હાઇકોર્ટે દસ્તાવેજ ચેક કરાવતા બોગસ હોવાનું ખુલતા ફરિયાદ નોંધવા આદેશ કર્યો હતો

લૂંટના ગુનામાં સજા મળ્યા બાદ પુત્રની બીમારીનું કારણ ધરી જામીન માગ્યા હતા

હાઇકોર્ટમાં જામીન મેળવવા બોગસ દસ્તાવેજ મુકવાના સંખ્યાબંધ કિસ્સા બહાર આવ્યા છે. ત્યારે લૂંટ કેસમાં સજા પામ્યા બાદ વર્ષ 2013માં પુત્રની બીમારીના તબીબી દસ્તાવેજ રજૂ કરાયેલા આરોપીએ વચગાળાના જામીન માગ્યા હતા. જો કે, કોર્ટને શંકા જણાતા તપાસ કરાવી હતી. જેમાં તબીબી સર્ટીફિકેટ બોગસ હોવાનું સામે આવતા હાઇકોર્ટે આરોપી સામે નવો કેસ નોંધવા આદેશ કર્યો હતો. આ કેસ ગ્રામ્ય કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને ચાર વર્ષની સખત કેદની સજા ફટકારી છે. નોંધનીય છે કે, ગ્રામ્ય કોર્ટમાં આવો કેસ ચાલ્યો હોય અને આરોપીને સજા થઇ હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.

લૂંટના આરોપી ઇમરાન ઉર્ફે ઇમલો ઉસ્માનભાઇ જુણેજાને નીચલી કોર્ટે સજા થઇ હતી. જેથી તે જેલમાં હતો અને હાઇકોર્ટમાં છુટવા માટે અપીલ કરી હતી. આ અપીલ ચાલી રહી હતી તે સમયે આરોપીએ 2013માં વચગાળાની જામીન અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, મારો પુત્ર બીમાર છે, તેને સારવારની જરૂર છે, મારા વગર કોઇ સારવાર કરી શકે તેમ નથી. ઉપરાંત આરોપીએ ડોક્ટરના વિવિધ પ્રમાણપત્રો પણ જામીન અરજીમાં મુક્યા હતા.

જસ્ટીસ જી.આર. ઉધવાણીને શંકા જતા તેમણે આ મામલે તપાસ કરી તબીબનું નિવેદન લઇ રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો હતો. જેથી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. જેમાં ડોક્ટરે એવો જવાબ આપ્યો હતો કે, આ સર્ટીફિકેટ મે નથી આપ્યું. મારા હસ્તાક્ષર પણ આ સર્ટીફિકેટમાં નથી. આ રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ બાબતને ગંભીરતાથી લઇ હાઇકોર્ટે આરોપી સામે ફરિયાદ નોંધાવા આદેશ કર્યો હતો. જેથી આ મામલે હાઇકોર્ટ ડે.રજીસ્ટારે આરોપી ઇમરાન ઉર્ફે ઇમલો ઉસ્માનભાઇ જુણેજા સામે ફરિયાદ નોંધાવી હતી.

આ કેસ ગ્રામ્ય કોર્ટમાં ચાલતા સરકારી વકીલ આનંદ ગુલાબાનીએ પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટને જણાવ્યું હતું કે, આરોપીએ પુત્ર ઉમેશની બીમારીના પ્રમાણપત્રો રજૂ કરી જામીન માગ્યા હતા. પરંતુ ખરેખર તેનો પુત્ર બીમાર હતો જ નહીં, આ અંગે ડોક્ટરનું નિવેદન છે, ઉપરાંત તબીબનું સર્ટીફિકેટ છે તે પણ બોગસ છે, આરોપીઓ જામીન પર છુટવા આ પ્રકારના સંખ્યાબંધ પ્રમાણપત્રો રજૂ કર્યાના અગાઉ પણ કોર્ટને ધ્યાને આવ્યું છે, આ કેસમાં આરોપી સામે ગુનો પુરવાર થાય તેટલા સાક્ષીઓની જુબાની છે અને દસ્તાવેજી પુરાવા પણ છે. ત્યારે કોર્ટમાં બોગસ દસ્તાવેજ રજૂ કરનારમાં કાયદાનો ડર રહે તે હેતુને ધ્યાનમાં રાખી આરોપીને સખતમાં સખત સજા કરવી જોઇએ.

આવા ગુના હળવાશથી લેવાય તો લોકોમાં કાયદાનો ભય ન રહે-કોર્ટ

આરોપીને સજા ફટકારતા ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપી એક ગુનામાં સજા ભોગવતો હતો ત્યારે જામીન મેળવવા બીજો ગુનો કર્યો છે, તે ગુનો સાબીત થાય છે. આ ગુનો ન્યાયિક કાર્યવાહીમાં કોર્ટ સમક્ષ થયેલ છે તેથી આવા ગુના હળવાશથી લેવામાં આવે તો લોકોમાં કાયદાનો ભય ન રહે.આરોપી પ્રથમ વખત લૂંટ અને બીજી વખત હાઇકોર્ટ સમક્ષ ખોટા દસ્તાવેજ મુકવાના ગુનામાં દોષિત ઠર્યો છે ત્યારે આરોપીને સજા કરવી યોગ્ય છે.

 66 ,  1