ઇન્ડિયા કોલોની વોર્ડના કોર્પોરેટરના પતિ ભૂગર્ભમાં..! બુટલેગર અવિનાશ પાંડેની ધરપકડ

કોરોના કરફ્યુમાં બિયરની બોટલ ખોલવાનો વિડીયો વાયરલ થયા બાદ કાર્યવાહીથી ફફડાટ

કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે અમદાવાદમાં ઘણા સમયથી રાત્રી કર્ફ્યું અમલી છે ત્યારે તેનો ભંગ કરીને જન્મદિવસની ઉજવણી કરતાં અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હોય છે અને પછી પોલીસ એકશનમાં આવતી હોય છે.આ જ પ્રકારનો વિડીયો બુધવારના રોજ વાયરલ થયો હતો. જેમાં અમદાવાદ મહાનગર પાલિકાના મહિલા કોર્પોરેટરના પતિ અસારવાના કુખ્યાત બુટલેગર અવિનાશ પાંડેની બર્થડેની જાહેરમાં કરાયેલ ઉજવણીમાં બિયરની બોટલ ખોલતા નજરે પડી રહ્યા હતા. વાયરલ વીડિયોના આધારે રેલ્વે પોલીસે કેસ દાખલ કરતાં જ મહિલા કોર્પોરેટરના પતિ અને બુટલેગર અવિનાશ પાંડે સહિત મોટાભાગના આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. દરમ્યાન હવે પોલીસે બુટલેગર અવિનાશ પાંડેની ધરપકડ કરી લીધી છે.

બુધવારના રોજ અસારવા રેલ્વે સ્ટેશનના પ્રાંગણમાં કોરોના કર્ફ્યુના અમલના સમયે બર્થડે કેક કાપી રહ્યા હોવાનો વાયરલ થયેલા વિડીયો બાદ રેલ્વે પોલીસ એકશનમાં આવી હતી અને વિડીયોમાં દેખાય રહેલા શખ્સો સામે ઇન્ડિયન પીનલ કોડની કલમ ૧૮૮ અને ૨૬૯ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને આરોપીઓને પકડવા માટે જીઆરપીની ચાર અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી.

બીજીબાજુ કેસ દાખલ થયાની જાણ થતાં જ બુટલેગર અવિનાશ પાંડે અને ઇન્ડિયા કોલોની વોર્ડના મહિલા કોર્પોરેટર નીતા પરમારના પતિ સચિન પરમાર સહીત મોટાભાગના આરોપીઓ ભૂગર્ભમાં જતા રહ્યા હોવાની ચર્ચા સ્થાનિક લોકોમાં તેજ બની હતી. ધરપકડને ટાળવા અને ધરપકડથી બચવા માટે બુટલેગર અને મહિલા કોર્પોરેટરના પતિ રાજકીય શરણમાં પણ જતાં રહ્યા હોવાના અહેવાલ વહેતા થયા હતા.

જો કે મોડી સાંજે બુટલેગર અવિનાશ પાંડેની ધરપકડ કરી લેવાઇ છે. આમ હવે જોવાનું એ રહ્યું કે કોરોના કાળમાં સામાન્ય નાગરિકને માસ્ક અને કર્ફ્યું ભંગના નામ પર હેરાન પરેશાન કરી કરોડો રૂપિયાનો દંડ વસુલતી પોલીસ કર્ફ્યું ભંગ તો ઠીક પણ દારૂબંધીના લીરેલીરાં ઉડાવવાના કેસમાં યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરે છે કે પછી ઢાંકપીછોડો કરીને કેસ રફેદફે કરી દેશે.

 74 ,  1