ઘાટલોડીયાના યુવકને કોન્સ્ટેબલ સહીત ચાર લોકોએ માર માર્યો

યુવક ઉછીના પૈસા માંગ્યા ત્યારે કોન્સ્ટેબલે તોડપાણીના રૂ.20 લાખ માગ્યાનો આરોપ

આનંદનગર પોલીસે ચાર શખ્સોના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી

ઘાટલોડીયામાં રહેતા યુવકે આપેલા પૈસા પાછા લેવા માટે એક શખ્સને મળવા માટે ગયો હતો અને તેને પૈસા પરત આપવાનું જણાવ્યું હતું. ત્યારે રીવરફ્રંટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે મારે તોડ પાડીના રૂ.20 લાખ લેવાના છે પછી તને પૈસા આપશે તેમ કહીને યુવક સાથે મારઝુડ કરી હતી. આ અંગે આનંદનગર પોલીસે ચાર શખ્સોના વિરુદ્ઘમાં ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.

ઘાટલોડીયાના સંકલ્પ રો હાઉસમાં રહેતા પ્રદીપસિંહ ઝાલાએ યોગેશ ભરવાડને 1 લાખ આપ્યા હતા. તેથી પ્રદીપસિંહ આનંદનગરના પ્રહલાદનગર ત્રણ રસ્તા પાસે આવેલ ઈસ્કોન ગાંઠીયા હાઉસે યોગેશ ભરવાડ પાસે પૈસા લેવા માટે ગયા હતા. યોગેશ ભરવાડને જોઈને પ્રદીપસિંહે જણાવ્યું હતું કે, મારે લેવાના રૂ.1 લાખ પરત આપીદે. જો કે યોગેશ ભરવાડ પાસે તેના મિત્ર કે.પી. પટેલ અને રીવરફ્રંટ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા નરેન્દ્ર ઉર્ફે વિરેન્દ્ર પ્રજાપતી અને એક અજાણ્યો શખ્સ ત્યાં હાજર હતા. ત્યારે નરેન્દ્રએ પ્રદીપસિંહને જણાવ્યું હતું કે, યોગેશ પાસેથી મારે તોડપાડીના રૂ.20 લાખ લેવાના છે, પેલા મારા પૈસા આપી દે પછી તારા પૈસા આપશે.

જેથી પ્રદિપસિંહે જણાવ્યું હતું કે, મારે તમારાથી કોઈ લેવા દેવા નથી, મારે યોગેશ પાસેથી પૈસા લેવાના છે. આ સાંભળી કોન્સ્ટેબલ નરેન્દ્ર ઉશ્કેરાઈ ગયો હતો અને પ્રદિપસિંહ સાથે ગાળાગાળી કરી મારઝુડ કરવા લાગ્યો હતો. તે જોઈને કે.પી પટેલ અને યોગેશ પણ પ્રદીપસિંહ સાથે મારઝુડ કરવા લાગ્યા હતા. જેથી પ્રદીપસિંહે પોલીસ કંટ્રોલમાં ફોન કરી જાણ કરી હતી.

ત્યારબાદ આનંદનગર પોલીસ સ્ટેશનમાં કે.પી.પટેલ, યોગેશ ભરવાડ, કોન્સ્ટેબલ નરેન્દ્ર પ્રજાપતી અને એક અજાણ્યા શખ્સના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.

 21 ,  1