કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે સંસદનું ચોમાસું સત્ર 19 જુલાઈથી થશે શરૂ

સત્રમાં 20 બેઠકો યોજાવાની સંભાવના

કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેરની આશંકા વચ્ચે સંસદનું ચોમાસું સત્ર 19 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી યોજાશે તેમ લોકસભા સચિવાલયે જણાાયું છે. આ અગાઉ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ટ્વિટર પર જણાવ્યું હતું કે, સંસદનું આગામી ચોમાસું સત્ર 19 જુલાઇથી 13 ઓગસ્ટ દરમિયાન યોજાશે. જોકે, તેમણે ગૃહની કાર્યવાહીના સમય અંગે માહિતી આપી ન હતી.

મહત્વનું છે કે, કોરોના મહામારી બાદ સંસદના બંને સત્રોની કાર્યવાહી માટેની સમય મર્યાદા ઘટાડી દેવામાં આવી હતી. આ પહેલા 29 જૂને સૂત્રોના હવાલેથી જાણવા મળ્યું હતું કે, સંસદનું ચોમાસું સત્ર 19 જુલાઇથી શરૂ થવાની અને 13 ઓગસ્ટે સમાપ્ત થવાની સંભાવના છે.

સાથે જ જણાવ્યું હતું કે, ચોમાસુ સત્ર દરમિયાન 20 બેઠકો યોજાવાની સંભાવના છે. જે લગભગ એક મહિના સુધી ચાલી શકે છે. સામાન્ય રીતે સંસદનું ચોમાસું સત્ર જુલાઈના ત્રીજા અઠવાડિયાથી શરૂ થાય છે અને સ્વતંત્રતા દિવસ પહેલા સમાપ્ત થાય છે.

ગયા મહિને સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ પટેલે કહ્યું હતું કે, કોરોનાની બીજી લહેર વચ્ચે સરકારે સંસદનું ચોમાસું સત્ર જુલાઇના તેના સામાન્ય સમય મુજબ શરૂ થાય તેવી આશા વ્યક્ત કરી છે. કોરોના વાયરસ મહામારી શરૂ થઈ ત્યારથી સંસદના ત્રણ સત્રોનો સમયગાળો ઘટાડવામાં આવ્યો છે. સરકારે ગયા વર્ષે આખું શિયાળુ સત્ર રદ કર્યું હતું. જ્યારે ચોમાસું સત્ર સપ્ટેમ્બરમાં શરૂ થયું હતું. જે સામાન્ય રીતે જુલાઈમાં શરૂ થાય છે.

 14 ,  1