…તો આ કારણે 16 વર્ષ બાદ રૂપાણી સરકારે રદ કર્યો શાળા પ્રવેશોત્સવ

રાજ્યના શિક્ષણમંત્રીએ શાળાના પ્રેવશોત્સવને લઈ મહત્વની માહિતી આપી છે. તેમના જણાવ્યા અનુસાર શાળામાં પ્રવેશોત્સવને લઈ કેબિનેટમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. આ વર્ષે રાજ્ય સરકાર શાળા પ્રવેશોત્સવ નહીં ઉજવે તેવી જાણકારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપી છે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે 16 વર્ષ બાદ ચાલુ વર્ષનો શાળા પ્રવેશોત્સવ રદ કરવાની જાહેરાત કરી હતી. આમ રૂપાણી સરકારે વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા શાળા પ્રવેશોત્સવ ચાલુ વર્ષ પુરતો રદ કરી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયથી અત્યાર સુધીમા પ્રથમવાર શાળા પ્રવેશોત્સવ રદ રાખવાની ઘટના બની છે.

આ પહેલા ગત 13, 14 અને 15 જૂનના રોજ શાળા પ્રવેશોત્સવ યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ ‘વાયુ’ સાયકલોનને કારણે આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. તે સમયે શાળા પ્રવેશોત્સવ બાદમાં યોજવામાં આવશે એવો નિર્ણય લીધો હતો. જોકે બજેટ સત્રને પગલે રાજ્ય સરકારનું વહીવટીતંત્ર બજેટની તૈયારીમાં લાગી ગયું હોવાથી શાળા પ્રવેશોત્સવ આ વર્ષ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો હોવાનો શિક્ષણમંત્રીએ સ્વીકાર કર્યો હતો.

મહત્વનું છે, કે આ પ્રકારના શાળા પ્રવેશોત્સવને કારણે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં શાળાએ જતા બાળકોની સંખ્યામાં વધારો થયો છે. વધુમાં પત્રકાર પરિષદ દરમિયાન શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં એફ.આર.સી કરતા વધુ ફિ લેવાના મામલે જીલ્લા શિક્ષણ અધિકારીને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

 53 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી