મોદી કહે છે ‘દવાઇ ભી ઔર કડાઇ ભી..’ કાર્યકરો કહે છે ‘અમારે શું…’ ?

દાંડીયાત્રાના કાર્યક્રમમાં ભૂલાયો કોરોના, ખૂદ કોર્પોરેટરો માસ્ક વિના જોવા મળ્યા

ઐતિહાસિક અમદાવાદ શહેરમાં આજે દાંડીયાત્રાની 91માં વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના કેટલાંક કોર્પોરેટરો તેમજ કાર્યકર્તાઓ કોરોનાના નિયમોનું પાલન નહીં કરતા નજરે પડ્યા હતા. જેના કારણે તેમણી ભારે ટીકાઓ થઇ રહી હતી. એક તરફ વડાપ્રધાન દવાઇ ભી ઔર કડાઇ ભી ની વારંવાર અપીલો કરે છે પરંતું તેમના જ પક્ષના કાર્યક્રરો તેનું ઉલ્લંઘણન કરતા જણાય છે.

રાજ્યમાં એક તરફ કોરોનાએ ફરી ઉથલો માર્યો હોય તેમ કેસમોમાં વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ નેતાઓ સહિત આમ લોકો બેદરકાર બની રહ્યા છે. જો આવી બેદકારી દાખવામાં આવશે તો પરિસ્થિતિ બગડી શકે છે.

રાજ્યમાં સતત વકરી રહેલા કોરોનાને ફેલાતો અટકાવવા માટે તંત્રએ અનેક પ્રયાસો હાથ ધર્યા છે. ત્યારે દાંડીયાત્રામાં જોડાનારા ગાંધી અનુયાયીઓ સહિત પોલીસ અધિકારીઓ અને અધિકારીઓના ગઈકાલથી જ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે લોકોનો ટેસ્ટ પોઝિટીવ આવે એ લોકો આ યાત્રામાં જોડાઈ નહીં શકે, એવી તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી. એમ છતાંય જાણે ભાજપના નેતાઓને કોરોના સાથે કોઈ લેવાદેવા જ ના હોય તેમ તેઓ સતત નિયમો તોડીને જાહેરમાં ફરી રહ્યા છે. અમદાવાદમાં વડાપ્રધાન મોદી દાંડીયાત્રાના કાર્યક્રમમાં હાજર શહેરના કોર્પોરેટરો જાણે કોરોના છે જ નહીં તેમ કાર્યક્રમમાં માસ્ક વિના પ્રવેશતા જોવા મળ્યા હતા. એ ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલી અનેક મહિલાઓ પણ માસ્ક વિના જોવા મળી હતી.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 710 નવા કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર ફરી વધી રહ્યો છે. રાજ્યમાં કોરોનાનો બીજો વેવ શરૂ થઈ ગયો છે. દરરોજ નવા કેસમાં મોટો વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 710 નવા કેસ નોંધાયા છે. આશરે ત્રણ મહિના બાદ રાજ્યમાં એક દિવસમાં આટલા કેસ સામે આવ્યા છે. ખાસ કરીને મહાનગરોમાં નવા કેસમાં ખુબ વધારો થઈ રહ્યો છે. તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક પણ મૃત્યુ નોંધાયું નથી. સારવાર બાદ 451 લોકો સાજા થયા છે. 

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ કેસ સુરત જિલ્લામાં સામે આવ્યા છે. અહીં 201 નવા કેસ આવ્યા છે. તો અમદાવાદ જિલ્લામાં 153 કેસ સામે આવ્યા છે. વડોદરા જિલ્લામાં 95, રાજકોટ 77 કેસ સામે આવ્યા છે. આ સિવાય આણંદમાં 18, ખેડામાં 14, સાબરકાંઠામાં 14, કચ્છમાં 13, ભરૂચ 12, ભાવનગર 13, નવસારીમાં નવ અને ગાંધીનગરમાં 16 કેસ સામે આવ્યા છે.

રાજ્યનો રિકવરી રેટ 97 ટકા

ગુજરાતનો કોરોના સામે રિકવરી રેટ 97.03 ટકા છે. રાજ્યમાં રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે. આજે રાજ્યમાં કુલ 16 હજાર 911 લોકોને કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. તો રાજ્યમાં અત્યાર સુધી 17 લાખ 24 હજાર 805 લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. ગુજરાતના ચાર જિલ્લામાં આજે એક પણ નવો કેસ નોંધાયો નથી. 

 87 ,  1