કોરોનાના કહેર વચ્ચે રાજ્યભરમાં આજથી ધોરણ 3થી 8ની પ્રથમ સત્રની પરીક્ષા શરૂ

વાલી મોકલવા ન ઈચ્છે તો ઘરે પેપર મોકલાશે

ગુજરાત સહિત ભારતમાં કોરોનાનો કહેર વધતો જાય છે. ત્યારે દેશભરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં દિવાળી બાદ લાદવામાં આવેલા રાત્રિ કરર્ફ્યું બાદ કોરોના પર કાબૂ મેળવી લેવાયો હતો. જેથી રાજ્યમાં સ્કૂલોને કોરોનાની ગાઇડલાઇન સાથે સ્કૂલો શરૂ કરવાનો સરકારે નિર્ણય કર્યો હતો. જોકે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું છે.

તાજેતરમાં સુરતમાં એક કોલેજ અને બે સ્કૂલ 14 દિવસ માટે બંધ કરાઈ છે. બર્ફીવાલા કોલેજમાં 10 કેસ પોઝિટિવ આવ્યા છે. તો સાથે જ બે પ્રાથમિક સ્કૂલમાં 20 કેસ પોઝિટિવ આવ્યા છે. ત્યારે આ તરફ પાદરા તાલુકાની 4 જેટલી પ્રાથમિક શાળાઓ અને હાઈસ્કુલમાં કોરોનાનો કહેર જોવા મળ્યો છે.

તો બીજી તરફ આજથી રાજ્યભરમાં ધોરણ 3થી 8ની પ્રથમ સત્રની નિદાન કસોટી શરૂ થઇ રહી છે. બાળકોના વાર્ષિક પરિણામને ધ્યાનમાં રાખતાં આ પ્રથમ સત્ર પરીક્ષા ફરજિયાત છે. કોરોનાના વધતા કેસો વચ્ચે ઓફલાઈન અને ઓનલાઈન એમ બંને ફોર્મેટમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 3થી 5ના વિદ્યાર્થીઓની પરીક્ષા સવારે 11 વાગેથી બપોરે 1 વાગે સુધી લેવાશે જ્યારે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા બપોરે 2 થી 5 વાગ્યા સુધીમાં લેવાશે. ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીઓની 40 માર્કની જ્યારે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓની 80 માર્કની પરીક્ષા લેવાશે. આજથી શરૂ થનાર પરીક્ષા 22 માર્ચના રોજ પૂર્ણ થશે.

ધોરણ 3 અને 4 ના વિદ્યાર્થીઓએ ઉત્તરો કસોટીપત્રમાં લખવાના રહેશે અને ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓએ પેનથી જ જવાબ લખવાના રહેશે. ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ જે શાળાએ આવતા હોય તેમને વ્યક્તિગત પ્રશ્નપત્રની કોપી આપવાની રહેશે. તથા ધોરણ 6 થી 8ના જે વિદ્યાર્થીઓ શાળાએ આવતા નથી તેમણે ઘરેથી પરીક્ષા આપવાની રહેશે અને કોઈપણ સ્થિતિમાં ધોરણ 3થી 5ના વિદ્યાર્થીઓને શાળાએ બોલાવી શકાશે નહીં.

ગોપનીયતા જળવાઈ રહે એ માટે પરીક્ષાના સમય પહેલા પ્રશ્નપત્ર કોઈને ના મળે તેની જવાબદારી શાળાની રહેશે. શિક્ષકોએ પ્રશ્નપત્ર પરીક્ષા પૂર્વે પહોંચાડવાના રહેશે, વાલીઓએ ઉત્તરવહી શાળામાં પરત કરવાની રહેશે. જાણવા મળ્યુ છે કે તમામ સ્કૂલોમાં કોમન પ્રશ્નપત્ર મોકલવામાં આવશે અને પરીક્ષા બાદ મૂલ્યાંકન પણ કોમન થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 810 દર્દીઓ નોંધાયા હતા. તેની સામે 586 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે બે વ્યક્તિના કોરોનાથી મોત નિપજ્યાં છે. જો કે, રાજ્યમાં કુલ 2,69,361 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં દર્દીઓનો સાજા થવાનો દર 96.82 થઇ ચુક્યો છે.

 20 ,  1