11 વર્ષની સગી દિકરી પર દુષ્કર્મ આચરનાર પિતાના જામીન કોર્ટે ફગાવ્યા

પિતાની પુત્રીની રક્ષા કરવાની ફરજ છે ત્યારે તેમના પર જ આક્ષેપ, જામીન નહીં-કોર્ટ

શહેરના રામોલ વિસ્તારમાં નરાધમ પિતાએ પોતાની 11 વર્ષની સગી દીકરી સાથે શારીરિક અડપલાં અને દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે જેલવાસ ભોગવી રહેલા પિતાએ કરેલી રેગ્યુલર જામીન અરજી એડિશનલ સેશન્સ જજ પી.સી.ચૌહાણે ફગાવી દીધી છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે, પિતાની પુત્રીની રક્ષા કરવાની ફરજ છે ત્યારે તેમના પર જ આવો આક્ષેપ છે ત્યારે આવા આરોપીને રેગ્યુલર જામીન પર મુક્ત કરી શકાય નહીં.

મહિલા પોલીસ સ્ટેશનમાં પિતાએ દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ દાખલ થઈ હતી. જેમાં પોલીસે આરોપી પિતાને ઝડપી જેલમાં મોકલી આપ્યો હતો. જ્યાંથી આરોપીએ રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, હું નિર્દોષ છું, ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યો છે, આ કેસમાં પોલીસે તપાસ કરી ચાર્જશીટ પણ કરી છે જેથી પુરાવા સાથે ચેડા થવાની કોઇ શક્યતા નથી. કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છું.

જો કે, અરજીનો વિરોધ કરતા સરકારી વકીલ વિજયસિંહ ચાવડાએ એવી દલીલ કરી હતી કે, ભોગબનનારની ઉંમર 11 વર્ષની હતી ત્યારથી તેના પિતા એકલતાનો લાભ લઇ અડપલાં કર્યા હતા અને કોઇ ન હોય ત્યારે તુ મારી જાનુ છે તેમ કહી બળાત્કાર ગુજાર્યો હતો. આ ઉપરાંત આરોપીએ પિડીતાને ધમકી આપી હતી. ત્રણ વર્ષથી આ પ્રકારનું કૃત્ય આરોપી આચરતો હતો. માનવતાને શરમમાં મૂકે તેવો બનાવ પોતાના ઘરમાં બનતા સગીરાની ખુદ માતાએ પોલીસ ફરિયાદ કરી હતી.

આ મામલે ચાર્જશીટ થયા બાદ જામીન આપવાના કોઇ નવા કારણ સામે આવ્યા નથી. આરોપી ભોગબનનારનો પિતા છે અને જામીન આપવામાં આવે તો પુરાવા સાથે ચેડા થવાની અથવા સાક્ષી ફોડવાની શક્યતા છે ત્યારે જામીન ન આપવા જોઇએ.

 47 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર