ખાખી વર્દી પાછળની માનવતા ઝળકી ઉઠી

પાવાગઢમાં વૃદ્ધાને ઊંચકીને બન્યા શ્રવણ

પાવાગઢમાં બિરાજમાન મહાકાળી માતાના દર્શન કરવા ઈચ્છતા આશરે 80 વર્ષના વૃદ્ધ મહિલા માટે બે પોલીસકર્મીઓ ‘શ્રવણ’ બન્યા હતા. વૃદ્ધા પગથિયા ચડવામાં અસક્ષમ હોવાથી પોલીસકર્મીઓએ તેમને ઊંચકીને માતાના મંદિર સુધી પહોંચ્યા હતા. ભલાઈનું કામ કરનારા બંને પોલીસકર્મીઓની ચારેતરફ વાહવાહી થઈ રહી છે. વૃદ્ધા મધ્યપ્રદેશના વતની હતા અને ઘરે કોઈને પણ કહ્યા વગર પાવાગઢ મંદિરની મુલાકાત લેવા માટે ઘરેથી નીકળી ગયા હતા.

પાવાગઢ પાસે નવરાત્રી માટે જ્યારે પોલીસ કર્મચારીઓ ડ્યૂટી કરી રહ્યા હતા ત્યારે તેમણે મધ્યપ્રદેશના બડવાણી જિલ્લાના સેંધવાના રહેવાસી તેવા પવિત્રા હરિરાવ જાઘવે એકલા જોયા હતા. જ્યારે તેમણે તેમનો સંપર્ક કર્યો ત્યારે વૃદ્ધાએ તેમની ઈચ્છા વિશે જાણ કરી હતી અને પરિવારની વિગત પણ આપી હતી. તેમની સાથે સંબંધીઓના ફોન નંબર લખેલી ડાયરી પણ હતી.

શરૂઆતમાં, બે ગ્રામ રક્ષક દળના જવાનાઓ વૃદ્ધાને પગથિયા ચડાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. વૃદ્ધા મંદિરમાં જવાના નિર્ણયને ટાળે તેવા પ્રયાસો પણ તેમણે કર્યા હતા, પરંતુ તેમા પણ તેઓ સફળ થયા નહોતા.

મંદિર સુધી પહોંચવા માટે પાવાગઢમાં રોપવે છે, પરંતુ રોપવે સુધી પહોંચતા પહેલા અને પછી પણ થોડા પગથિયા ચડવા પડે છે. ગુરુવારે સાંજે, પાવાગઢ પર ડ્યૂટી પર રહેલા એક વરિષ્ઠ અધિકારીએ હાલોલ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રિયાઝ ભારખાણી અને ગોધરાના સ્ટેટ રિઝર્વ પોલીસ ગ્રુપ (એસઆરપી)ના કોન્સ્ટેબલ રિતેશ પટેલ સાથે વાત કરી હતી. બંને વૃદ્ધાને મંદિર સુધી લઈ જવા માટે સંમત થયા હતા.

ભારખાણી અને પટેલ વારાફરતી વૃદ્ધાને ઊંચકીને પાવાગઢ ચડ્યા હતા. નવરાત્રી માટે સુરક્ષા વ્યવસ્થાના કારણે બંને સવારથી ડ્યૂટી પર હતા, પરંતુ તેમને સોંપવામાં આવેલા કાર્યને તેમણે તરત સ્વીકારી લીધું હતું.

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી