વિદેશ જવા સાસુનો ચોંકાવનારો પ્લાન પુત્રવધૂએ ઉંધો પાડ્યો

પતિને પેપર પર છુટાછેડા આપ અમેરિકા જઇ ગ્રીન કાર્ડવાળી યુવતી સાથે લગ્ન કરશે

સાસુના પ્લાન સાંભળી પુત્રવધુ ચોંકી ઉઠી, રામોલ પોલીસ મથકમાં સાસરીયા સામે ફરિયાદ

શહેરના રામોલ પોલીસ મથકમાં પત્નીએ પતિ સહિતના સાસરીયા સામે એક ચોંકાવનારી ફરિયાદ નોંધાવી છે. જેમાં સાસુએ પુત્રને અમેરિકા મોકલવા માટે એક ફિલ્મી પ્લાન ઘડ્યો હતો. જો કે, પુત્રવધૂએ પ્લાનની ઐસી કી તૈસી કરી નાંખી ફરિયાદ નોંધાવી દીધી છે. જેમાં સાસુએ પુત્રવધૂને જણાવ્યું કે તેનો પતિ વિદેશ જાય એ પહેલા તે કાગળ પર ખાલી છૂટાછેડા આપી દે અને બાદમાં તે વિદેશ જઈને ગ્રીનકાર્ડ ધરાવતી યુવતી સાથે લગ્ન કરી ગ્રીનકાર્ડ મેળવી લેશે અને બાદમાં તેને છોડીને ફરી પુત્રવધૂને પત્ની તરીકે અપનાવી લેશે.

શહેરના વસ્ત્રાલમાં રહેતી મોનાલી ખાનગી ઓઢવ બ્રાન્ચ ખાતે બેંકમાં નોકરી કરે છે. તેના લગ્ન વર્ષ 2015માં તેના જ સમાજના રોહિત સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. જો કે, લગ્ન પહેલા માનીલી અને રોહિતે વર્ષ 2014માં બંને પરિવારોની મંજૂરીથી કોર્ટ મેરેજ પણ કર્યા હતા. મોનાલીના લગ્ન થયા ત્યારે તેનો પતિ રોહિત ગાંધીનગર ખાતે આવેલી એક કંપનીમાં નોકરી કરતો હતો અને મોનાલી પણ એક ખાનગી બેંકમાં નોકરી કરવા લાગી હતી. વર્ષ 2013માં જ્યારે મોનાલીની સગાઈ થઈ ત્યારે તેના સાસરિયાઓએ પહેલેથી જ એક ગાડીની માગણી કરી હતી. લગ્ન કર્યા બાદ પોતાની બેંકમાંથી સ્ટાફ લોન ઓછા વ્યાજે મળતી હોવાથી ગાડી ખરીદી હતી. જ્યારે જ્યારે મોનાલીને બેંકથી ઘરે આવતા મોડું થાય તો તેની સાસુ તેને ગમે તેમ કહી અપમાનિત કરતી હતી. જ્યારે મોનાલીની સગાઈ થઈ ત્યારે કામવાળી બહેન રાખવાનું નક્કી થયું હતું. છતાં સાસરિયાઓએ કામવાળી બહેન રાખી ન હતી અને બીજી રીતે શારીરિક-માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

થોડા સમય પહેલા જ્યારે મોનાલીના પતિને વિદેશ જવાનું હતું. જો કે, ત્રણ વખત તેના વિઝા કેન્સલ થયા હતા. જેથી મોનાલીના સાસુએ તેને જણાવ્યું હતું કે પતિને કાગળ ઉપર છૂટાછેડા આપી દે, અમારે એજન્ટ સાથે વાત થઇ છે અને તારો પતિ અમેરિકા જશે તો ત્યાં ગ્રીનકાર્ડ વાળી છોકરી સાથે લગ્ન કરી સિટિઝન શીપ મેળવી લેશે. ત્યારબાદ ત્યાં તેને છૂટાછેડા આપી પછી મોનાલી તને અમેરિકા લઈ જશે. સાસુની આવી વાત સાંભળી યુવતી ચોંકી ઉઠી હતી. આટલું જ નહિં તેનો પતિ પણ મોનાલીના પગારના તમામ પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લેતો અને મોનાલીને જરૂર પડે તો તે તેના પતિ પાસે પૈસા માગતી હતી. ત્યારે તેનો પતિ તેની માતાને પૂછીને પછી યોગ્ય લાગે તો પૈસા આપતો હતો. આમ અનેક પ્રકારના ત્રાસ આપતા આ યુવતીએ તેના સાસરિયાઓ સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

તારાબાપે કંઇ આપ્યું નહીં કહી સાસુ મહેણા ટોણાં મારતી

મોનાલીના સાસુ તેને કહેતી હતી કે “તારા બાપાએ કઈ આપ્યું જ નથી અમારે તો મોટા ઘરનું માંગુ આવતું હતું તને તો ભિખારીની જેમ વળાવી દીધી છે” આ પ્રકારના મહેણાં મારી યુવતીની સાસુ તેને ત્રાસ આપતી હતી. ઉપરાંત મોનાલીને બેંકથી ઘરે આવવામાં મોડુ થાય ત્યારે સાસુ અપમાનીત કરતા હતા.

 61 ,  1