અમદાવાદ : શાહીબાગ સ્થિત BAPS મંદિરમાં પ્રવેશ બંધ, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય

BAPS મંદિર 30 નવેમ્બર સુધી રહેશે બંધ, હરિભક્તોને કોરોનાની ગાઇડલાઇન પાળવા અપીલ

અમદાવાદ સહિત રાજ્યભરમાં દિવાળી બાદ કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે ઉછાળો આવ્યો છે. ત્યારે શાહીબાગ સ્થિત BAPS મંદિર 30 નવેમ્બર, સોમવાર સુધી બંધ રાખવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. BAPS મંદિર સાથે તમામ સંસ્કારધામ પણ સોમવાર સુધી દર્શન માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. BAPS શાહીબાગ મંદિરના કોઠારી સ્વામી સાધુ આત્માકીર્તિદાસે તમામ હરિભક્તોને કોરોના વાઇરસની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા માટે અપીલ કરી છે.

મંદિર બંધ હોવાને કારણે હરિભક્તો આજે સવારથી જ બહારથી દર્શન કરી રહ્યા છે. આ અંગે હરિભક્તોએ જણાવ્યું કે, મંદિર દ્વારા જે નિર્ણય લેવાયો છે તે લોકોના હિતમાં લેવાયો છે, જે સારો જ છે. શ્રદ્ધા હોય તો બહાર ઉભા રહીને પણ ભગવાનના દર્શન થઇ શકે છે. અમે સ્વામીજીનાં નિર્ણયને માથે ચઢાવીએ છીએ.

સંજોગોને ધ્યાનમાં રાખી મંદિર ખોલવું કે નહીં તેની પછીથી જાહેરાત કરવામાં આવશે. BAPS શાહીબાગ મંદિરના કોઠારી સ્વામી સાધુ આત્માકીર્તિદાસે તમામ હરિભક્તોને કોરોના વાઇરસની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા માટે અપીલ કરી છે.

દિવાળીના વેકેશનમાં ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગઇકાલે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા એક હજાર 281 પોઝિટીવ કેસ નોંધાયા હતા. નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ શહેરમાં 207, સુરતમાં 181,વડોદરામાં 104, રાજકોટમાં 96, જામનગરમાં 17, ભાવનગરમાં 12, જૂનાગઢમાં 11 અને ગાંધીનગર શહેરમાં કોરોનાના નવા 38 પોઝિટીવ કેસ નોંધાયા હતા.

તો બીજા બાજુ રાજ્યમાં છેલ્લા 24 લાકમાં વધુ 8 દર્દીના મોત થયા છે. રાજ્યમાં હવે કુલ મૃત્યુઆંક વધીને 3 હજાર 823 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજયમાં 1 હજાર 274 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 54 હજાર 256 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજયમાં હાલ 12 હજાર 457 એક્ટિવ કેસ છે. આ એક્ટિવ કેસમાંથી 12 હજાર 374 દર્દીઓની હાલત સ્થિર છે તો 83 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

 48 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર