રૂપિયા 200ની લાંચ લેતા જાંબુઘોડાના નાયબ મામલતદાર ઝડપાયા

જાતિનો દાખલો કઢાવવા નાયબ મામલતદાર લાંચ લેતા

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાની મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર રૂપિયા ૨૦૦ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. આવક તથા જાતિના દાખલા માટે આવતા અરજદારો પાસે કાયદેસરની ફી ઉપરાંત લાંચ તરીકે રૂ.100 થી 500 સુધીની રકમ લાંચ તરીકે લેતા હોવાની માહીતી મળી હતી. જેના આધારે એસીબીએ કાર્યવાહી હાથ ધરી હતી.

જાંબુઘોડા મામલતદાર કચેરીના ડિઝાસ્ટર વિભાગમાં નાયબ મામલતદાર તરીકે કામગીરી કરતા નવીનભાઇ રાઠવા પાસે નાયબ મામલતદાર એટીવીટી વિભાગનો પણ વધારાનો ચાર્જ હતો. શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા અને કોવિડ દરમિયાન બંધ થયેલા જનસેવા કેન્દ્રો ફરી શરૃ થતા જમીનોની નકલો સાથે બાળકોના અભ્યાસ માટે જરૃરી એવા જાતિના દાખલાની કામગીરી પણ શરૃ થતા તેઓ કરતા હતાં.

મામલતદાર કચેરીમાં જાતિના દાખલા લેવા આવતા અરજદારો પાસે સરકારી ફી ઉપરાંત વધારાના રૃા.100થી 500 જેટલી રકમ અરજદારો પાસેથી પડાવાતી હોવાની બૂમો ઉઠતા વડોદરા એસીબી દ્વારા  છટકું ગોઠવવામાં આવ્યું હતું. નાયબ મામલતદાર નવીનભાઇ રાઠવાએ જાતિનો દાખલો કઢાવવા માટે રૃા.૨૦૦ની લાંચ માંગી સ્વીકારતાં જ એસીબીએ લાંચની રકમ સાથે રંગે હાથ ઝડપી પાડયા હતાં.

એસીબીની ટ્રેપમાં સામાન્ય રકમ લેતા નવીન રાઠવા રંગે હાથ ઝડપાઇ ગયા હોવાની વાત સમગ્ર મામલતદાર કચેરીમાં ફેલાતા કચેરીમાં સન્નાટો છવાઇ ગયો હતો.

 91 ,  1