અંબાજીમાં હોટલ માલિકની હત્યાનો ભેદ ઉકેલાયો, એક કાતિલને ઝડપી લેવાયો

4 ઓક્ટોબરના રોજ હોટલ માલિકની ગબ્બર નજીકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી

અંબાજી ખાતે છાપરી ગામની સીમમાં ગબ્બર નજીક સનસેટ પોઈન્ટ પર 10 દિવસ પહેલા થયેલી હોટલ માલિકની ઘાતકી હત્યાનો ભેદ ઉકેલી પોલીસે એક કાતિલને ઝડપી લીધો છે. જ્યારે અન્ય ત્રણ ફરારોને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, ગબ્બર નજીકથી હોટલ માલિક વિનય રાવલની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા આખા અંબાજી ગામમાં ચકચાર મચી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અંબાજીમાં હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા વિનય પ્રફુલચંદ્ર રાવલની 4 ઓક્ટોબરના રોજ હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેમાં ત્યાનો ગુનો દાખલ કરીને હત્યારાઓને પકડવા માટે અંબાજી પોલીસ, એલસીબી, એસઓજી અને પેરોલ ફર્લો સ્કોર્ડની સંયુક્ત ટીમોએ ડોગ સ્કવોર્ડ, એફએસએલની મદદથી તપાસ હાથ ધરી હતી. હત્યા કેસમાં દાંતા તાલુકાના બેડા બેરફળી ગામના પ્રવીણભાઈ કાંતિભાઈ ગમાર નામના શખ્સને પકડીને પૂછપરછ હાથ ધરી હતી.

આ દરમિયાન તેને દાંતાના સુરતાભાઈ પરમાર અને બે અજાણ્યા શખ્સ સાથે મળીને વિનય રાવલની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. સમગ્ર મામલે એએસપી સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે, મૃતક યુવક એક યુવતી સાથે થઈ રહેલા દુષ્કર્મને રોકવા જતા ઉશ્કેરાયેલા ચાર શખ્સોએ વેપારી યુવક વિનયને તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી હતી.

યુવતી સાથે દુષ્કર્મને રોકવા જતા હોટલ માલિકને ઉતારી દીધા મોતને ઘાટ..

આ ઘટનામાં હોટલ માલિક વિનય રાવલ એક યુવતી સાથે સનસેટ પોઇન્ટ પર ગયા હતા. બંનેને એકાંતમાં બેઠેલાં જોઈ ચાર હવસખોરે યુવતી પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે હોટલ માલિકે યુવતીને બચાવવા જતાં હુમલાખોરોએ ચપ્પાના આઠ ઘા ઝીંકી હોટલ માલિકની હત્યા કરી ફરાર થઇ ગયા હતા.

એ. એસ. પી. સુશિલ અગ્રવાલે જણાવ્યું કે, દાંતા તાલુકાના હડાદ ગામના વતની વિનય રાવલ અંબાજીમાં હોટલના વ્યવસાયમાં જોડાયેલો હતો. થોડાક સમયથી માઉન્ટ આબુ ખાતે હોટલ શરૂ કરી હતી. અઠવાડિયા  અગાઉ સોમવારની સાંજે વિનય રાવલ એક યુવતી સાથે અંબાજી ગબ્બર પાછળના વિસ્તારમાં સનસેટ પોઇન્ટ પર ગયો હતો.

બંને એકાંતમાં બેઠાં હતાં ત્યારે તેલિયા નદીના પુલ પાસેના માર્ગ નજીકના જંગલમાં આવેલા ચાર શખ્સોએ બંને ને એકલા જોઇ યુવતી પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. વિનય રાવલ હવસખોરોનો પ્રતિકાર કરીને યુવતીને બચાવવા ગયો હતો. હુમલાખોરોએ તિક્ષ્ણ હથિયારના ઘા મારી વિનયની હત્યા કરી નાંખી હતી અને ફરાર થઇ ગયા હતા.

SOG, LCB અને પેરોલ સ્કવોર્ડની સંયુક્ત ટીમોએ તપાસ હાથ ધરી હતી

આ ઘટનાની જાણ થતાં બનાસકાંઠા જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલ, એલસીબી પીઆઇ એચ. પી. પરમાર, એસઓજી પીઆઇ ડી. આર. ગઢવી, પેરોલ ફર્લો પીએસઆઇ કે. કે. પાટડીયા, અંબાજી પીઆઇ જે. બી. આચાર્યે ડોગ સ્કવોર્ડ, એફ. એસ. એલ સહિતની ટીમે હુમલાખોરોની શોધ શરૂ કરી હતી. તેમણે સ્થાનિક આદિવાસી લોકોની મદદથી ડુંગરાઓમાં આવેલા ગામડાંમાં ઘરે ઘરે ફરીને હત્યારાને ઝડપી લીધો હતો.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી