50 હજાર કરોડનો ધંધો કરનાર અમૂલને સરકારે 150 કરોડની સહાય આપી દીધી….!

સરકાર માઇબાપ, દૂધના ભાવ વધે તો અમ ગરીબોને પણ એવી જ સહાય કરશો ને…?

અમૂલ કંપની દૂધના ભાવ વધારે ત્યારે સરકાર તેને કોઇ ઠેસઠપકો ના આપે.. કારણ?

અમૂલ 150 કરોડનો બોજ ના ઉપાડી શકે પશુપાલકોના હિતમાં…? એ પણ પ્રજાની તિજોરીમાંથી લેવાના…?

રાજ્ય સરકારે, જાણીતી અમૂલ ડેરીને 150 કરોડની સહાય આપવાની જાહેરાત કરી છે. થયું છે એવું કે આંતરરાષ્ટ્રીય બજારમાં દૂધના પાવડરના ભાવ ઘટી ગયા છે. ઓછા ભાવે નિકાસ કરે તો અમૂલને નુકશાન થાય અને અમૂલને નુકશાન થાય તો ડેરી સંઘોને નુકશાન થાય અને છેવટે દૂધ પૂરુ પાડનાર 36 લાખ પશુપાલકોને સહન કરવુ પડે. અમૂલ ડેરી અને અન્ય જિલ્લા ડેરી સંઘોની રજૂઆતના પગલે સરકારે જાહેર કર્યું કે સરકાર ડેરીને દૂધના પાવડરની નિકાસમાં પ્રતિ કિલોએ 50 રૂપિયાની સહાય કરશે. 150 કરોડની મર્યાદામાં આ સહાય અપાશે. એટલે કે સરકાર પ્રજાની તિજોરીમાંથી 150 કરોડ એ અમૂલને આપશે કે જેમને છાશવારે દૂધના ભાવમાં વધારો કરવાની ટેવ પડી ગઇ છે. હાં, ટેવ પડી ગઇ છે.

અમૂલ ડેરીના કારોબાર અંગે ગૂગલબાબા કહે છે કે કુલ કારોબાર 52 હજાર કરોડ પર પહોંચી ગયો છે અને 2024-25 સુધીમાં 1 લાખ કરોડના કારોબારનો લક્ષ્યાંક છે. 31 ઓક્ટોબરના રોજ સરદાર જયંતીએ અમૂલને 75 વર્ષ પૂરા થઇ રહ્યાં છે. જો કે તે દિવસથી દૂધના ભાવમાં ઘટાડો કરીને સામાન્ય વપરાશકારોને રાહત આપવામાં આવશે એવી કોઇ આશા રાખી શકાય કે કેમ એ તો અંમૂલના સંચાલકો જ જાણે.

ગૂગલબાબા કહે છે કે 2019-20માં એકલા અંમૂલનો કારોબાર અંદાજે 38 હજાર કરોડનો છે. હાલમાં પશુપાલકોને એટલે કે જેઓ અમૂલને દૂધ આપે છે તેમને પ્રતિ કિલોફેટ 765 રૂપિયા આપવામાં આવે છે. પીએમ રાહત પેકેજ હેઠળ ડેરી સેક્ટરને 15 હજાર કરોડની સહાય મળવાની છે. દેખીતી રીતે જ તેમાં સૌથી મોટો હિસ્સો અમૂલને જ મળશે.

અમૂલ હવે એક કોર્પોરેટ કંપની બની રહી છે. સહકારી પ્રવૃતિ હેઠળ નફાખોરી કરે છે એમ જો કોઇ કહે તો અમૂલના સંચાલકો તરત જ તેનો ઇન્કાર કરશે અને કહેશે કે અમે તો પશુપાલકોને જ નફો આપી દઇએ છીએ, નફો અમારી વૃતિ અને પ્રવૃતિ નથી. માની લઇએ કે અમૂલ નફાખોરી કરતુ નથી. પણ દૂધનો ભાવ વધારે ત્યારે મોંઘવારી અને પશુપાલકોને મોંઘો ઘાસચારો ખરીદવો પડતો હોવાથી તેમને થતાં નુકશાનને સરભર કરવા સમયાંતરે એક –એક રૂપિયો વધારે દૂધનો ભાવ કિલોના 50 રૂપિયાની આસપાસ થઇ ગયા છે. અમૂલ ભાવ વધારે એટલે બીજા વેપારીઓ પણ દૂધના ભાવ વધારે છે. પરિણામે ગુજરાતના સામાન્ય અને ગરીબ વર્ગના દૂધના વપરાશકારોને મોંઘા ભાવે દૂધ ખરીદવુ પડે છે.

અમૂલના સંચાલકો પણ છેવટે તો ઘરગૃહસ્થી વાળા જ હશે એટલે તેમને ખબર જ હશે કે મોંઘવારી કેટલી વધી છે. અમૂલવાળા કહે છે કે અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયા… પણ મોંઘા ભાવનું દૂધ પીએ છે એમ કોણ કહેશે એમને…? જેમ પશુપાલકોને દૂધ આપતા પશુઓના ઘાસચારાને પહોંચી વળવા દૂધનો ભાવ વધારવામાં આવે છે અને તેમને આર્થિક રાહત અપાય છે તો જે મુખ્ય દૂધ વપરાશકારો એટલે કરોડો ગરીબ વર્ગ છે તેમને દૂધના ભાવમાં રાહત મળવી જોઇએ કે નહીં…? ભાઇ, સવાલ તો બનતા હૈ..

