સમગ્ર રાજ્યમાં “એક બાળ એક ઝાડ” નો વિચારબીજ રોપનાર એટલે લીલાવંટાની પ્રાથમિક શાળા

લીલાવંટા પ્રાથમિક શાળાની સ્થાપના 1964માં થઈ હતી. શાળાની શરૂઆતમાં બે લીમડા અને બે બાવડ શાળામાં હતા. 2015થી 33 વૃક્ષોથી શરૂઆત કરી અને ૨૦૧૬માં તેમણે એક બાળ એક ઝાડ લીલાવંટા પ્રાથમિક શાળાના એક નાનકડા પણ ઉત્કૃષ્ટ વિચારે સમગ્ર ગુજરાતને પર્યાવરણ બચાવ અભિયાન અંતર્ગત નવી દિશા ચિંધી છે. ગ્લોબલ વોર્મિંગ પ્રદુષણ અને ઓછા વરસાદ સામે એક નાનકડી શાળાએ જંગ માંડ્યો છે. શાળામાં પ્રવેશ મેળવનાર દરેક બાળકને એક છોડ આપવામાં આવે છે અને તેના ઉછેરની જવાબદારી આપવામાં આવે છે.

શાળાના પ્રથમ દિવસે બાળક પ્રથમ પાઠ પર્યાવરણ જતન વિષે ભણે છે. શિક્ષણ દ્રારા માનવ મનનુ ખેડાણ થાય છે ત્યારે આ શાળાના બાળકોને પ્રથમ દિવસે જે જવાબદારી સોપાય છે તે કેટલી ઉમદા છે. જીવનનો સૌથી મોટો પાઠ એટલે વૃક્ષ. વૃક્ષો સંતો જેવા છે. શાળાના બાળકોને માત્ર શિક્ષણની જ જરૂર નથી તેમને સારા સંસ્કાર આપવા શિક્ષણ કરતા પણ વધુ મહત્વના છે. ખેડબ્રહ્મા જેવા પછાત વિસ્તારમાં આ શાળા એક આશાનુ કિરણ સાબિત થઈ રહી છે.

શાળાના આચાર્ય ભાવેશભાઇ પ્રજાપતિ જણાવે છે કે, વર્ષ ૨૦૧૫થી તેઓ આ” એક બાળ એક ઝાડ “ના વિચારને અમલમાં મૂક્યો છે અને શિક્ષકો દ્રારા શાળામાં દરેક બાળકને એક વૃક્ષની જવાબદારી અપાઇ છે. આ શાળામાં હાલ સપ્તપણી, લીમડા, ગુલમહોર ,ગરમાળો, મલબારી નીમ, નિલગીરી વાંસ જેવા ૧૦૯ વૃક્ષો જાંબુ, સીતાફળ, જામફળ, દાડમ જેવા ૬૦ ફળાઉ વૃક્ષો અને કરેણ, બારમાસી, ગલગોટા જેવા ફૂલ છોડ ૮૫, ઔષધિય છોડ તુલસી, અરિઠા, બીલીપત્ર, મહેંદીના ૬૧ છોડ મળીને શાળા પ્રાંગણમાં કૂલ ૩૧૫ ફૂલ છોડ અને વૃક્ષો છે.

તેમજ મધ્યાન ભોજન માટે રિંગણ,મરચા,ધાણા,ગલકા,લસણ શાકભાજી બાળકો દ્રારા ઉછેર થાય છે.શાળામાં હવે વધુ ઝાડ વાવવા માટે જગ્યા નથી એટલે શિક્ષકગણ અને બાળકો દ્રારા ગામમાં ઘેર-ઘેર જઈને રસ્તાની આજુ-બાજુ વૃક્ષો વાવવાનુ અને તેને ઉછેરવાનો સંકલ્પ કરાવામાં આવે છે.

શાળાના પ્રથમ પ્રયાસમાં સફળ બન્યા બાદ તાલુકાની શાળાઓમાં પણ આ રીતે વૃક્ષારોપણ શરૂ કરાવી બીજા વર્ષે ૨૪,૦૦૦ જેટલા વૃક્ષો રોપાવામાં આવ્યાં.વર્ષ ૨૦૧૮માં સમગ્ર જિલ્લામાં ૧.૫૦લાખ વૃક્ષો વાવવામાં આવ્યા હતા.

સાથે “એક બાળ એક ઝાડ” મંત્રના ૧૦,૦૦૦ જેટલા લોગો છપાવી સમગ્ર જિલ્લાના શિક્ષકોના વાહનો પર લગાવામાં આવ્યા હતા. આચાર્ય વધુમાં જણાવે છે કે તેઓ ૧૫મી ઓગષ્ટ પહેલા વૃક્ષારોપણ કરાવે છે અને ૨૬ જાન્યુઆરીએ તેનો સર્વે થાય છે જે બાળકે વાવેલુ વૃક્ષ ઉછરે તે બાળકને ઇનામ પણ આપવામાં આવે છે. આ સાથે તેઓ રક્ષાબંધન પણ વૃક્ષો સાથે મનાવે છે. બાળકો વૃક્ષને રાખડી બાંધી તેને ઉછેરવાનુ પ્રણ લે છે.

શાળાના બાળકો પણ વૃક્ષારોપણ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહ અને પ્રેમથી કરે છે. શાળાના બાળકોને વૃક્ષોનુ મહત્વ સમજાય સાથે સાથે પાણીનુ મૂલ્ય પણ સમજે તે માટે વૃક્ષોને પાણી આપવા તેમને ટપક સિંચાઇ પધ્ધતિ અપનાવી છે જેથી બાળકો પ્રકૃતિ સાથે વૈજ્ઞાનિક અભિગમ પણ કેળવી શકે.

શિક્ષકનુ કામ કેળવણી આપવાનુ છે. ભારતીય સંસ્કૃતિમાં સપ્તઋષિઓ પૂજનીય છે. આ શાળાના દરેક ઓરડાને એક એક ઋષિનુ નામ આપવામાં આવ્યું છે. શિક્ષક-ગુરુ છે તે ભારતીય પરંપરામાં શ્રેષ્ઠ સ્થાન ધરાવે છે. આ શાળાના શિક્ષકો ગામમાં સંસ્કારનુ ઉમદા કામ પણ કર્યું છે. ગામ લોકો માટે આ શાળા મંદિર બની છે.

શાળાના એક નાનકડા પ્રયાસે આ વખતે સમગ્ર ગુજરાતને હરિયાળો બનાવા આપણી સંવેદનશીલ સરકાર દ્રારા રાજ્યની તમામ શાળાઓમાં આગામી ૧૫મી ઓગષ્ટના રોજ એક કરોડ વૃક્ષોનો લક્ષાંક આપી લીલાવંટા પ્રાથમિક શાળાના હરિયાળા ગુજરાતના સ્વપ્નને પાંખો આપી નવાજ્યું છે.

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી