23 કિલો ચરસના જથ્થા કેસમાં આરોપીના રેગ્યુલર જામીન કોર્ટે ફગાવ્યા

આરોપી શહેરમાં રહેતો નથી, જામીન મળે તો પલાયન થવાની શક્યતા- કોર્ટ

23 કિલો ચરસના જથ્થા કેસમાં આરોપીએ કરેલી રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. આ સાથે જ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપી સામે ગંભીર પ્રકારનો કેસ છે, જેની ટ્રાયલ બાકી છે, આરોપી અમદાવાદનો વતની નથી તેથી જામીન મળે તો પલાયન થઇ જાય તેવી શક્યતા છે. ત્યારે આવા કેસમાં આરોપીને જામીન પર મુક્ત કરી શકાય નહીં.

23 કિલો ચરસના જથ્થા પ્રકરણમાં પોલીસે સહિદુલ રહેમાન હાબીબબુલ રહેમાનને ઝડપી જેલમાં મોકલી આપ્યો હતો. જ્યાંથી આરોપીએ રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, અન્ય આરોપીઓના નિવેદનના આધારે ધરપકડ કરવામાં આવી છે, આ કેસમાં તપાસ અધિકારીએ તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ પણ રજૂ કરી દીધી છે, આવો કોઇ જ ગુનો કર્યો નથી, હું ફ્રુટનો વેપારી છું અને પરિવારની જવાબદારી મારા પર છે, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છું તેથી કોર્ટે જામીન પર મુક્ત કરવો જોઇએ.

જો કે, સરકારી વકીલે એવી દલીલ કરી હતી કે, આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે, આરોપીના કૃત્યને કારણે યુવા ધન બરબાદ થઇ રહ્યું છે, આરોપી સામે ચાર્જશીટ થઇ એ એક માત્ર કારણના આધારે તેને જામીન પર મુક્ત કરી શકાય નહીં. આરોપી સામે સાક્ષીઓના નિવેદન છે અને દસ્તાવેજી પુરાવા પણ છે ત્યારે આવા કેસમાં આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે તો ભાગી જાય છે જેની સીધી અસર ટ્રાયલ પર પડે તેમ છે તેથી જામીન ન આપવા જોઇએ. બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે આરોપીના જામીન ફગાવી દીધા છે.

 46 ,  2