ગુજરાતમાં દૂધની કેટલી ખપત છે તેનો અંદાજ અમૂલના સંચાલકોને હશે જ. જ્યારે જ્યારે દૂધમાં ભાવ વધારો કરવાની ફરજ અને જરૂર પડે ત્યારે રાજ્ય સરકાર એવું ના કરે કે જે એક રૂપિયોનો ભાવ વધારો છે એ સરકાર, પશુપાલકો વતી અમૂલને સહાય આપે છે એમ લાખો વપરાશકારો એટલે કે ગરીબો વતી અમૂલ ડેરીને આપશે….? કબૂલ કે 150 કરોડની સહાય એક જ વખત છે. તેમ ગરીબોને એટલે રાશનકાર્ડધારકોને અથવા એવી કોઈ સીસ્ટમ બનાવવામાં આવે કે જરૂરીયાતવાળાને સસ્તાભાવે દૂધ મળે.

રાજ્ય સરકારને માલુમ થાય કે અમૂલ અઢળક અને મબલખ નફો કરે છે. અમૂલ એક એવી બ્રાન્ડ બની ગઇ છે કે જો તે ક્રિકેટ ટીમને સ્પોન્સર કરવાનું બંધ કરે અને જાહેરખબરના બજેટમાં ઘટાડો કરે તો દૂધના ભાવમાં વધારો જ કરવો ના પડે. જે અમૂલ કંપની( રીપીટ કંપની, કેમ કે અમૂલને હવે કંપની તરીકે ઓળખવામાં આવે છે, સહકારી મંડળી નહીં..)નું ટર્નઓવર એટલે કે કુલ કારોબાર 50 હજાર કરોડનું હોય તો 10 ટકા નફા પ્રમાણે 5 હજાર કરોડ થાય. 5 ટકા ગણીએ તો પણ 2500 કરોડ થાય. કદાજ અમૂલવાળા કહેશે કે ના..ના..એટલો નફો નથી તો અમૂલવાળા જાહેર કરે કે તેને વર્ષે કેટલો નફો મળે છે અને પશુપાલકોને આપ્યા બાદ કેટલા વધે છે. હિસાબ ચોખ્ખો છે.

અમૂલ હવે માત્ર દૂધનો જ ધંધો નહીં પણ અન્ય ઘણી પ્રોડક્ટ વેચે છે. જેની કમાણી ખૂબ થાય છે. અમૂલની ગુણવત્તાને કારણે વેચાણ થાય છે એ પણ એટલું જ સાચુ છે. અને એ પણ સાચુ છે કે અમૂલે કુલ નફાની રકમ દર્શાવ્યાં વગર મોંઘવારીના નામે દૂધનો ભાવ વધારતાં વધારતાં કિલોના 50 રૂપિયા કરી નાંખ્યા છે. અમૂલે ક્યારેય એમ કહ્યું કે આ વર્ષે અમે આટલા કરોડનો નફો કર્યો…?

અમૂલની આટલી માહિતી સરકારને એટલે આપવી જરૂરી છે કે અમૂલવાળા દૂધનો ભાવ વધારે ત્યારે સરકાર એમ કહીને ચાલતી પકડે છે કે અમૂલ તો સહકારી ડેરી છે અને સહકારી માળખામાં સરકાર ડખલ કરતી નથી… એટલે અમૂલને કોઇ કહેનાર, કોઇ ટોકનાર કોઇ નથી. મનફાવે તેમ ભાવ વધાર્યા કરે અને લોકો પર ભારણ વધ્યા કરે છતાં સરકાર એક શબ્દ પણ ના બોલે પ્રજા વતી. પશુપાલકો વતી 150 કરોડની જંગી રકમ સરકારે અમૂલને આપતાં પહેલા લોકોને પૂછ્યું કે અમૂલ નફો કરે છે તો તમારા 150 કરોડ આપુ કે નહીં….?!

અમૂલની ચિંતા કરવાની સાથે ગુજરાતના સામાન્ય લોકોની એટલે કે મોંઘુ અમૂલ દૂધ ખરીદનારાઓની પણ ચિંતા સરકારે કરવી પડે, એવી લાગણી લોકના મનમાં એટલા માટે થઇ કે સરકારે 50 હજાર કરોડનો કારોબાર કરનારને 150 કરોડની સહાય આપી દીધી. અને અમૂલવાળા દૂધનો ભાવ વધારે ત્યારે સરકાર એમ કહે કે આજે તો અમારે મૌન વ્રત છે, અમે તો અમૂલને કાંઇ જ નહીં કહીએ. ક્યાં સુધી અમૂલને કરોડોની સહાય આપીશું…..? અમૂલને પણ આત્મનિર્ભર બનવા દો.. ક્રિકેટની સ્પોન્સરશીપ બંધ કરે ને તો પણ કરોડો રૂપિયા બચે. પણ અમૂલને કોણ કહે…?

તંત્રી : દિનેશ રાજપૂત

 88 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર