September 20, 2021
September 20, 2021

ગુજરાતીઓ લોકોમાં CNG કાર વધુ ફેવરીટ

વેચાણમાં 143%નો રેકોર્ડબ્રેક વધારો

ગુજરાતમાં સીએનજી વાહનોની માંગ વધતાં તેની અસર ગેસની માગ પર જોવા મળી રહી છે. જેની પાછળ મુખ્ય રુપે બે પરિબળો જવાબદાર છે એક પેટ્રોલ ડીઝલના ભડકે બળતાં ભાવ અને બીજુ BS-VI રોલઆઉટ પછી ભારત સ્ટેજ (BS) ઉત્સર્જનના ધારાધોરણોમાં ફેરફાર. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર, ગુજરાતમાં 2021 માં 1 જાન્યુઆરીથી સપ્ટેમ્બર 9 દરમિયાન 15,175 સીએનજી સંચાલિત વાહનો નોંધાયા છે જે પાછલા ચાર વર્ષ 2017 થી 2020 સુધીના સમયગાળામાં નોંધાયેલા કુલ 6,226 સીએનજી વાહનોની સામે 143% જેટલો વધારો દર્શાવે છે.

રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO) ના અધિકારીઓએ CNG વાહનોની માગમાં આવેલા આ અચાનક ઉછાળા માટે પેટ્રોલ ડીઝલ સહિતના ઈંધણની કિંમતોમાં વધારો તેમજ BS-VI સુસંગત વાહનોમાં CNG કિટ બહારથી ફીટ કરવા પર લગાવવામાં આવેલા પ્રતિબંધને જવાબદાર ગણાવ્યા છે. તેનાથી ખરા અર્થમાં કંપની દ્વારા ફીટ થયેલા સીએનજી વાહનોનું વેચાણ અભૂતપૂર્વ રીતે વધ્યું છે. રાજ્ય પરિવહન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં CNG વાહનો માટેનો આ ટ્રેન્ડ દેશમાં વધતી જતી પસંદગીને પ્રતિબિંબિત કરે છે.

મહત્વનું છે કે ગઈકાલે એટલે કે 10 સપ્ટેમ્બર શુક્રવારના રોજ અમદાવાદ બજારમાં પેટ્રોલની કિંમત 98.04 રુપિયા પ્રતિ લીટર હતી જ્યારે ડીઝલની કિંમત 95.49 રુપિયા પ્રતિ લીટર હતી. આ વર્ષે 15 એપ્રિલથી ઇંધણની કિંમતો સતત વધી રહી છે, જેની સીધી અસર દરરોજ ઓફિસ જવા સહિતના ટ્રાવેલિંગ કરતાં લોકોના ખિસ્સા પર પડે છે. આ સાથે કારની માલિકી ધરાવવાની કિંમતમાં પણ વધારો કરે છે.

 45 ,  1