ભાગેડુ માલ્યાના શેરો વેચીને 6 હજાર કરોડ તો મળશે.., બાકી કેટલા રહ્યાં..?…

માલ્યા ભલે હાથમાં ના આવ્યો તેની મિલકતો તો છે ને.? વેચીને કરો રોકડા..!

રાજ્યસભાના પૂર્વ સાંસદ અને લિકરકિંગ મનાતા ભાગેડુ લોન ડિફોલ્ટર વિજય માલ્યા પાસેથી લોન રિકવરી માટે બેન્કો અને ધિરણકર્તાઓ આક્રમક બન્યા છે. હવે એસબીઆઇની અગેવાનીવાળું બેન્કોનું જૂથ આગામી 23 જૂને ત્રણ કંપનીઓમાં ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાની હિસ્સેદારી વેચવાની તૈયારી કરી રહ્યુ છે, જેથી બંધ થયેલી કિંગફિશર એરલાઇન્સ પાસેથી 6200 કરોડ રૂપિયાની વસૂલાત કરી શકાય.

બજારના અહેવાલો મુજબ, યુનાઇટેડ બ્રુઅરીઝ લિમિટેડ, યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટે અને મેકડોવેલ હોલ્ડિંગ લિમિટેડ – ઉપરોક્ત ત્રણ કંપનીઓમાં વિજય માલ્યાની હિસ્સેદારી બ્લોક ડીલ મારફતે વેચવામાં આવશે. શેર વેચાણની યોજના હેઠળ રિકવરી અધિકારી 23 જૂને મેકડોવેલ હોલ્ડિંગ લિમિટેડના લગભગ 22 લાખ શેર, યુબીએલના 4.13 કરોડ શેર અને યુએસએલના 25.02 લાખ શેર વેચશે. આજના બજાર ભાવે મેકડોવેલ હોલ્ડિંગના શેરની માર્કેટ વેલ્યૂ 13.8 કરોડ રૂપિયા, યુબીએલના હિસ્સાની 5565 કરોડ રૂપિયા અને યુનાઇટેડ સ્પિરિટ્સની હોલ્ડિંગ્સની માર્કેટ વેલ્યૂ 165 કરોડ રૂપિયા છે.

વિજય માલ્યાની કિંગફિશર એરલાઇન્સ નાણાંકીય કટોકટીને લીધે 20 ઓક્ટોબર, 2011ના રોજ બંધ થઇ ગઇ હતી. લોનની ચૂકવણીમાં ડિફોલ્ટ અને વિદેશમાં ભાગી જવા બદલ વર્ષ 2019ના જાન્યુઆરીમાં ભારત સરકારે વિજય માલ્યાને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કર્યો હતો. હાલ બ્રિટનની અદાલતમાં માલ્યાની ભારતને પ્રત્યાર્પણનો કેસ ચાલી રહ્યો છે.

 69 ,  1