ગુજરાતમાં આગામી ચાર દિવસ પડશે કડકડતી કાતિલ ઠંડી…

અમદાવાદમાં વધ્યો ઠંડીનો ચમકારો

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 5 દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સીવિયર કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. એટલુ જ નહીં 3.8 ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુગાર બન્યું છે. તેમજ 19 ડિસેમ્બરથી ઉત્તર ગુજરાતમાં ઠંડી વધશે, તથા તાપમાનનો પારો હજુ 2 ડિગ્રી સુધી ગગડશે. જાણવા મળી રહ્યું છે કે ઉત્તર-પૂર્વીય ઠંડા પવનનો જોર વધતા ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળશે.

હવામાન વિભાગની આગાહીના મતે આગામી 5 દિવસમાં દેશના અનેક ભાગોમાં શીતલહેર આવી શકે છે. આજથી ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે. દેશના કેટલાક ભાગોમાં તાપમાનમાં ઘટાડો થવાનો છે. જેમાં પંજાબ, હરિયાણા, ચંદીગઢ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 17 થી 21 ડિસેમ્બર દરમિયાન કોલ્ડ વેવની સંભાવના છે. ઉત્તર રાજસ્થાનમાં 18 થી 21 ડિસેમ્બર સુધી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 19 થી 21 ડિસેમ્બર સુધી સ્થિતિ એવી જ રહેશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જુનાગઢ પંથકમાં પણ બે દિવસ કોલ્ડવેવની સ્થિતિ રહેશે. અમદાવાદ શહેરમાં બે દિવસથી ઠંડીનું જોર વધ્યું છે. બુધવારે મોડી સાંજથી શહેરમાં શીત લહેર પ્રસરતાં લોકો ઠુંઠવાયા હતા. નલિયામાં સિઝનની સૌથી વધુ ઠંડી પડતાં લોકો ધ્રુજી ઉઠયાં હતા. નલિયામાં તાપમાનનો પારો ગગડીને 4.6 ડિગ્રીએ પહોચી ગયો હતો, જોકે હજુ કચ્છ પંથકમાં અતિશય ઠંડી પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.

અત્રે નોંધનીય છે કે, છેલ્લા બે દિવસથી ગુજરાતમાં શિયાળાએ જમાવટ કરી છે. ધીરે ધીરે ઠંડીનું જોર વધવા લાગ્યું છે. કચ્છમાં ચાર દિવસથી ગાત્રો થિજવતી ઠંડી પડી રહી છે. અમદાવાદ, ગાંધીનગર સહિત 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ તાપમાન જતા લોકોને ઠંડીનો ચમકારો થયો છે.

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી