બગરામને અમેરિકાના છેલ્લાં રામરામ..હમ તો ચલે…!

અફઘાનમાંથી અમેરિકન સૈન્યની છેલ્લી ટુકડી રવાના..

તાલિબાનોએ 100 જિલ્લા તો કબ્જે કરી નાંખ્યા..

તાલિબાનો પાકિસ્તાનનું રંમકડુ..કોની સામે ઉપોયગ કરશે..?

તાલિબાન અને કંદહાર ઘટનાથી ભારત અપરિચિત નથી..

અજીત ડોવલ અને એસ. જયશંકરે સતર્ક રહેવુ પડશે..

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

1996માં રશિયાએ અફઘાનિસ્તાનમાંથી વિદાય લીધી ત્યારે અમેરિકાએ સ્વપ્ને પણ નહીં વિચાર્યું હોય કે પાંચ વર્ષ પછી બનનારી ઘટનાને કારણે અમેરિકાના અભિમાનના લીરેલીરા થઇ જશે અને એક આતંકી સંગઠનને ખતમં કરવા મોટા મોટા પહાડો અને રણથી ભરપૂર એવા સાવ સૂકા પ્રદેશમાં પોતાના હજારો સૈનિકોને ઘણાં વર્ષે સુધી રાખવા પડશે…! અભિમાન એ હતું કે અમેરિકા પર કોઇ આતંકી હુમલો થઇ જ ના શકે…! અને થયો …

1947 પહેલાં ભારતની સીમાં છેક અફઘાનિસ્તાન સુધી હતી. ભાગલા બાદ એ સીમા પાકિસ્તાન સુધી આવી ગઇ. વાજપેયીના છેલ્લાં કાર્યકાળમાં ઇન્ડિયન એરલાઇન્સની કાઠમંડુથી દિલ્હીની ફલાઇટ નં. 814ના વિમાનના અપહરણ બાદ તેને કંદહાર લઇ જવુ તેને લઇને અફઘાનિસ્તાન અને તાલિબાનો ભારતમાં વધારે જાણીતા બન્યા હતા.. 11, સપ્ટેમ્બર,2001ના રોજ અમેરિકામાં થયેલો આતંકી હુમલો 9/11 નાઇન ઇલેવન તરીકે ઓળખાય છે. અલ કાયદા અને તેના મુખ્ય સૂત્રધાર આતંકી ઓસામા બિન લાદેનનો આ હુમલા પાછળ હાથ હોવાનું અને અલ કાયદાની સાથે તાલિબાનો અને તાલિબાનો એટલે અફઘાનિસ્તાન. અને પછી સીઆઇએ અને પેન્ટાગોનની શરૂ થઇ કાબુલ પહોંચવાની દોડ. કાબુલ એટલે અફઘાનિસ્તાની રાજધાની.

લાદેનને હણીને નાઇન ઇલેવનના આતંકી હુમલાનો બદલો લેવા અમેરિકા જેવા અમેરિકાને 10 વર્ષ લાગ્યા હતા….! ત્યાં સુધી સીઆઇએ અને લાદેન વચ્ચે સંતાકુકડીની રમત રમાતી હતી. પણ ઓબામાના કાર્યકાળમાં લાદેન પાકિસ્તાનમાં તેના જ છુપા ઘરની અંદર ઠાર મરાયો. લાદેનને હણી નાંખ્યા બાદ તેના સંગઠનનો સફાયો કરવામાં અને અફઘાનિસ્તાનમાંથી તે પછી નિકળતા નિકળતા અમેરિકાને બીજા 10 વર્ષ એટલે કુલ 20 વર્ષ સુધી અમેરિકાના સૈનિકો અને સૈન્ય સામગ્રીને કાબુલમાં ધામા નાંખવા પડ્યા. એટલુ જ નહીં બગરામ એરપોર્ટથી એક કલાકના અંતરે સૈનિકો માટે એક નવુ શહેર વસાવ્યુ. બગરામ એરપોર્ટ અમેરિકાના સૈન્યદળ માટે વ્યૂહાત્મક સ્થળ હતું.

ક્યાં સુધી અફઘાનિસ્તાનની સુકી ધરતી, સુકા હવામાનમાં ગોરા સૈનિકોને તાપમાં તપાવવા અને તાલિબાનોની ગોળીઓના શિકાર બનાવવા..? અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ ઓબામા વખતે લેવાયેલો નિર્ણય ટ્ર્મ્પે આગળ વધાર્યો અને વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડને અમલ કર્યો અને 4 જુલાઇએ અમેરકિકાના 245મા સ્થાપના દિનની પૂર્વ સંધ્યાએ અમેરિકાના સૈનિકોએ બગરામ એરપોર્ટને અફઘાન સરકારને સોંપી દિધો અને તેની છેલ્લી ટુકડી પણ કાબુલીવાલાની ધરતી પરથી અમેરિકા જવા રવાના થઇ ગઇ…

લાદેનને હણવા અફઘાનિસ્તાનમાં અમેરિકાએ તાલિબાનો સાથેની લડાઇમાં 2300 કરતાં વધુ સૈનિકો ગુમાવ્યા અને લગભગ 816 અબજ ડોલરનો ખર્ચ કર્યો…! જે કોઇ અમેરિકનને મારશે અમેરિકા તેને છોડશે નહીં…પાતાળમાંથી પણ તેને શોધી કાઢીને ન્યાય કરશે એવી અમેરિકાની નીતિ.. લાદેનને શોધવાનું કામ ખરેખર પાતાળમાંથી ખેંચી કાઢવા સમાન હતું. 10 વર્ષ સુધી અમેરિકન એજન્સીઓ ધીરજના ફળ મીઠાની નીતિ અપનાવીને લાદેનની નજીક સરી રહી હતી અને ડોલરના સહારે પાકિસ્તાનનું મોઢુ બંધ કરીને લાદેનનો ખેલ ખત્મ.

અમેરિકાની વિદાય બાદ અફઘાનમાં હવે તાલિબાનોનો ફરી નવો ખેલ શરૂ થઇ ગયો છે. તાલિબાનો એટલે આતંકી. એકે- 46 એસોલ્ટ રાઇફલના શોખીન. જીપ્સી વેનમાં ફરવુ અને પોતાની ધાક બેસાડવી. અમેરિકાએ તાલિબાનોનો ખાસ્સો સફાયો કર્યો હતો પણ અમેરિકાથી દબાયેલા અને સંતાયેલા તાલિબાનો અમેરિકાની વિદાય બાદ પાછા મેદાનમાં…! અફઘાનિસ્તાનના 412 જિલ્લાઓમાંથી 100 જિલ્લામાં તાલિબાનોનો કબજો થઇ ગયો છે. અફઘાનને બચાવવા હવે કોણ આવશે..? રશિયા કે ચીન…? અફઘાનમાંથી અમેરિકાની વિદાયથી ભારતને અસર થાય…?

પાકિસ્તાન-અફઘાન-તાલિબાન પર નજર રાખનારા નિષ્ણાતોનું માનવુ છે કે પાકિસ્તાન તાલિબાનોનો ઉપયોગ ભારતને પરેશાન કરવા માટે કરશે. તાલિબાનો પાકિસ્તાનના ઇશારે ચાલે છે. બની શકે કે ભારતમાં ખાસ કરીને કાશ્મિરમાં આતંકી હુમલા વધી શકે, વાજપેયી વખતે પાકિસ્તાનના ઇશારે ભારતના વિમાનનું અપહરણ થયું તેમ ફરીથી પાકિસ્તાન એવી કોઇ નાલાયકી કરી શકે. કાશ્મિરમાં કોઇ મોટા કાવતરાંને અંજામ આપી શકે..પણ અમેરિકાને તેની શું કામ ચિતા હોવી જોઇએ…..? અમેરિકાનું તો કામ થઇ ગયું. લાદેન હણાયો..અલ કાયદા કાગળ પર છે અને તાલિબાનો કાંઇ એમની સમસ્યા નહીં પણ અફઘાન સરકારની છે…હમ તો ચલે…!!

કાબુલ ભલે ભારતથી હજારો કિ.મી. દૂર છે પણ તેની નજીકમાં પાકિસ્તાન અને પાકિસ્તાનની નજીકમાં ભારત અને ભારત પ્રત્યેની નાપાક દુશ્મનાવટને જોતાં કાશ્મિરમાં આગામી સમયમાં તાલિબાન આતંકી ઝડપાય તો નવાઇ નહીં. ભારતમાં શાંતિ રહે એમ અમેરિકા અને ફ્રાન્સ નથી ઇચ્છતુ….! જો તેમ ના હોત તો અમેરિકાએ ભારતને કોવિડની રસી માટે જરૂરી કાચો માલ આપવામાં આનાકાની કરી ના હોત અને ફ્રાન્સે ભારતમાં રાજકિય ઉથલપાથલ મચાવવા રફાલ વિમાન સોદાની તપાસ માટે જજની નિમણૂંક કરી ના હોત…!!

પ્યોર ભી..સ્યોર ભી..પૂર્ણ ધંધાદારી દેશ અમેરિકાને ભારતમાંથી એમેઝોનની જેમ અબજોનો ધંધો મળે તો વેરી ગુડ વેરી ગુડ…અને ફ્રાન્સને રફાલનો 59 હજાર કરોડનો ધીકતો ડિફેન્સ ધંધો મળ્યો તો તપાસ શરૂ કરી…વેરી બેડ…વેરી બેડ….!

 66 ,  1