ભાગીદારીમાં ધંધો કરવાનું કહી વેપારીને 42 લાખમાં નવડાવી શખ્સ ફરાર

સરખેજ પોલીસે વેપારીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

વેપારીને વિશ્વાસમાં લઇ ધંધામાં રોકાણ કરવાનું કહી ભાગીદારે અલગ અલગ આઠ બેંકોના ક્રેડીટ કાર્ડ મારફતે 42 લાખથી વધુની છેતરપિંડી કરી હાવોની ફરિયાદ સરખેજ પોલીસ સ્ટેશનમાં નોધાઇ છે.

શહેરના ફતેવાડી વિસ્તારમાં રહેતા કામીલખાન શેખ ફેબ્રિકેશનનો વેપાર કરે છે. વર્ષ 2017માં ફરિયાદી વેપારીને જીશા પઠાણ નામના શખ્સ સાથે પરિચય થયો હતો. આ દરમિયાન જીશાએ હું ફેશન ડીઝાનરીંગનું કામ કરૂ છું તેમ કહી ભાગીદારીમાં કાપડનો ધંધો કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જીશાએ વેપારીને વિશ્વાસમાં લઇ કહ્યું, બંન્ને જણા ભાગીદારીમાં કાપડનો વેપાર કરીશું, જેમાં તમારે પૈસાનું રોકાણ કરવાનું રહેશે અને હું મજુરીકામ અને ધંધો સંભાળીશ.

જીશાની વાતમાં સહમત થઇ વેપારીએ આધારકાર્ડ, પાનકાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટા તેમજ સહીવાળા કોરા ચેક આપ્યા હતા. ત્યારબાદ જીશાએ ચાર વર્ષની અંદર કાપડ ધંધામાં રોકાણ કરાવાનું કહી આશરે 24 લાખ મેળવી લીધા હતા. જ્યારે ફરિયાદી વેપારીએ રોકાણ કરેલા રૂપિયાના નફા તથા મૂડી બાબતે વાત કરતા જીશો ગલ્લા તલ્લા કરી ઉડાઉ જવાબ આપતો હતો. અને કહેતો હતો કે આપણે જે જગ્યાએ કપડાનો માલ વેચલ છે તેનું પેમેન્ટ આવવાનું બાકી છે. જ્યારે આવશે ત્યારે હું નફા સહિત મૂડી ચુકવી આપીશ.

જો કે આખરે સંતોષકારક જવાબ ન મળતા વેપારીએ તપાસ કરી હતી. જેમાં જીશાએ અલગ અલગ આઠ બેન્કોના ક્રેડીટ કાર્ડ કઢાવી 18.62 લાખ જેટલી રકમ ખર્ચ કરી હોવાનું જાણવા મળ્યું હતું. જીશાએ ચાર વર્ષની અંદર ધંધામાં રોકાણ કરવાનું કહી 23.97 લાખ પડાવી જાણ બહાર અલગ અલગ ક્રેડિટ કાર્ડ મારફતે રૂપિયા 18 લાખ 62 હજાર ખર્ચ કરી કુલ 42 લાખ 59 હજારની છેતરપીંડી આચરી છે.

આ મામલે વેપારીએ આરોપી જીશા પઠાણ વિરૂદ્ધ વિશ્વાસખાત કરી છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી કાર્યવાહીની માંગ કરી છે.

 15 ,  1