બાદ પિકી મીણાએ નક્કી કરેલી જગ્યાએ લાંચની રકમ સ્વીકારી કે તરત જ  એસીબીની ટીમે તેમની ધરપકડ કરી……બીજી તરફ પુષ્કર મિત્તલને પણ તેમની ઘરે પૈસા લેતા ઝડપી પાડવામાં આવ્યો.એસીબીની ટીમે દોસા જિલ્લાના એસપીના મોબાઈલને પણ જપ્ત કર્યો છે. એસપી મનીષ અગ્રવાલ જયુપર ભાગી ગયો પણ એસીબીની ટીમ તેમની પાછળ પાછળ પહોંચી છે…કદાજ તેની પણ ધરપકડ થઇ ગઇ હશે.

આ મહિલા સહિતના બે અન્ય અધિકારીની ધરપકડ થયા બાદ  વિગતો બહાર આવી ત્યારે સરકારની આબરૂના ધજાગરા થાય તે સ્વાભાવિક છે. એક તો સીએમ પોતે એવી બેઠક યોજે છે કે જેમાં ભ્રષ્ટાચારને કઇ રીતે રોકી શકાય તેના પર ચર્ચા થવાની હોય અને એ બેઠકમાં હાજર અધિકારી પોતે જ લાંચ માટે ફોન પર વાત કરી રહ્યાં હોય તો તેનો એક અર્થ એ પણ થાય કે સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર મોટા પાયે ચાલી રહ્યું હશે, બીજુ કે બેઠકમાં હાજર અધિકારી લાંચ માટે ફોન પર વાત કરી રહ્યાં હોય તો તેનો મતલબ કે એ અધિકારીને ગળા સુધી ખાતરી હશે કે તેને કાંઇ નહીં થાય અને તે આરામથી લાંચ લઇ લેશે….!

લાંચની બાબતમાં ભારતનો નંબર સમગ્ર દુનિયામાં 88મા ક્રમે છે. એશિયાના દેશોમાં ભારત પહેલા નંબરે છે. જ્યાં લાંચનું પ્રમાણ સૌથી ઓછુ છે એવા 10 રાજ્યોમાં ડેન્માર્ક, નોર્વે, નેધરલેન્ડ, ન્યૂઝીલેન્ડ વગેરે. સમાવેશ થાય છે. ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં જે સરકારી વિભાગમાં લાંચનું પ્રમાણ વધારે જણાય છે તેમાં પોલીસ, મહેસુલ, માર્ગ અને મકાન વિભાગ, પંચાયત વગેરેનો સમાવેશ થાય છે.

ક્યા રાજ્યમાં ટ્રાફિક પોલીસ કે હાઇ વે પોલીસ ક્યાં કેટલી અને કઇ રીતે લાંચ લે છે તેની રસપ્રદ વિગતો ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.વાળા જ કહી શકે…! કેમ કે પંજાબથી માલ લઇને તામિલનાડુ જવા નિકળેલા એક ટ્રકને અનેક રાજ્યોમાંથી પસાર થવુ પડે છે અને કયા રાજ્યમાં હાઇ વે પોલીસ કે ટ્રાફિક પોલીસને કેટલા પૈસા આપવા પડશે તેનો કાચો હિસાબ તેમની પાસે રહેતો હશે…! ટ્રક માલિક પણ ડ્રાઇવરને એ હિસાબ કરીને જ “હાથ ખર્ચી” આપતા હશે…!!

હમણાં  ગુજરાત ટ્રાફ્રિક પોલીસની એક મહિલા કોન્સ્ટેબલનો વિડિયો વાઇરલ થયો જેમાં તે  ટુ વ્હીલર ચલાવનાર એક યુવતીને પૈસા તેની પેન્ટના ખિસ્સામાં મૂકવા કહે છે..!.કોઇ દુકાનના સીસીટીવી કેમેરામાં એ દ્રશ્ય ઝડપાયું. રોડ પર એક સામાન્ય પોલીસ ઝબ્બે ચઢી જાય પણ મોટા અધિકારી લાખોની લાંચ લે તેના વિડિયો બનતા નથી. હાં, એટલુ ખરૂ કે જો એ અધિકારીને વાંકુ પડે તો  ઝડપાઇ જાય.

કોઇ મુખ્યમંત્રીને ભ્રષ્ટાચાર બદલ સજા થઇ હોય અને જેલમાં હોય તો તે છે લાલુપ્રસાદ યાદવ. તેમની સાથે કેટલાક સનદી અધિકારીઓને પણ સજા થઇ છે. મંત્રીઓ સામે પણ આરોપો થતાં રહે છે. તાજેતરમાં જ નિશાનેબાજીમાં ઓલ્મ્પિકમાં મેડલ મેળવનાર આંતરરાષ્ટીય મહિલા શૂટર વૃતિકાસિંગ દ્વારા મંત્રી સ્મૃતિ ઇરાની અને તેમના અંગત સચિવ સહિત 3 જણાં સામે એવી ફરિયાદ નોંધાવી કે મહિલા આયોગના સભ્ય બનાવવા માટે તેની પાસેથી એક કરોડ માંગવામાં આવ્યાં. પણ પછી મામલો 25 લાખમાં નક્કી થયો.

તેણે દાવો કર્યો કે અદાલતમાં પુરાવા સાથે તેમણે ફરિયાદ નોંધાવી છે. વૃતિકાનો એવો પણ દાવો છે કે  ફરિયાદ બાદ ઇરાનીના નજીકના સહયોગીઓએ તેમની સાથે અભદ્ર અને આપત્તિજનક ભાષામાં વાત કરી. વૃતિકા પ્રતાપગઢની નિવાસી છે. મિડિયાને તેણે એમ પણ કહ્યું કે ઇરાની, તેમના સચિવ વિજય ગુપ્તા અને ભાજપના કાર્યકર ડો. રજનીશસિંહે તેને મહિલા આયોગની સભ્ય બનાવવાની વાત કરી અને પૈસા માંગ્યા. તેને કહેવામાં આવ્યું કે આમ તો એક કરોડ થાય પણ તે આંતરરાષ્ટ્રીય નામના ધરાવે છે એટલે 25 લાખ તો આપવા જ પડશે…

અલબત્ત આરોપ લગાવવા સહેલા છે પણ પૂરવાર કરવું મુશ્કેલ હોય છે. ઇરાની દ્વારા આવી માંગ થઇ હોય તેમ માનવામાં આવતું નથી. કેમ કે તેઓ જાણે છે કે તેના છાંટા ક્યાં ક્યાં ઉડી શકે. તેમના કોઇ અધિકારીએ તેમના નામે માંગ્યા હોઇ શકે. પણ વૃતિકાએ કોર્ટમાં ફરિયાદ કર્યા બાદ તેની સામે વળતી પોલીસ ફરિયાદ થઇ છે.

ગુજરાતમાં તાજેતરમાં આરઆર સેલનો એક હેડ કોન્સ્ટેબલ 50 લાખની લાંચ લેતા ઝડપાઇ ગયો. એક મહિલા એએસઆઇ શ્વેતા જાડેજા 35 લાખની લાંચ લેતા ઝડપાઇ ગઇ. તેમની હિંમતને ભલે કોઇ દાદ આપે પણ તેમની હિંમત એટલી તો ના થઇ કે રાજ્યના પોલીસ વડાએ લાવેલી બેઠકમાં પેલા મહિલા અધિકારીની જેમ લાંચ લેવાની વાત ફોન પર કહી હોય….!!  રાજસ્થાનનો એ કિસ્સો ખરેખર અદભૂત, અજબગજબ અને અનોખો કિસ્સો કહી શકાય…

કોઇ ફિલ્મનો ડાયલોગ સરસ છે- રિશ્વત લેતે પકડા ગયા..? કોઇ બાત નહીં,  રિશ્વત દે કર છૂટ જા…!!

દિનેશ રાજપૂત

 90 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર