September 20, 2021
September 20, 2021

ગુજરાતનો તાજ આ પાટીદાર નેતાના શિરે….

અમદાવાદ આવેલા કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટતા કરી કે, નવા CM વર્તમાન MLAમાંથી જ હશે

રાજ્યમાં હાલ ચારેકોર ગુજરાતનો તાજ કોના શિરે આવશે ભાજપના મોટા ગજના નેતાઓ સહિત લોકો ચર્ચા કરી રહ્યા છે. ત્યારે ભાજપ તરફથી મુકાયેલા કેન્દ્રીય નિરીક્ષકો અમદાવાદ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોષીને નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. અમદાવાદ પહોંચેલા નરેન્દ્રસિંહે સ્પષ્ટતા કરી હતી કે, નવો મુખ્યમંત્રી વર્તમાન ધારાસભ્યોમાંથી જ હશે. ધારાસભ્ય ન હોય તેવા વ્યક્તિને મુખ્યમંત્રી બનાવવામાં નહીં આવે. તોમરની સ્પષ્ટતા બાદ નીતિન પટેલ નવા મુખ્યમંત્રી બને તે વાતને વધુ જોર મળી રહ્યું છે.

નરેન્દ્રસિંહ તોમરના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે, વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર 2022માં જ યોજાશે. ભાજપ વહેલી ચૂંટણી કરાવી કોઈ જોખમ લેવા નથી માંગતું. નીતિન પટેલ 2016માં પણ આનંદીબેન પટેલ બાદ મુખ્યમંત્રી બનવા માટે દાવેદાર હતા પરંતુ તેમને તે સમયે મુખ્યમંત્રી બનાવાયા ન હતા. પરંતુ હાલમાં જે પ્રમાણે ગુજરાતના સૌથી મજબૂત પાટીદાર સમાજ દ્વારા મુખ્યમંત્રી પદ માટેની માગ કરવામાં આવી રહી છે ત્યારે ભાજપ કોઈ પણ રિક્સ લીધા વિના પાટીદાર નેતાને મુખ્યમંત્રી બનાવી અસંતોષ ઠારવાનો પ્રયાસ કરી રહ્યું છે. વર્તમાન ધારાસભ્યોમાં નીતિન પટેલ સૌથી યોગ્ય પાટીદાર નેતા છે. અનુભવી છે અને કામ કરાવવાની ક્ષમતા પણ ધરાવે છે. નાયબ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે.

નવા મુખ્યમંત્રીની સાથે ભાજપ જાતિગત સમીકરણોની પણ ગોઠવણ કરી રહ્યું. પાટીદાર મુખ્યમંત્રી સાથે ઓબીસી સમાજ અને ST સમાજમાંથી નાયબ મુખ્યમંત્રીની પણ ગોઠવણ કરવામાં આવી રહી છે. જેથી અન્ય સમાજો પણ નારાજ ન થાય તે વાતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. વિજય રૂપાણી જાતિગત સમીકરણોમાં ફીટ ન બેસતા હોવાથી તેમનું પત્તુ કાપવામાં આવ્યું હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. અમિત શાહના નામની પણ ચર્ચા કરવામાં આવી રહી હતી. જો કે, તેઓ કેન્દ્રમાં ગૃહ અને સહકાર વિભાગના મંત્રાલયની મહત્વની જવાબદારી છે અને 2024ની ચૂંટણીઓને ધ્યાને રાખી તેમનું કેન્દ્રમાં ભાજપ માટે ખૂબ આવશ્યક હોવાથી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બને તેવી શક્યતાઓ નથી.

 123 ,  1