નડ્ડાજી, કંઇક કરો.. ભાજપના કાર્યકરો કાંઇ આતંકીઓની ગોળી ખાવા માટે સર્જાયા નથી…..!!

કાશ્મીરમાં કેસરી ઝંડો પકડનારની હત્યા એક ખતરનાક પરિમાણ…

9 મહિનામાં ભાજપના 9 કાર્યકરોની હત્યા પક્ષ માટે ચિંતાજનક-કાર્યકરોમાં લાગણી

આતંકીઓની ધમકી- જો ભાજપની સાથે રહેશો તો ગોળી મળશે….

ભાજપ કે કોંગ્રેસ તમામ પક્ષોમાં કાર્યકરો મૂડી છે, જેને સાચવો..

કાશ્મીર-કેરળ અને પ.બંગાળમાં કેસરી બ્રિગેડ નિશાને પર…

(નેટડાકિયા-ખાસ અહેવાલ).

દેશસેવા માટે સમરપિત ભાજપના 3 કાર્યકરોની કાશ્મીર ખીણ પ્રદેશમાં એક સાથે હત્યા કરી દેવામાં આવી છે. પાકિસ્તાન પ્રેરિત કોઇ નવા સવા આતંકી સંગઠન દ્વારા ભાજપના 3 કાર્યકરોની હત્યા કરીને ખીણ પ્રદેશમાં જેઓ કેસરિયા બ્રિગેડ ભાજપ સાથે જોડાયેલા છે તેમને એક રીતે ધમકી પણ આપી છે કે જો ભાજપની સાથે રહેશો તો ગોળી મળશે. ભાજપના જમ્મુ પ્રાંતના અધ્યક્ષ રૈનાએ શપથ લીધા છે કે ભાજપના આ કાર્યકરોનું બલિદાન એળે નહીં જાય અને તેનો ચોક્કસ બદલો લેવામાં આવશે,. અને બદલો લેવાવોપણ જોઇએ કેમ કે ખીણ પ્રદેશમાં ભાજપના કાર્યકરો કાંઇ આતંકીઓની ગોળીઓ ખાવા માટે જોડાયા નથી. પરંતુ પોતાના પ્રદેશના વિકાસ માટે કેસરીયો ધારમ કર્યો છે, જે આતંકીઓને પસંદ નથી.

કેરળમાં ભાજપના એવા સતત આરોપો રહ્યાં છે કે સામ્યવાદી પક્ષની સરકારના ઇશારે કેરળમાં ભાજપના કાર્યકરોની હત્યાઓ થાય છે. પ.બંગાળમાં પણ ભાજપના કાર્યકરોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. કાશ્મીરમાં ભાજપ પીડીપીની સાથે સત્તામાં હતું ત્યારે શક્ય છે કે સ્થાનિક ઘણાં કાશ્મિરી યુવાનો ભાજપમાં જોડાયા હશે. તેમાંથી ઘણાંને પદાધિકારીઓ પણ બનાવવામાં આવ્યાં અને ભાજપનો પ્રચાર પ્રસાર કરી રહ્યાં છે.

કાશ્મીર ખીણ પ્રદેશમાં ભાજપની એન્ટ્રી ધમાકેદાર રહી છે અને સ્થાનિક લોકોમાં ભાજપને મળતા આવકારથી પાક. પ્રેરિત આતંકીઓને તે નહીં ગમ્યું હોય તેથી ભાજપના કાર્યકરોને નિશાન બનાવીને હત્યાઓનો સિલસિલો શરૂ કર્યો છે. એક સાથે 3 કાર્યકરોની હત્યાથી દેશનું ધ્યાન તે તરફ ખેંચાય તે સ્વાભાવિક છે. આ અગાઉ ભાજપના 6 કાર્યકરોની એક પછી એક સમયાંતરે હત્યા કરવામાંઆવી છે. અને કુલ મળીને કહે છે કે ભાજપના 9 કાર્યકરોને ખીણ પ્રદેશમાં આતંકીઓ દ્વારા મારી નાંખવામાં આવ્યાં છે.

ભારત એક લોકશાહીને વરેલો દેશ છે, અહીં કોઇપણ પુખ્તવયની વ્યક્તિને કોઇપણ રાજકિય પક્ષમાં જોડાવવાનો અધિકાર છે. એ જ માર્ગે ચાલીને ખીણ પ્રદેશમાં સંખ્યાબંધ યુવાનો ભાજપમાં જોડાતા સ્થાનિક સ્તરે ભાજપનું સ્થાન મજબૂત બની રહ્યું છે અને તેનાથી ગભરાઇને જ આતંકીઓએ તેમને નિશાન બનાવ્યાં હોવાની ધારણા છે. જો કે એક સાથે 3 કાર્યકરોની હત્યાથી ભાજપની નેતાગીરી પણ દુખ વ્યક્ત કરે છે. પરંતુ હવે સરકાર અને ખીણ પ્રદેશમાં કાયદો-વ્યવસ્થાની જવાબદારી સંભાળનારનારાઓએ ભાજપના સ્થાનિક સંગઠનના કાર્યકરો અને જેઓ પદ પર છે અને આતંકીઓના નિશાન પર છે તેમને પૂરતુ રક્ષણ આપવુ જોઇએ.

ભાજપ હોય કે કોંગ્રેસ કોઇપણ કાર્યકર કે નેતાની હત્યા ચલાવી શકાય નહીં. 31 ઓક્ટોબર 1984ના દિવસે જ કોંગ્રેસના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા ઓપરેશન બ્લ્યૂ સ્ટારનો બદલો લેવા કરવામાં આવી હતી. પીએમ હોય કે કોઇ નાનો કાર્યકર તેની હત્યા ચલાવી શકાય નહીં. કાશ્મિરમાં ભાજપના 3 કાર્યકરોની એક સાથે હત્યાથી પક્ષના અધ્યક્ષ જે.પી. નડ્ડાને ચોક્કસ પીડા થઇ હશે. તેમણે ખીણ પ્રદેશમાં કે કેરળમાં કે બંગાળમાં એક પણ કાર્યકરની હત્યા ના થાય તેવી જડબેસલાક વ્યવસ્થા ગોઠવવી પડશે.

કાશ્મીર ખીણ પ્રદેશમાં આતંકીઓ અત્યારસુધી આપણાં જવાનોને નિશાન બનાવતા હતા. પરંતુ હવે જવાનોની સાથે સાથે જે યુવાનો ભાજપની સાથે જોડાયા છે, તેમને પણ હવે નિશાન બનાવી રહ્યાં છે. જે ખરા અર્થમાં ઘાતક અને ખતરનાક છે. ભાજપે કેન્દ્ર સરકાર અને કાશ્મીરના સત્તાવાળાઓને કહીને ખીણ પ્રદેશમાં કે અન્યત્ર ભાજપના એકપણ કાર્યકરની હત્યા ના થાય તેવું આયોજન કરવુ પડશે. અન્યથા 3 કાર્યકરોની હત્યાના પ્રત્યાઘાતરૂપે, કેટલા કાર્યકરોએ, જાન હૈ તો જહાન હૈ…સૂત્ર અપનાવીને ભાજપમાંથી નિકળી જવાનું પસંદ કર્યું છે તેમ બીજા કાર્યકરો પણ પક્ષને રામ રામ કરશે તો…?

કોઇપણ પક્ષમાં કાર્યકર એ પક્ષની મૂડી સમાન હોય છે. ખીણ પ્રદેશમાં આ સ્થાનિક યુવાનોએ જ ભાજપના પોસ્ટરો ચોંટાડવાનું કામ કર્યું હશે. ચૂંટણીમાં ભાજપનો પ્રચાર કર્યો હશે. પરંતુ તેના બદલામાં તેમને ગોળી મળી છે. ભાજપના કાર્યકરોની એવી લાગણી હોઇ શકે કે ખીણ પ્રદેશમાં પક્ષ માટે શહીદ થયેલા કાર્યકરોની મોતનો બદલો લઇને આતંકવાદનો સફાયો કરી નાંખવો. જોઇએ. જો બદલો નહીં લેવાય તો શ્રીનગરમાં ભાજપના પોસ્ટર લગાડવા માટે કોઇ સ્થાનિક યુવાન તૈયાર નહીં થાય તે નિર્વિવાદ છે.

-દિનેશ રાજપૂત

 53 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર