હોમગાર્ડનો પાવર : પોતાના ભાઈને છોડાવવા કરી દાદાગીરી…

કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ઘૂસીને કેસના કાગળો ફાડી નાખ્યા..

રાજ્યમાં કોરોનાને લઈને નાઈટ કર્ફ્યુ અમલમાં છે. પોલીસ કર્ફ્યુ ભંગ કરનાર સામે રોજ સંખ્યાબંધ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી રહી છે. ત્યારે કૃષ્ણનગર પોલીસે એક યુવકને કર્ફ્યૂ ભંગ કરવા બદલ પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. બનાવની જાણ થતાં હોમગાર્ડનો જવાન વર્ધીમાં ત્યાં આવ્યો હતો અને પોતાના ભાઈને છોડાવવા દાદાગીરી કરી હતી તેમજ કેસના કાગળો ફાડી નાંખ્યા હતા. આ મામલે હોમગાર્ડ સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

મળતી માહિતી મુજબ ,કૃષ્ણનગર પોલીસ મથકના ડી સ્ટાફમાં ફરજ બજાવતા એએસઆઇ અશ્વિનભાઈ રામજીભાઈ સહિતનો સ્ટાફ રાત્રિ કર્ફ્યનું પાલન કરાવવા પેટ્રોલિંગમાં હતા. ત્યારે રાત્રે કામ વગર બહાર નીકળેલા ત્રણ યુવકોને પોલીસ ઝડપી લીધા હતા. જેમની સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરવા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. જ્યાં પોલીસ એક પછી એક યુવકની પુછપરછ કરી હતી. ત્યારે ઝડપાયેલા યુવકે પોતાનું નામ જય ગિરીશભાઈ પુરાણી હોવાનું જણાવ્યું હતું.

વધુમાં આ દરમિયાન, હોમગાર્ડના ડ્રેસમાં એક યુવક ડી સ્ટાફની ઓફિસમાં પ્રવેશ્યો હતો. તેણે પોતાનું નામ ચિંતન ગિરીશભાઇ પુરાણી હોવાનું જણાવ્યું હતું. જય પુરાણી મારો સગો ભાઈ છે. જેથી પોલીસે જણાવ્યું હતું કે, જય સામે કર્ફ્યુ ભંગની કાર્યવાહી ચાલી રહી છે. આ સાંભળીને ચિંતન ઉશ્કેરાયો હતો અને જણાવ્યું હતું કે, ‘હું હોમગાર્ડમાં છું મારા ભાઈ સામે કાર્યવાહી કરશો તો જોઈ લઈશ’. ત્યારબાદ પોલીસે કરેલી કાર્યવાહીના કાગળો ફાડવા લાગ્યો હતો. સમગ્ર મામલે અશ્વિનભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે ,હોમગાર્ડે કૃષ્ણનગરમાં ડી સ્ટાફની ઓફિસમાં ઘૂસીને કેસના કાગળો ફાડ્યા હતા તેમ છતાં નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. તેનું કારણ એ છે કે, કૃષ્ણનગર પોલીસ સ્ટેશન નવું બન્યું તે પહેલા તમામ હદ નરોડા પોલીસ સ્ટેશનમાં આવતી હતી. હાલ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન નરોડાની હદમાં આવે છે. જેથી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ઘટના બની હોય તો તેની ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાય છે.

 76 ,  1