આમ તો ગુજરાતમાં દારૂબંધી, પણ ગીફ્ટ સિટીને…

મૂડી રોકાણ આકર્ષવા છૂટછાટ આપવાની ચાલી રહી છે વિચારણા..

ગાંધીનગરમાં આવેલી ગિફ્ટ સિટીમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ફાઈનાન્સ અને ટેક્નોલોજી કંપનીઓને તેમજ ટોચના ટેલેન્ટને આકર્ષવા માટે ગુજરાત સરકાર દારુબંધીના કાયદામાં છૂટછાટ આપવા વિચાર કરી રહી છે. એક વરિષ્ઠ અધિકારીએ આ અંગે પોતાનું નામ ના આપવાની શરતે એક અખબારને જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટીમાં ‘ઈવનિંગ સોશિયલ લાઈફ’ ઓફર કરવા માટે આ અંગે જલ્દી નિર્ણય લેવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, ભારત તેમજ વિદેશોમાં ફાઈનાન્સ કે પછી ટેક્નોલોજી હબ્સમાં પ્રોફેશનલ્સમાં પબ કલ્ચર સામાન્ય વાત છે.

ગિફ્ટ સિટીમાં દારુબંધીમાં છૂટછાટ આપવાની દરખાસ્ત એવા સમયે આવી છે કે જ્યારે કેન્દ્ર સરકાર પણ તેને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્થાપિત કરવા પ્રયાસરત છે. દેશનું પહેલું ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસ સેન્ટર આવેલું છે. 27 સપ્ટેમ્બર 2020ના રોજ ગિફ્ટ સિટીના મેનેજમેન્ટ દ્વારા નશાબંધી અને આબકારી વિભાગના સુપ્રિન્ટેન્ડેન્ટને પત્ર લખીને ગિફ્ટ સિટી સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં દારુબંધીમાં છૂટછાટ માગી હતી. ગુજરાતના પ્રોહિબિશન એક્ટ, 1949 અંતર્ગત કલમ 139 (1) (c), 146 (b) અને 147 હેઠળ આ છૂટછાટ મગાઈ હતી.

હાલના કાયદા અનુસાર, ગુજરાતમાં બહારથી આવનારા પ્રવાસીઓને લીકર પરમિટ ઈશ્યૂ કરવામાં આવે છે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, સેઝમાં પણ હાલના નોટિફિકેશન અનુસાર ત્યાં રહેતા રેસિડેન્ટ્સને લીકર પરમિટ મળે છે. જોકે, દેશના અન્ય રાજ્યો અને વિદેશોની સરખામણીએ તેમાં ખાસ્સી ભિન્નતા પ્રવર્તે છે. તેવામાં ગિફ્ટ સિટી જેવા ક્ષેત્રમાં ઈવનિંગ સોશિયલ લાઈફ ઉભી કરવા માટે લીકર બાર તેમજ વાઈન એન્ડ ડાઈન ફેસિલિટી ઉભી કરવી જરુરી છે. દેશ તેમજ વિદેશમાંથી ટેલેન્ટને ગુજરાતમાં આકર્ષિત કરવા માટે અન્ય ફિનટેક સેન્ટર્સની માફક ગિફ્ટ સિટીમાં પણ તેવું કલ્ચર ઉભું કરવું જરુરી છે.

સૂત્રોનું માનીએ તો સીએમ ઓફિસમાં આ દરખાસ્ત વિચારણા હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં જાન્યુઆરી 2022માં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજાવા જઈ રહી છે, જેમાં મોટી સંખ્યામાં દેશ-વિદેશથી મહાનુભાવો ભાગ લેવા આવવાના છે. 20 સપ્ટેમ્બર 2021ના રોજ ચીફ સેક્રેટરીએ શહેરી વિકાસ વિભાગના એ. ચીફ સેક્રેટરીને એક પત્ર લખીને ગિફ્ટ સિટી અને તેની આસપાસના વિસ્તારના ડેવલપમેન્ટની વિગતો અંગે રોડમેપ આપ્યો હતો. આ પત્રમાં રસ્તાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવું, રિવરફ્રંટને ગાંધીનગર સુધી લંબાવવા ઉપરાંત ફિનટેક ઈન્સ્ટિટ્યૂટ ઉભી કરવાની વિગતો સામેલ હતી.

 47 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી