‘..મેરે માસૂમ બેટે કો હોસ્પિટલ તક છોડ દો’ : કોઇ મદદે ન આવતા રસ્તામાં જ બાળકનું મોત

લાચાર પિતા બિમાર પુત્રને લઇ એક કિમી દોડ્યા, છતાં ન બચાવી શક્યા…

માનવતા જાણે મરી પરવારી હોય તેવા દ્રશ્યો સુરતમાંથી સામે આવ્યા છે. લાચાર પિતા બિમાર પુત્રને લઇ એક કિલોમીટર દોડ્યો, રસ્તામાં ન કોઇએ મદદ કરી કે ના કોઇ ઓટો રિક્ષાવાળા ઉભા રહ્યા.. આખરે હોસ્પિટલ જતાં જતાં માસૂમે રસ્તામાં જ દમ તોડ્યો હતો. ડોક્ટકે બાળકને મૃત જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

સુરત જિલ્લાના ઉમરવાડાનો શ્રમજીવીનો બાળક મનીશકુમાર ત્રણ દિવસથી ઝાડા ઉલટીમાં સપડાયો હતો. સ્થાનિક ડોક્ટરની દવા લીધા બાદ આજે સવારે તબિયત બગડતા પુત્રને હાથમાં ઉંચકીને દોડતા લાચાર પિતાને લોકો જોતા રહ્યા પણ કોઈ મદદે ન આવ્યું હોવાનું પિતાએ જણાવ્યું હતું.

મૃતક બાળકના પિતા રજત સહાનીએ જણાવ્યું હતું કે, અમે બિહારવાસી છે વર્ષથી પરિવાર એટલે કે પત્ની અને બે પુત્રો સાથે ઉમરવાડા ગિરનાર ટ્રાન્સપોર્ટમાં રહી મજૂરી કામ કરતા આવ્યા છે. સાહેબ દરેક લોકોની મદદમાં મેં ક્યારે કોઈને ના નથી પાડી પણ આજે જ્યારે મને મદદની જરૂર હતી તો કોઈ આગળ નહિ આવ્યું એનું દુઃખ છે.

વધુમાં ઉમેર્યું હતું કે, મારો મોટો પુત્ર 3 વર્ષીય મનીશકુમારની આજે સવારે અચાનક તબિયત બગડતા હું તેને લઈ હોસ્પિટલ આવવા રીક્ષા ચાલકોને હાથ ઉંચો કરતો રહ્યો પણ કોઈ ઉભું ન રહ્યું અને જે ઉભા રહ્યા એમને ઝાડા-ઉલટી હો રહા હે મેરે માસુમ બેટ કો હોસ્પિટલ તક છોડ દો કહેતા જ ભાગી જતા હતા. હું કિન્નરી સુધી એક કિલોમીટર કહી શકાય ત્યાં સુધી માસુમ બીમાર પુત્રને હાથમાં ઉંચકીને દોડતો રહ્યો પણ કોઈને માનવતા યાદ ન આવી, લોકો જોતા હતા પણ શું થયું એ પૂછતાં પણ ગભરાતા હોય એમ લાગતું હતું.

વધુમાં ઉમેર્યું હતું કે, કિન્નરીથી હું નજીકની ખાનગી હોસ્પિટલ પહોંચ્યો ત્યાંથી મને સિવિલ જવાનું કહેવાતા હું માસુમ બાળકને રિક્ષામાં લઈ સિવિલ આવ્યો તો ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. ત્રણ દિવસથી મનીશકુમાર બીમાર હતો. સ્થાનિક ડોક્ટરની દવા લેતા રાહત થતી હતી. રાત્રે ઝાડા-ઉલટી થતા મેં દવા આપી હતી. પણ સવારે અચાનક ઝાડા-ઉલટી બાદ અશક્ત થઈ જતા હોસ્પિટલ દોડ્યા હતા. જો કોઈ મદદ મળી ગઈ હોત તો મારું બાળક બચી ગયું હોત એવી એક પિતા એ વ્યથા વ્યક્ત કરી હતી.

 80 ,  1