કોરોનાનું સંક્રમણ વધતા ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ લંબાવાયો

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં 31 માર્ચ સુધી રાત્રી કર્ફ્યુ

રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી લાગૂ રહેશે રાત્રી કર્ફ્યુ

રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણ ને ધ્યાને લઈને રાજ્ય સરકારે આવતીકાલ તા.17 માર્ચ 2021થી ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં લાદવામાં આવેલા રાત્રિ કર્ફ્યુની મુદત ગઈકાલે પૂરી થઈ ગઈ. આજે કોર કમિટીની બેઠકમાં કોરોનાની સ્થિતિના આધારે રાત્રિ કર્ફ્યુનો નિર્ણય લેવાયો છે. આ વાતની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કયા વિસ્તારમાં કયા સમય સુધી રાત્રિ ફર્ફ્યુ રાખવો તે નક્કી કરી સાંજ સુધીમાં જાહેરાત કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, કોરોના વેક્સિન બાદ પોઝિટિવ થવાનો એકાદ કેસ આવ્યો છે. કેન્દ્ર સરકારે 14.50 લાખ વધુ ડોઝ મોકલ્યા છે. પુરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે. વેક્સિન આપવા અંગે કોઇ અવ્યવસ્થા નથી.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી કોરોનાએ ઉથલો માર્યો છે, ત્યારે રાજ્યના મહાનગરોમાં વકરી રહેલા કોરોનાને લઈને ગુજરાતની રૂપાણી સરકારે મોટો નિર્ણય લીધો છે અને જે તે શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જરૂરી પગલા ભરવાની સત્તા મનપા કમિશ્નરોને આપવામાં આવી છે.

ગુજરાતમાં પરિસ્થિતિ એક વર્ષ બાદ ફરી બગડી

રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં નવા 890 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 4700ને પાર થઈ ગયા છે. ત્યારે ફરી એકવાર ગુજરાત દિવાળી સમયની સ્થિતિ તરફ ધકેલાઈ રહ્યું છે. છેલ્લા 7 દિવસમાં દૈનિક કેસમાં 60 ટકાનો વધારો થયો છે. આંકડા મુજબ, દર કલાકે 37 લોકોને કોરોના સંક્રમણ થઈ રહ્યું છે. ગત 19 માર્ચે ગુજરાતમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. જેને હવે એક વર્ષ પૂરુ થવા આવ્યું છે. ત્યારે એક વર્ષમાં હતા ત્યાંના ત્યાં આવ્યા છે. ત્યારે આ મામલે અમદાવાદીઓનો મત જાણવાનો પ્રયાસ કર્યો. લોકો માની રહ્યા છે, સરકારે નિર્ણય પહેલા લેવા જોઈતા હતા. ખાસ કરીને મેચમાં ભીડ મામલે પહેલા જ ધ્યાન રાખવું જોઈતુ હતું.

અમદાવાદમાં 8 વિસ્તારોમાં 10 વાગ્યા પછી બધુ બંધ 

અમદાવાદના 8 વૉર્ડમાં રાત્રે 10 વાગ્યાથી પાનના ગલ્લા, ચાની કિટલીઓ, આઈસક્રીમ પાર્લર, બરફના ગોળા, પાણીપુરીવાળા સહિતના તમામ ધંધાકીય એકમો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેથી હવે આજ રાતથી 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી પાનના ગલ્લા બંધ રહેશે. અમદાવાદના 8 વૉર્ડમાં રાત્રે 10 વાગ્યાથી તમામ હોટલો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અમદાવાદના 8 વૉર્ડમાં રાત્રે 10 વાગ્યાથી તમામ રેસ્ટોરેન્ટ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

અમદાવાદના 8 વૉર્ડમાં રાત્રે 10 વાગ્યાથી તમામ દુકાનો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અમદાવાદના 8 વૉર્ડમાં રાત્રે બરફના ગોળા, આઈસક્રીમ પાર્લર પણ બંધ રાખવાં પડશે. રાત્રે 10 વાગ્યા પછી માણેકચોક અને રાયપુર બજાર પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. નવો આદેશ ના આવે ત્યાં સુધી રોજ રાત્રે 10 વાગ્યા પછી અમદાવાદના 8 વૉર્ડમાં ખાણીપીણીની દુકાનો સહિત તમામ ધંધાકીય એકમો બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. થલતેજ, મણિનગર, ગોતા, જોધપુર, નવરંગપુરા, બોડકદેવ, પાલડી અને ઘાટલોડિયામાં રાત્રે  10 વાગ્યા પછી તમામ દુકાનો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ તમામ 8 વૉર્ડમાં તમામ દુકાનો બંધ અને 2 ખાણીપીણીનાં બજાર બંધ રહેશે. તો સાથે જ માણેકચોક અને રાયપુર બજાર રાત્રે 10 વાગ્યા પછી બંધ રહેશે. અમદાવાદમાં કોરોના વકરતાં નિયંત્રણો વધારે કડક બનાવાયાં છે. 

 ટી-20 મેચમાં દર્શકોને પ્રવેશ નહીં મળે

ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં વધી રહેલા સંક્રમણ વચ્ચે ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની ટી20 સિરીઝની અંતિમ ત્રણ ટી20 મેચમાં દર્શકોને પ્રવેશ મળશે નહીં. અમદાવાદમાં સતત વધી રહેલા કોરોનાના કેસ બાદ ગુજરાત ક્રિકેટ એસોસિએશને આ નિર્ણય લીધો છે. 

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાંચ મેચોની ટી20 સિરીઝ રમાઈ રહી છે. જેમાં બે મેચ રમાઈ ચુકી છે. હવે 16, 18 અને 20 માર્ચે આગામી ત્રણ ટી-20 મેચ રમાવાની છે. હવે ગુજરાત ક્રિકેટ એસોસિએશને સૌથી મોટો નિર્ણય લીધો છે. બાકીની ત્રણેય મેચ હવે દર્શકો વગર રમાશે. આ મેચમાં દર્શકોને પ્રવેશ મળશે નહીં. મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં સૌથી મોટો વધારો થઈ રહ્યો છે. 


 305 ,  1