દિકરાને પતાવી બાપે દફનાવી દીધો, દિકરીએ ખોલ્યો હત્યાનો રાજ

મુન્દ્રામાં પિતાએ 9 વર્ષના દિકરાની ગળું દબાવીને કરી હત્યા

કચ્છનાં મુન્દ્રામાં એક પિતાએ પોતાના માસૂમ દિકરાને મોતને ઘાટ ઉતારી દફનાવી દીધો હોવાની ઘટના પ્રાકશમાં આવી છે. દિકરાની હત્યા કર્યા બાદ બાપે કુદરતી રીતે મોત થયું હોવાનું રટણ કરતો હતો. જો કે બાદમાં બાળકીએ હત્યારા પિતાનો રાજ ખોલ્યો હતો. દિકરીએ પોલીસને કહ્યું હતું કે, ‘મારા પપ્પાએ જ ભાઈને મારીને જમીનમાં દાટી દીધો હતો.’ આ અંગે પોલીસે દફન કરાયેલી લાશ બહાર કાઢી પોસ્ટ મોર્ટમ માટે મોકલી હતી. જેમાં ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું તાપસમાં ખૂલ્યું છે. મુન્દ્રા પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ, મુન્દ્રાના જલારામનગરમાં રહેતાં મૂળ નેપાળના વતની અને અહીં લાંબા સમયથી સ્થાયી થયેલાં હરીશ કામીના નવ વર્ષના પુત્ર દિનેશનું સોમવારે બપોરે અગમ્ય કારણોસર મૃત્યુ નીપજ્યું હતું. પુત્રના મોત બાદ હરીશે મુંદરામાં રહેતાં અન્ય પરિવારજનોને જાણ કરી હતી. મુંદરા રહેતાં અને સિક્યોરીટી ગાર્ડ તરીકે કામ કરતાં હરીશના 55 વર્ષિય કાકા નયનસિંગ લક્ષ્મણસિંગ કામી પણ તાબડતોબ ભત્રીજાના ઘરે દોડી આવ્યાં હતા. સહુ દિનેશનું કુદરતી મોત નીપજ્યું હોવાનું માની સાંજે લાશને નાના કપાયા નજીક તળાવ કાંઠે લઈ ગયાં હતા. જ્યાં ખાડો ખોદી દિનેશને દફનાવી દેવાયો હતો. સૌ સ્વજનો દિનેશનું મોત કુદરતી બીમારીથી થયું હોવાનું માની રહ્યાં હતા. પરંતુ, મોડી સાંજે દિનેશની છ વર્ષની બહેને કાકા નયનસિંગ આગળ ઘટસ્ફોટ કર્યો હતો કે મારા પપ્પાએ ભાઈને મારી નાખ્યો છે.

મૃતકની 6 વર્ષની બહેને કાકા નયનસિંગને કહ્યું કે, મારા પપ્પાએ જ મારા ભાઈને મારી નાંખ્યો છે. આ સાંભળી પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. 

પીએમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે, પિતાએ જ હત્યા કરી 

આ વાત પર પરિવારજનોએ હરીશ કામીની આકરી પૂછપરછ કરી હતી. જેથી હરીશે તેના ગોળગોળ જવાબો આપ્યા હતા. જેથી પરિવારના સભ્યોને હરીશ પર શંકા ગઈ હતી. જેથી કાકા નયનસિંગે મુન્દ્ર પોલીસ મથકમાં આ વિશે ફરિયાદ કરી હતી. શંકાસ્પદ મોત અંગે પરિવારજને પોલીસ સમક્ષ શંકા રજૂ કરતા તપાસ કરાઈ હતી. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. સરકારી પંચોની હાજરીમાં લાશ કઢાઈ હતી, જેને પીએમ રીપોર્ટ માટે જામનગર મોકલવામાં આવી હતી. પીએમ રિપોર્ટ આવ્યા બાદ પુષ્ટિ થઈ હતી કે, પિતાએ જ પુત્રની હત્યા કરી છે. જોકે, હરીશે પણ કબૂલ્યું કે, આર્થિક સંકડામણને કારણે હરીશે પોતાના પુત્રની હત્યા કરી હતી. 

 72 ,  1