કર્ફયુની સામે માતા અને માનવતા હારી ગયા..! બાળકીનું મોત

માતા બાળકી ખભે ઊંચકી હોસ્પિટલ તરફ દોડી પરંતુ સારવાર મળે એ પહેલાં રસ્તામાં દમ તોડ્યો

માતા બાળકીને ખભે લઇને હોસ્પિટલ દોડી, વાહન નહી મળતા રસ્તામાં જ મોત

સુરતના પાંડેસરાના વાલકનગરમાં રહેતી અર્ચના નામની 5 વર્ષીય દીકરીને ગઈકાલે રાત્રે એકાએક ઝાડા-ઊલટી થતાં તેની તબિયત લથડી હતી. જો કે રાત્રી કર્ફયુને કારણે વાહન વ્યવહાર ઠપ હોવાથી માતાએ પોતાની વહાલસોયી દીકરીને ઊંચકીને હોસ્પિટલ લઈ જવા માટે નીકળી હતી પરંતુ કર્ફ્યૂનો સમય હોવાથી બહાર કોઈ વાહન મળ્યું ન હતું. તેમ છતાં હિંમત હાર્યા વગર હોસ્પિટલ તરફ દોડ મૂકી હતી.જોકે બાળકીને સારવાર મળે એ અગાઉ જ તેનું મોત થયું હતું.

મળતી માહિતી મુજબ માતા બાળકીને પોતાના ઘરેથી લઈને અંદાજે પાંચેક કિલોમીટરથી વધુ સોસિયો સર્કલ સુધી ચાલીને આવી ગઈ હતી. હવે ત્યાંથી માત્ર દોઢેક(1.5કિમી) દૂર જ સિવિલ હોસ્પિટલ હતી. પરંતુ એ અગાઉ જ બાળકીએ દમ તોડી દીધો હતો. જેથી માતાએ રસ્તા વચ્ચે જ હૈયાફાટ રૂદન કરવાનું શરૂ કરી દીધું હતું. બાળકીના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો થયો છે.

નગરથી સિવિલ હોસ્પિટલ પહોંચતાં પહેલાં જ રસ્તામાં બાળકીએ શ્વાસ છોડી દીધો હતો. રાત્રિના સમયે પિતા કામ પરથી ઘરે પરત ફર્યા ન હતા અને બીજી તરફ કર્ફ્યૂનો સમય શરૂ થઈ ગયો હતો, જેથી બસ કે ઓટોરિક્ષા પણ માતાને પોતાની દીકરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા માટે મળી ન હતી. આર્થિક સ્થિતિ નબળી હોવાથી માતા પાસે મોબાઈલ ફોન ન હોવાને કારણે તે 108માં પણ ફોન કરી શકી ન હતી.

 21 ,  1