મિત્રને આપેલા ઉછીના પૈસા પરત માગ્યા તો છરી મારી હત્યાનો પ્રયાસ કર્યો

રખિયાલ પોલીસ મથકમાં ફરિયાદ બાદ ફરાર આરોપીની શોધખોળ

મિત્રને મળવા બોલાવી કશુ જ કહ્યાં વગર ગળામાં છરી મારી દીધી

મિત્રને આપેલા ઉછીના પૈસાની ઉઘરાણી મિત્રએ કરી હતી. જેથી ઉછીના પૈસા લેનાર મિત્રએ તેને મળવા બોલાવ્યો હતો. મિત્રને યુવક મળવા ગયો ત્યારે ઉછીના પૈસા લેનારે કશું જ કહ્યા વગર ગળામાં છરી મારી હતી. જ્યારે અન્ય શખસે પણ છાતીમાં ઘા માર્યા હતા. ત્યારબાદ તેઓ ત્યાંથી પલાયન થઇ ગયા હતા. ત્યારબાદ લોહીલુહાણ હાલતમાં યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે રખિયાલ પોલીસે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી ફરાર થયેલા હુમલાખોરોની તપાસ શરૂ કરી છે.

શહેરના રખિયાલ વિસ્તારમાં જફરઅલી અખતરઅલી પઠાણ પોતાના પરિવાર સાથે રહે છે અને તેમના જ વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં કામ કરે છે. જફરઅલીની ચાલીમાં હસનઅલી સોકતઅલી શેખ રહે છે અને તે જફરઅલીનો મિત્ર થાય છે. જફરઅલીએ હસનઅલીને બે વર્ષથી ટુકડે ટુકડે પૈસા આપ્યા હતા. પરંતુ પૈસા પરત માંગતા તે બહાના કાઢતો હતો.

ગઇકાલે સાંજે છ વાગ્યે જફરઅલીએ હસનઅલીને ફોન કર્યો હતો અને પૈસાની માંગણી કરી હતી. ત્યારે તેણે જણાવ્યું હતું કે, હું હમણાં આવું છું. પરંતુ તે મળવા આવ્યો ન હતો. જેથી હસનઅલીએ બેથી ત્રણ વાર ફોન કર્યા હતા પરંતુ તે આવ્યો નહીં. રાત્રે જફરઅલીએ ફરી ફોન કર્યો ત્યારે હસનઅલીએ જણાવ્યું હતું કે, ગેરજ પર આવો હું ત્યાં આવું છું. જેથી જફરઅલી ચાલતો ગેરેજ પર જઇ રહ્યો હતો. ત્યારે એક રીક્ષામાં હસનઅલી અને ચાલક રસ્તામાં આવ્યા હતા. જફરઅલીને જોઇ તેમણે રીક્ષા ઉભી રાખી હતી અને કંઇ પણ કહ્યાં વગર હસનઅલીએ જફરઅલીને ચાકુના ઘા ગળા પર મારી દીધો હતો. આ સમયે તેની સાથે રહેલ અજાણ્યા રીક્ષા ચાલકે પણ છાતીના ભાગે બે ચાકુના ઘા મારી દીધા હતા. જેથી લોહીલુહાણ હાલતમાં જફરઅલી નીચે પટકાયો હતો.

આ સમયે બુમાબુમ થતા આસપાસના લોકો એકત્ર થઇ જતા હસનઅલી અને તેની સાથે આવેલ વ્યક્તિ ત્યાંથી પલાયન થઇ ગયા હતા. ત્યારબાદ 108 મારફતે શારદાબહેન હોસ્પિટલમાં જફરઅલીને દાખલ કરવામાં આવ્યો હતો.

આ અંગે રખિયાલ પોલીસને જાણ કરતા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. આ મામલે જફરઅલીએ હસનઅલી અને તેની સાથે આવેલા અજાણ્યા વ્યક્તિ સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

 49 ,  1